Archive

Archive for February, 2014

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની – કલાપી

February 27, 2014 Leave a comment

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની…

માશૂકોના ગાલની લાલી મહીં લાલી,
અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની…

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની…

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની…

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની…

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની…

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની…

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની…

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની…

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની…

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની…

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની…

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની…

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની…

– કલાપી

Advertisements

ફરતાં ફરતાં નિર્જન વનમાં – નીનુ મઝુમદાર

February 25, 2014 Leave a comment

ફરતાં ફરતાં નિર્જન વનમાં એક સહચરની યાદ આવી ગઈ,
એક ડાળ હતી ને હતો માળો, મુજને ઘરની યાદ આવી ગઈ…

ત્યાં વેરવિખેર હતાં ફૂલો ને એકલું બુલબુલ રોતું હતું,
સૈયાદે દયાથી ખોલ્યું હતું તે પિંજરની યાદ આવી ગઈ…

અરમાન વહીને દિલમાંથી પલકોના કિનારા શોધે છે,
નયનોમાં તરતા જીવનને કોઈ સાગરની યાદ આવી ગઈ…

ત્યાં પાછળ માર્ગ હતો સૂનો ને આગળ પણ સુમસામ હતું,
એકાકી નિરંજનને ત્યારે સચરાચરની યાદ આવી ગઈ…

– નીનુ મઝુમદાર

દિવાસળી શોધ્યા કરે – મેઘબિંદુ

February 22, 2014 Leave a comment

એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,
જીંદગી એ રીતથી જીવ્યા કરે…

ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,
ને સતત એ જીંદગી ગૂંથ્યા કરે…

મીણબત્તી એમણે બૂઝવી દીધી,
ને પછી દિવાસળી શોધ્યા કરે…

જાણ ખુદની છે છંતાયે એ હજુ,
અન્યને પોતા વિશે પૂછયા કરે…

જીવવાનું છે અહિં ઘોંઘાટમાં,
લાગણીને એ સતત પીંજયા કરે…

સઘળા દુઃખનું કારણ મન છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

February 19, 2014 Leave a comment

સઘળા દુઃખનું કારણ મન છે,
સુખનું સરનામું પણ મન છે…

સઘળી આવન-જાવન મન છે,
દિવાનગી ને ડહાપણ મન છે…

સ્વયં ધૂળ ને રજકણ મન છે,
થર બાઝેલું દર્પણ મન છે….

જીવન તો ખળખળ ઝરણાં સમ,
આ વિધ્નો આ અડચણ મન છે…

હું એવો ને એવો ભીતર,
આ બચપણ આ ઘડપણ મન છે…

શું સાધુ કે શું સંસારી?
મૂળ બેઉનું કારણ મન છે…

બાંધે, જોડે – તોડે હરપળ,
સૌ સાથેનું સગપણ મન છે…

એ જ ઉઘાડે સકળ રહસ્યો,
અને સત્યનું ઢાંકણ મન છે…

આભ બની જઈ ઘડીક ટહુકે,
બીજી જ પળમાં ગોફણ મન છે…

શબ્દ-મૌન, મુક્તિ કે બંધન,
આ પણ મન છે, એ પણ મન છે…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કઠપૂતળી – વિવેક કાણે ‘સહજ’

February 16, 2014 Leave a comment

ખુલ્લી આંખો, ને અંધાપો,
રામભરોસે રસ્તો કાપો…

તરણાની ઓથે બેસીને,
સૂરજનો પડછાયો માપો…

મારી ચિંતા સૌ છોડી દો,
મારાં કર્મો, મારાં પાપો…

બાંધી મુઠ્ઠી જ્યાં મેં ખોલી,
નીકળ્યો વર્ષોનો ઝુરાપો…

ભાલ ઉપર જો હોય જગા તો,
આંસુનો સરવાળો છાપો…

ખોવાયું માટીનું ઢેફું,
કોઈ ‘સહજ’ને શોધી આપો…

– વિવેક કાણે ‘સહજ’

આપને ભીંજાવવાના કોડ છે – હેમંત પુણેકર

February 14, 2014 Leave a comment

આપને ભીંજાવવાના કોડ છે,
વાદળોમાં વરસવાની હોડ છે…

આ પવન લપટાય છે ચહેરા ઉપર?
કે આ તુજ પાલવની રેશમ-સોડ છે?

સૂર્યને પણ એક દિન પડકારશું,
કોડિયાને કેવાકેવા કોડ છે…

લાગે છે આગળ હવે રસ્તો નથી,
જીંદગીનો આ તે કેવો મોડ છે?

ઠોકરો ખાઈ શીખેલો કાચ છું,
તડથી બચવાની કલા તડજોડ છે…

– હેમંત પુણેકર

પણ મળવાનું રાખો

February 12, 2014 Leave a comment

આજ નહીં તો કાલે મળજો, પણ મળવાનું રાખો,
મુજમાં ઓછા વધતા ભળજો, પણ ભળવાનું રાખો…

સંભવ છે કે મળી જાય નિજનું અજવાળું એમાં,
ભલે ને ધીમે ધીમે બળજો, પણ બળવાનું રાખો…

જડ કે જક્કી બન્યા અગર જકડાઈ જવાના નક્કી,
મનગમતા ઢાંચામાં ઢળજો, પણ ઢળવાનું રાખો…

તમે છો મારી આંખનાં સપનાં કાચીકચ ઉંમરના,
મને નહીં તો બીજાને ફળજો, પણ ફળવાનું રાખો…

તેનાથી કંઈ ફેર પડે ના આ જગનાં પાપોમાં,
પુણ્યો થોડાં થોડાં રળજો, પણ રળવાનું રાખો…

માફકસરનું તમે બધાને આપી ના શકવાના,
ઝીણું દળજો, જાડું દળજો, પણ દળવાનું રાખો…

ગઝલો પણ સાંભળવી, લખવી નીતર્યો બ્રહ્માનંદ છે,
એ બાજુ છો ઓછા ઢળજો, પણ ઢળવાનું રાખો…

Categories: કવિતા, ગઝલ