Archive

Archive for November, 2012

પૂછ એને કે જે શતાયુ છે – મનોજ ખંડેરીયા

November 30, 2012 Leave a comment

પૂછ એને કે જે શતાયુ છે,
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે…

શ્રી સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી બીજું શું સવાયું છે…

આંખમાં કીકી જેમ સાચવ તું,
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે…

આપનો દેશ છે દશાનનનો,
આપણો માંહ્યલો જટાયુ છે…

તારે કાજે ગઝલ મનોરંજન,
ને મારે માટે તો પ્રાણવાયુ છે…

– મનોજ ખંડેરીયા

Advertisements

કોઈ શબ્દોની સમજ સ્વરથી પડે – રવિ ઉપાધ્યાય

November 29, 2012 Leave a comment

કોઈ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…

કાષ્ટ્માં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પિછાણ તો અત્તરથી પડે…

લાગણીનું પણ સદા એવું જ છે,
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’,
રામ નામે સેતુ તો પથ્થરથી બને…

– રવિ ઉપાધ્યાય

ગભરુ આંખોમાં કાજળ થઈ – અમૃત ‘ઘાયલ’

November 28, 2012 Leave a comment

ગભરુ આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજજ્ત છે,
ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજજ્ત છે…

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજજ્ત છે,
ફુલ મહીં ખૂશ્બૂ પેઠે ખોવાઈ જવામાં લિજજ્ત છે…

પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામા લિજજ્ત છે…

દુખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવુ શું?
એ જો કે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજજ્ત છે…

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહિં જ સમજી શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજજ્ત છે…

સારા-નરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઉલટથી એ ગાઈ જવામાં લિજજ્ત છે…

– અમૃત ‘ઘાયલ’

તમારું જ નામ – અઝીઝ ટંકારવી

November 27, 2012 Leave a comment

અમારા હ્રદયમાં તમારો મુકામ,
આ હૈયું મટીને થયું તિર્થધામ…

તમે આંગળી મારી પકડી અને,
પલકભરમાં રસ્તો થયો આ તમામ…

થયું ધૂળધાણી ક્ષણોમાં બધું,
અહમ્ નો અમારો આ કેવો દમામ…

લથડવાનું પહેલેથી નક્કી હતું,
તમે જ્યાં પીધાં ઝાંઝવાના જ જામ…

ભલે લોક એને કહે છે ગઝલ,
‘અઝીઝે’ લખ્યું છે તમારું જ નામ…

– અઝીઝ ટંકારવી

શરૂઆત અધૂરી લાગે છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

November 26, 2012 Leave a comment

શું સાંભળવા ઝંખે છે મન, હર વાત અધૂરી લાગે છે,
આ કોણ નથી સંગાથે કે શરૂઆત અધૂરી લાગે છે…

એ રંગ કયો આંખે ઘૂંટ્યો? ભીતરથી જાય નહીં છૂટ્યો,
એ રંગ-ભાતને શું નિસ્બત? હર ભાત અધૂરી લાગે છે…

એમાં થોડું જો સ્મિત ભળે આખો અવસર અજવાળી દે,
આ હું પદ કેવું ખટકે છે? સોગાત અધૂરી લાગે છે…

જે મૌન મહીં ઘૂંટી હરપળ જે રાત-દિવસ ભીતર ખળખળ,
એ વાત વિનાની તો સઘળી રજૂઆત અધૂરી લાગે છે…

સઘળું છોડીને આવી છે મનગમતા સૌને લાવી છે,
આખરની પળ આખરવેળા કાં રાત અધૂરી લાગે છે…

ક્યાં ખોટ કશાની છે ઘરમાં જીવું છું જાણે અવસરમાં,
આ કોણ યાદ આવ્યું મિસ્કીન કે જાત અધૂરી લાગે છે…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તકિયાકલામ છે – અંકિત ત્રિવેદી

November 25, 2012 Leave a comment

સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે…

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે…

પેલો સૂરજ તો સાંજ ટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે…

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઇશ હું,
સપનામાં તારા આવીને મારે શું કામ છે?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે…

– અંકિત ત્રિવેદી

વિચારોના ખડક છે – ધૂની માંડલિયા

November 24, 2012 Leave a comment

મારી જ અંદર, એક એકાકી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે…

જો જીભ આવે ભીંતને, તો તો શું થશે?
પ્રત્યેક છાની વાતને એની ફડક છે…

ફૂલોને મળવા તોય દોડી ગઇ હવા,
એને ખબર છે, કાંટાનો પહેરો કડક છે…

હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
મારા તમારા વચ્ચે બસ, આ ફરક છે…

આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો,
આંસુ કહે, એવો અમારો મલક છે…

હમણાં જ એ આવી ગયા, એથી જ તો,
‘ધૂની’ શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે…

– ધૂની માંડલિયા