Archive

Archive for July, 2012

આટલી જગા માટે – બરકત વિરાણી ‘બેફામ’

July 31, 2012 Leave a comment

હવે તો ઝંખી રહ્યો છું વેદના માટે,
ગયા દિવસ કે તડપતો હતો દવા માટે…

તું સાકી, એમને તરસાવજે સુરા માટે,
જરુર જેમને, દુઃખની નથી પીવા માટે…

ભર્યાં છે આંખમાં આંસુ મેં બેવફા માટે,
હું સાચા નીર વહાવું છું ઝાંઝવા માટે…

જીવો ન એમ જગતમાં ખુદાના બંદાઓ,
જગતમાં સ્થાન નથી જાણે કે ખુદા માટે…

દિવાનગીથી જમા થાય એટલાં લોકો,
રહે ન વ્યક્તિ કોઇ એમની સભા માટે…

છે મારા આવતા દિવસોની ઉન્નતી એમાં,
જે હાથ આજ ઊંચા થાય છે દુઆ માટે…

મેં હાથ પણ લગાડ્યો એ તુચ્છ દુનિયાને,
સિકંદર આવ્યો હતો જેને જીતવા માટે…

છતાં બધાયે લૂંટી લીધી જીંદગી મારી,
જગતમાં જીવતો હતો નહિ તો હું બધા માટે…

કબરને જોઇને દુઃખ એ જ થાય છે બેફામ,
તમારે મરવું પડ્યું આટલી જગા માટે…

– બરકત વિરાણી ‘બેફામ’

Advertisements

જગતની હવા મને – બરકત વિરાણી ‘બેફામ’

July 30, 2012 Leave a comment

આમેય છેતરે છે જગતમાં બધા મને,
આપ્યા કરો તમેય ભલે વાયદા મને…

લાગ્યાં જગતનાં લોક સુખી માનવા મને,
આવી રહી છે એમ દુઃખોની મજા મને…

જીવનનું કેમ કાંઇ મને ભાન પણ નથી?
આ કોણ ક્યાંથી પાઇ રહ્યું છે સુરા મને?

હાજર તમે છો એટલે બેસી રહ્યો છું હું,
ગમતી નથી નહી તો તમારી સભા મને…

પરદા ઉપર નિસાર છે દર્શનની ઝંખના,
જોયાં નહીં મેં કિન્તુ એ જોતાં રહ્યાં મને…

રુંધે છે મારો માર્ગ, સિતમની સીમા જુઓ,
દેતા નથી જે સ્થિર થવાની જગા મને…

માંગુ જો એની પાસ, બધાં સુખ મને મળે,
દુઃખ એ જ છે કે ભૂલી ગયો છે ખુદા મને…

એ સારું છે કે વાત નથી એના હાથની,
દુશ્મન નહીં તો માગવા ન દે દુઆ મને…

બેફામ શ્વાસ અટકી ગયો તેથી શું થયું?
માફક ક્યાં આવતી હતી જગતની હવા મને…

– બરકત વિરાણી ‘બેફામ’

તો સારું હતું – બરકત વિરાણી ‘બેફામ’

July 29, 2012 Leave a comment

મારે માટે તું અગર ના હોત તો સારું હતું,
અથવા હું તારા વગર ના હોત તો સારું હતું…

જે જગા પર જીન્દગીનો માર્ગ બદલાઇ ગયો,
એ તમારી રહેગુઝાર ના હોત તો સારું હતું…

પ્રેમ બદલે એને મારા પર દયા આવી ગઇ,
મારી હાલતની ખબર ના હોત તો સારું હતું…

ઓ ખુદા, જ્યાં જાઉં છું ત્યાં બંધ દ્ધારો જોઉં છું,
આ જગતમાં કોઇ ઘર ના હોત તો સારું હતું…

મંઝિલો સૌ કલ્પનાના મહેલ થઇ ને રહી ગઇ,
આટલી કપરી સફર ના હોત તો સારું હતું…

જેમ માગેલી દુઆની કંઇ નથી હોતી અસર,
એમ દુઃખની પણ અસર ના હોત તો સારું હતું…

હોય સંકટનો સમય તો પણ ખુદા ના સાંભરે,
એટલી મારી સબર ના હોત તો સારું હતું…

મોતનીયે બાદ ઓ બેફામ, નિંદા આપની,
આપ દુનિયામાં અમર ના હોત તો સારું હતું…

– બરકત વિરાણી ‘બેફામ’

વાત ગોળગોળ ન કર – રમેશ પારેખ

July 28, 2012 Leave a comment

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર,
જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર…

છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે,
સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર…

પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે,
તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર…

રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક,
મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર…

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું,
તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર…

બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ,
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર…

– રમેશ પારેખ

આસપાસ – મનોજ ખંડેરીયા

July 27, 2012 Leave a comment

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ,
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ…

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને,
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ…

નિંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી,
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ…

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે,
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ…

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ…

– મનોજ ખંડેરીયા

ખાલી કરી જવાના – અમૃત ‘ઘાયલ’

July 26, 2012 Leave a comment

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના…

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના…

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના…

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના…

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના…

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના…

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના…

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના…

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના?

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના…

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના…

– અમૃત ‘ઘાયલ’

કોણ માનશે – ‘મરીઝ’

July 25, 2012 1 comment

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે,
જે જોઈ છે મેં તારી દશા, કોણ માનશે…

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથે જ ભોગવું છું સજા, કોણ માનશે…

દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત,
મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે…

વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે…

છે ખુશનસીબ વ્યક્ત કરે જે ઉદારતા,
દિલમાં રહી ગઈ તે દયા, કોણ માનશે…

જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા, કોણ માનશે…

– ‘મરીઝ’

Categories: ગઝલ, મરીઝ