Archive

Archive for April, 2014

એક રાજા હતો એક રાણી હતી – બરકત વિરાણી ‘બેફામ’

April 30, 2014 Leave a comment

એક રાજા હતો એક રાણી હતી,
એ તો તારી ને મારી કહાણી હતી…

કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી,
મારી તો વાટ આખી અજાણી હતી…

માત્ર એના અનુભવ થયા સૌ નવા,
પ્રીત તો એની સાથે પુરાણી હતી…

જીંદગી ના મે દિવસો જ ખર્ચ્યા કર્યા,
જીંદગીમાં બીજી કયાં કમાણી હતી…

એક ચાદર હતી આભની ઓઢવા,
રાતના જોયું તો એ’ય કાણી હતી…

ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ’ નું,
ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી…

Advertisements

આ તે કેવું – કૃષ્ણ દવે

April 28, 2014 Leave a comment

ઝરણાનું દે નામ અને ના આપે વહેવું! આ તે કેવું?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું! આ તે કેવું?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું? આ તે કેવું?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું? આ તે કેવું?

મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું?
વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું! આ તે કેવું?

માંગી મેં પાંખડી – કમલેશ સોનાવાલા

April 25, 2014 Leave a comment

માંગી મેં પાંખડી, તેં આપ્યું ગુલાબ,
અણિયાળી આંખડી ને છલકે શરાબ,
માંગી મેં પાંખડી…

માંગ્યો મેં મોરલો, દીધો ઝરમર વરસાદ,
ટમકંતો તારલો જાણે સાજનનો સાદ,
માંગી મેં પાંખડી…

માંગી મેં ચાંદની, તેં ઉઘાડ્યો નકાબ,
ચહેરો તમારો જાણે ફૂલોનો શબાબ,
અણિયાળી આંખડી…

માંગ્યું મેં મન, દીધું આખું ગગન,
અંગડાતું જોબન જાણે સમીરી ચમન,
માંગી મેં પાંખડી…

માંગ્યો મેં ટહુકો, દીધા અંતરના બોલ,
ફાગણી ગુલાલમાં છે જીવતરના કોલ,
માંગી મેં પાંખડી…

જાતની સાથે જ સોબત થઇ ગઇ – ઉર્વીશ વસાવડા

April 22, 2014 Leave a comment

જાતની સાથે જ સોબત થઇ ગઇ,
એકલા રહેવાની આદત થઇ ગઇ…

એક આંસુ કો’કનું લૂછી દીધું,
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ…

આયના સામે કશા કારણ વગર,
આજ બસ મારે અદાવત થઇ ગઇ…

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે,
કેવડી મોટી સખાવત થઇ ગઇ…

એમણે પીડા વિશે પૂછ્યા પછી,
કેટલી પીડામાં રાહત થઈ ગઈ…

કાલ મન ઉજજડ હતું પણ આજ તો,
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ…

– ઉર્વીશ વસાવડા

તું મને એટલી બધી – યામિની ગૌરાંગ વ્યાસ

April 20, 2014 Leave a comment

તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે,
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે…

પ્રેમનો દરિયો ઉછળે એવો જોજન જોજન પૂર,
હોય પાસ તું, બ્રહ્મ બ્રહ્માંડો લાગતા મને દૂર…

સાવ રે ખાલી મન તારાથી ઉભરે છે ભરપુર,
સાવ રે ખાલી મનમાં જાણે કોઈ કવિતા રમે,
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે…

પાસ પાસે હોય સૌ અવાજો ટહુકા તારા શોધું,
બારણે નહીં થાય ટકોરા, પગલાં તારા શોધું…

હોય ભલે ને નીંદર મારી શમણા તારા શોધું,
હોય ભલે ને સાવ નિરવતા દિલની વ્યથા શમે,
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે…

એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો – રમેશ પારેખ

April 17, 2014 Leave a comment

એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો
ટોપો હતો બ્લ્યૂ, તેમાં હતી જૂ

જૂ ભરે ચટકો, લાગે મોટો ઝટકો
તો ય રાખે ભોપો, કાઢે નહીં ટોપો

ટોપો સાવ ગંદો, તેમાં એક વંદો
વંદો ફરે માથે, ટોપા સાથે સાથે

વંદો ભાળે જૂ, બોલે: સૂ સૂ સૂ
જૂને બીક લાગે, આમ તેમ ભાગે

જૂ સંતાય છે, વંદો ખિજાય છે
વંદો કાઢે ડોળા, કરે ખોળંખોળા

હડિયાપટ્ટી મચ્ચી, થાય ગલીપચ્ચી
ભોપો ખણવા બેઠો, ટોપો પડ્યો હેઠો

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી – હરિન્દ્ર દવે

April 15, 2014 Leave a comment

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી…

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી…

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી…

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી…

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી…

– હરિન્દ્ર દવે