Archive

Archive for the ‘અમૃત ઘાયલ’ Category

પ્રણયમાં જવાની નિચોવાઇ જાશે – અમૃત ‘ઘાયલ’

August 1, 2014 Leave a comment

પ્રણયમાં જવાની નિચોવાઇ જાશે,
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે…

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે…

નયન સાથ રમવા ન એને જવાદો,
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે…

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે…

સિધાવો, ન ચિંતા કરો આપ એની,
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે…

કદી દાનની વાત ઉચ્ચારશો મા,
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે…

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે,
વિચારો નહિં, મન વલોવાઇ જાશે…

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે,
હતું નામ શું કે વગોવાઇ જાશે?

– અમૃત ‘ઘાયલ’

હું નથી આ પાર કે તે પારનો – અમૃત ‘ઘાયલ’

January 12, 2014 Leave a comment

હું નથી આ પાર કે તે પારનો,
મુક્ત યાત્રી છું હું પારાવારનો…

વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી,
રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો…

ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ,
દેવદુર્લભ થાળ છું કંસારનો…

આમ હું આધારને શોધ્યા કરું,
આમ હું આધાર છું આધારનો…

હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ,
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો…

– અમૃત ‘ઘાયલ’

માઝમ રાત આવી ગઇ – ‘અમૃત’ ઘાયલ

August 5, 2013 Leave a comment

દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ,
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’,
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ…

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું,
સંસારમાં રહીને શાયર થઇ શકું છું,
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું,
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું…

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું,
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’,
શાયર છું, પાળિયા ને બેઠા કરી શકું છું…

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું,
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું,
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું,
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું…

– ‘અમૃત’ ઘાયલ

શબ્દની આરપાર જીવ્યો છું – ‘અમૃત’ ઘાયલ

August 2, 2013 Leave a comment

શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહું ધારદાર જીવ્યો છું…

સામે પુરે ધરાર જીવ્યો છું,
વિષ મહી નિરવિકાર જીવ્યો છું…

ખુબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું…

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ,
હું સદા બારોબાર જીવ્યો છું…

મંદ ક્યારેય ન થઇ મારી ગતી,
આમ બસ મારમાર જીવ્યો છું…

આભ ની જેમ વિસ્તર્યો છું,
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું…

બાગેતા બાગ સુર્યની પેઠે,
આગમાં પૂરબહાર જીવ્યો છું…

હું ય વરસ્યો છુ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું…

આમ ઘાયલ છુ, અદનો શાયર પણ,
સર્વથી શાનદાર જીવ્યો છું…

– ‘અમૃત’ ઘાયલ

શબ્દની આરપાર જીવ્યો છું – ‘અમૃત’ ઘાયલ

March 31, 2013 Leave a comment

શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું…

સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું…

ખૂબ અંદર બહાર જીવ્યો છું,
ધૂંટે ધૂંટે ચિક્કાર જીવ્યો છું…

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું…

મંદ ક્યારેય થઈ ન મારી ગતિ,
આમ બસ મારંમાર જીવ્યો છું…

આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું…

બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પૂર બહાર જીવ્યો છું…

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું…

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું…

– ‘અમૃત’ ઘાયલ

લાજના ભાવથી નમી તે ગઝલ – ‘અમૃત’ ઘાયલ

March 30, 2013 Leave a comment

અણગમાને અતિક્રમી તે ગઝલ,
ને પ્રણયમાં પરિણમી તે ગઝલ…

લાજના ભાવથી નમી તે ગઝલ,
જે પ્રથમ દ્રષ્ટિએ ગમી તે ગઝલ…

આંખમાં આંજી સ્નેહનો સુરમો,
રાતભર સોગઠે રમી તે ગઝલ…

શેરીએ શેરીમાં અજંપાની,
આંધળી ભીંત થઈ ભમી તે ગઝલ…

ચોતરફ મૌન મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ…

તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેઘલી મીટથી ઝમી તે ગઝલ…

નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ…

દ્રષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ…

જીન્દગીની કે જાંફિશાનીની,
હોય જે વાટ ઝોખમી તે ગઝલ…

એ તો છે ચીજ સર્વ મોસમની,
નિત્ય લાગે જે મોસમી તે ગઝલ…

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી તે ગઝલ…

માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ…

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’,
હલબલી જાય આદમી તે ગઝલ…

– ‘અમૃત’ ઘાયલ

વર્ષો જવાને જોઈએ – ‘અમૃત’ ઘાયલ

March 29, 2013 Leave a comment

વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,
આશ્ચર્ય વચ્ચે એમના આંગણામાં જઈ ચડ્યો…

પૂછો નહીં કે આજ તો ક્યાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા કામણમાં જઈ ચડ્યો…

અંધારમુક્ત થઈ ન શક્યો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઈ ચડ્યો…

મનફાવે તેમ આભમાં ફંગોળતી રહી,
હું ક્યાંય નહિ ને ગેબની ગોફણમાં જઈ ચડ્યો…

કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું,
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો…

નહોતી ખબર જવાય નહીં એમ સ્વર્ગમાં,
પહેર્યું હતું હું એ જ પહેરણમાં જ ચડ્યો…

‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું,
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં, જઈ ચડ્યો…

– ‘અમૃત’ ઘાયલ

દટાયો છું – ‘અમૃત’ ઘાયલ

March 28, 2013 Leave a comment

કેમ ભૂલી ગયા, દટાયો છું,
આ ઈમારતનો હું ય પાયો છું…

હું હજી, પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધો પડધો જ ઓળખાયો છું…

વિસ્તર્યા વિણ બધેય છાયો છું,
હું અજબ રીતથી ઘવાયો છું…

આમ તો એક બિંદુ છે કિન્તું,
સપ્ત સિંધુથી સંકળાયો છું…

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું…

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું…

એ જ છે પ્રશ્ન, કોણ કોનું છે,
હું ય મારો નથી, પરાયો છું…

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું…

ઊંચકે કોણ પંથ ભૂલ્યાને,
આપમેળે જ ઉંચકાયો છું…

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું…

– ‘અમૃત’ ઘાયલ

રસ્તો કરી જવાના – ‘અમૃત’ ઘાયલ

March 27, 2013 Leave a comment

રસ્તો નહીં જડે તો, રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ, મનમાં મરી જવાના!

નિજ મસ્ત થઈ જીવન આ, પુરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને, સિન્ધુ તરી જવાના!

કોણે કહ્યું કે, ખાલી હાથે મરી જવાના,
દુનિયાથી દિલના ચારે, છેડા ભરી જવાના!

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!

મનમાં વિચાર શું છે, અવિરામ કંઈ દીપક છે,
હર ઝખ્મને નજરથી, ટાંકા ભરી જવાના!

સ્વંય વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,
દીપક નથી અમે કે, ઠાર્યા ઠરી જવાના!

અય કાળ, કંઈ નથી ભય તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના!

યાંત્રિક છે આ જમાનો, ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી, પગલાં ભરી જવાના!

દુનિયા શું કામ ખાલી, અમને મિટાવી રહી છે,
આ ખોળિયું અમે ખુદ, ખાલી કરી જવાના!

– ‘અમૃત’ ઘાયલ

પ્રણયમા જવાની – ‘અમૃત’ ઘાયલ

December 23, 2012 Leave a comment

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે,
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે…

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે…

નયન સાથ રમવા ન એને જવાદો,
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે…

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે…

સિધાવો, ન ચિંતા કરો આપ એની,
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે…

કદી દાનની વાત ઉચ્ચારશો મા,
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે…

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે,
વિચારો નહિં, મન વલોવાઇ જાશે…

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે,
હતું નામ શું કે વગોવાઇ જાશે…

– ‘અમૃત’ ઘાયલ