Archive

Archive for November, 2013

આવી જજો – અજય રાવળ

November 30, 2013 Leave a comment

તમારા વિયોગમાં મારો પ્રાણ જાય,
ત્યારે તમે આવી જજો…

હું નથી હયાત હવે, એવી વાત માની લેજો,
ભલે સ્વજનો મારા દુ:ખી હોય,
પણ તમે ખુશીઓ મનાવી લેજો…

એક હતો દુશ્મન એ પણ નથી રહ્યો,
એવો દિલાસો દિલને આથી દેજો…

ભલે લોકો મારી કાર્યોની પ્રશંસા કરે,
પણ તમે મારી નિંદા કરી લેજો…

અમર છે નામ મારું, તો પણ બદનામ થાય,
તેવી કોશિશ કરી લેજો…

એક વાર અરથી પર આવી,
ચહેરો જોઇ જજો…

ફૂલોનો હાર નહીં, નફરત તમારી ચડાવી જજો,
બસ, હવે નથી રહ્યો તમારો દીવાનો,
એની ખુશીઓ મનાવી લેજો…

– અજય રાવળ

દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો – હેમંત પુણેકર

November 28, 2013 Leave a comment

દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો,
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો…

સાચુ બોલ્યો તો વગોવાઈ ગયો,
જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો…

સાવ ખૂણામાં મને નાખી દઈ,
પૂછે છે ‘કેમ તું નંખાઈ ગયો?’…

રોજ બદલ્યો મને થોડોથોડો,
ને હવે કહે છે ‘તું બદલાઈ ગયો’!

એનું પથ્થરપણું વધતું જ ગયું,
પાંચ માણસમાં જે પુજાઈ ગયો…

જે સતત સ્વપ્નમાં રમમાણ રહ્યો,
આખરે ઊંઘતો ઝડપાઈ ગયો…

– હેમંત પુણેકર

મથુરાથી ઉડીને મોરપિચ્છ એક – હરિન્દ્ર દવે

November 24, 2013 Leave a comment

મથુરાથી ઉડીને મોરપિચ્છ એક ઓલ્યા ગોકુળ ની ગલીએ લેહેરાયું,
અંધારી રાતે જોયું વીજળી નાં ચમકારે, એને ઝીલવાને દોડી ગયો વાયુ…

લઈને હિલ્લોળા નીર જમુના નાં સરખાવે, એની નીલાશ સંગે વાન,
વૃંદાવન કુંજે કોઈ ગમતીલા તરુવર ની ડાળી માં ઉગ્યું એક ગાન,
સુતી યશોદા ની વેદના ને વીંધી એના ઊંઘરેટા નેણ માં સમાયું…

કૌતુક થી રાતે સુતો સુરજ જગાડ્યો, એના કિરણો નું ટોળું આવ્યું આંગણ,
નંદજી ને ઘેર આખું આભ ઉતર્યું ને, ડોક ઉંચી કરી જુએ ગોધણ,
રાધાએ મખમલિયા પીંછા ને ચૂમ્યું ત્યાં તો, વાંસળીમાં સગપણ છલકાયુ…

હે ક્રિષ્ન દુનીયામાં એક વાર આવી તો જો

November 22, 2013 Leave a comment

હે ક્રિષ્ન દુનીયામાં એક વાર આવી તો જો,
ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી,
રસ્તાની ગાયો હઠાવી તો જો…

ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો,
બીન લાદેનને આંગળી અડાડી તો જો…

ચીર પુર્યાં તે દ્રૌપદીનાં,
મલ્લિકાને દુપટ્ટો પહેરાવી તો જો…

ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી,
કોલેજની છોકરી એક પટાવી તો જો…

સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો,
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો…

હે ક્રિષ્ન દુનીયામાં એક વાર આવી તો જો…

Categories: કવિતા, ગઝલ

હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી

November 18, 2013 Leave a comment

એ નજરોથી નજરો હવે ક્યાં મળે છે?
અણીશુદ્ધ ગઝલો હવે ક્યાં મળે છે?

જે માણસ હતો આ નગરનો જ હિસ્સો,
એ માણસનો પત્તો હવે ક્યાં મળે છે?

કયું, કોણ ક્યારે, કહીં, કેમ, કેવું?
કશાયે જવાબો હવે ક્યાં મળે છે?

જ્યાં આંખો મીંચીને અમે ચાલતા’તા,
‘અદમ’ એજ રસ્તો હવે ક્યાં મળે છે?

ઋતુઓનું વર્ણન – દલપતરામ

November 17, 2013 Leave a comment

શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય,
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ,
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ,
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત…

ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય,
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન,
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ,
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ…

ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર,
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય,
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ…

આપણું મળવાનું ક્યાં સંભવ હવે – હિતેન આનંદપરા

November 13, 2013 Leave a comment

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર,
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર…

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં,
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર…

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા,
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર…

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર,
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર…

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું?
જીંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર…

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા,
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર…

પ્રશ્ન કોઇ થાય ત્યારે આવજે

November 12, 2013 Leave a comment

પ્રશ્ન કોઇ થાય ત્યારે આવજે,
કંઈ દ્વિધા સર્જાય ત્યારે આવજે…

ખોખલો આધાર લઈ ઊડે છે તું,
આભથી પટકાય ત્યારે આવજે…

લાગણી શબ્દોથી પર છે, જાણી લે,
મૌન જો સમજાય ત્યારે આવજે…

હું ઝીલું છું ગીત ઊર્મિના અહીં,
કંપ ત્યાં ઝીલાય ત્યારે આવજે…

તેં સમજના દ્વારને વાસી દીધા,
અણસમજ ઘૂંટાય ત્યારે આવજે…

મેં લખી છે આપવીતી, આમ તો,
વેદના વંચાય ત્યારે આવજે…

Categories: કવિતા, ગઝલ

કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે – અંકિત ત્રિવેદી

November 9, 2013 Leave a comment

કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે,
સાથે ગઝલ લખ્યાની મજા ઓર હોય છે…

સુક્કાં થયેલાં ફૂલ કહે રંગ ક્યાં ગયા?
સાચ્ચે જ ખુશબૂઓના અલગ ન્હોર હોય છે…

કાં તો તૂટી જશે ને નહીંતર ખૂટી જશે,
યાદો જૂનીપુરાણી ને કમજોર હોય છે…

દિવસની જેમ રાત પડે આંખમાં ઊગે,
સપનું દઝાડવાનો નવો પ્હોર હોય છે…

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે…

– અંકિત ત્રિવેદી

ઊપડતી જીભ અટકે છે – હેમંત પૂણેકર

November 8, 2013 Leave a comment

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે…

ઘણાં વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું,
અહીં જેને મળું છું, સાવ ઠંડોગાર લાગે છે…

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે,
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે…

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઊઘડવું પણ,
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે…

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે,
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે…

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉ છું,
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે…