Archive

Archive for December, 2011

લેવા ગયો જો પ્રેમ તો – ‘મરીઝ’

December 31, 2011 Leave a comment

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો…

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો…

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો…

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો…

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો…

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો…

કેવી મજાની પ્રેમની દિવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો…

– મરીઝ

Advertisements
Categories: ગઝલ, મરીઝ

બાળપણના દોસ્ત – ‘મરીઝ’

December 30, 2011 Leave a comment

એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત,
પગલાં બની ગયા છે, તમારા ચરણનાં દોસ્ત…

ઊભરો રહે ન દિલમાં, ન બદનામીનો ડર,
શોધુ છું ભેદ કહેવાને, નબળાં સ્મરણનાં દોસ્ત…

એના લીધે નીભાવી લીધી કંઈક દોસ્તી,
બાકી અમે અહીં હતા, બસ એક જણનાં દોસ્ત…

હિમ્મતની એ ઊણપ હો કે કિસ્મતની વાત હોય,
ખાબોચિયામાં તરમાં દીઠા છે ઝરણનાં દોસ્ત…

એનું થવાનું એ જ કે પટકાશે આમતેમ,
દરિયાનાં મોજેમોજાં થયાં છે તરણનાં દોસ્ત…

તારા લીધે ખુવાર થયો છું જહાનમાં,
ઢાંકણ એ ભેદ ના, બૂરા આચરણનાં દોસ્ત…

ઓ દોસ્ત, કોઈ દોસ્તનો નથી એમાં કસૂર,
વાતાવરણ બનાવે છે, વાતાવરણનાં દોસ્ત…

ક્યારે વજન હું એમનું પામીશ શું ખબર?
કંકર લઈને તોળું છું લાખ મણનાં દોસ્ત…

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયાં છે બધાં બાળપણના દોસ્ત…

– મરીઝ

Categories: ગઝલ, મરીઝ

ન શક્યો – ‘મરીઝ’

December 29, 2011 Leave a comment

છે ફરજ પ્રેમની સાચી, તે બજાવી ન શક્યો,
રહ્યો હું મુંગો છતાં, ભેદ છુપાવી ન શક્યો…

જોતજોતામાં મેં દુનિયાને મનાવીય લીધી,
તમે કારણ વિના રૂઠ્યાં છો, મનાવી ન શક્યો…

ઝાડ તો રોપી શક્યો મારા જીવન ઉપવનમાં,
ફૂલ કોઈ એની ઉપર હાથે ખિલાવી ન શક્યો…

જીંદગી વેડફી દીધી તેનું કારણ એ છે,
તક હતી એટલી મોટી કે પચાવી ન શક્યો…

સામે મંઝિલ હતી જોયા કીધી, જોયા જ કીધી,
હતી હિંમતમાં ઊણપ, પગ હું ઉઠાવી ન શક્યો…

એના અન્યાયની વાતો તો ઘણી કીધી ‘મરીઝ’,
હતા દુનિયાના જે ઉપકાર ગણાવી ન શક્યો…

– મરીઝ

Categories: ગઝલ, મરીઝ

જીવનનો ભાર છે – ‘મરીઝ’

December 28, 2011 Leave a comment

છે એક વિચારની વ્યથા, બીજી જીવનનો ભાર છે,
આશા અને નિરાશા એ દર્દના બે પ્રકાર છે…

એની દયાથી સંકલિત ન રાખ તારી નાવને,
કાંઠો તને નહિ મળે, એની દયા અપાર છે…

વસ્તુઓ બિનજરુરની શોભે છે તારી યાદમાં,
વ્યર્થ સમયનું નામ પણ પ્રેમમાં ઇન્તેઝાર છે…

એ છે હવે નસિબ કે નિંદા મળે કે નામના,
અંગત કશું રહ્યું નથીં, આખું જીવન પ્રચાર છે…

મહેફિલો મારા ઐશની પરદો બની ગઈ ‘મરીઝ’,
કોઇ નથી એ જાણતું દિલ બહુ બેકરાર છે…

– મરીઝ

Categories: ગઝલ, મરીઝ

આ મોહબ્બત છે કે છે એની દયા – ‘મરીઝ’

December 27, 2011 Leave a comment

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી,
એક મુદ્દત થઇ, કે તેઓ હા કે ના કહેતા નથી…

જે કલાનું હાર્દ છે એની મજા મરી જશે,
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી…

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઈ,
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી…

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી…

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી…

બે જણા દિલથી મળે, તો એક મજલીસ છે ‘મરીઝ’,
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી…

– મરીઝ

Categories: ગઝલ, મરીઝ

સમજાવી નથી શકતો – ‘મરીઝ’

December 26, 2011 Leave a comment

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો,
ઘણું સમજું છું એવું, જે હું સમજાવી નથી શકતો…

ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો, જે યાદ આવી નથી શકતો…

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો…

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો, તમને થોભાવી નથી શકતો…

તમે કાલે હતાં કેવાં અને આજે થયા કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો…

બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો…

– મરીઝ

Categories: ગઝલ, મરીઝ

એવો કોઇ દિલદાર – ‘મરીઝ’

December 25, 2011 Leave a comment

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિતું, ન લાચાર બનાવે…

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે…

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ?
જે ભેજમાં ચાલે, અને પાલવ ન ઉઠાવે…

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે…

વાતોની કલા લૈ કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે…

રડવાની જરુરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે…

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રુઠેલો છું, મને કોણ મનાવે?

– મરીઝ

Categories: ગઝલ, મરીઝ