Archive

Archive for the ‘માધવ રામાનુજ’ Category

અમે કોમળ કોમળ – માધવ રામાનુજ

February 19, 2013 Leave a comment

હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો,
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ…

ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ…

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી…

કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગેકાવજો એ અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક રડજો,
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો,
ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન ફળજો…

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ…

– માધવ રામાનુજ

એક એવું ઘર મળે આ વિશ્વમાં – માધવ રામાનુજ

September 6, 2012 Leave a comment

એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું,
એક એવું આંગણું કે જ્યાં મને,
કોઈપણ કારણ વગર શૈશવ મળે…

એક બસ એક જ મળે એવું નગર,
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું,
‘કેમ છો?’ એવું ય ના કહેવું પડે,
સાથ એવો પંથમાં ભવભવ મળે…

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું,
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરનાં આગમનનો રવ મળે…

તોય તેના રંજ કૈં મનમાં રહે,
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

– માધવ રામાનુજ

અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

August 9, 2011 Leave a comment

અંદર તો એવું અજવાળું,
ટળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ભાળું,
અંદર તો એવું અજવાળું…

ઊંડે રે ઊંડે ઊતરતાં જઈએ, ને તોયે લાગે કે સાવ અમે તરીયે,
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે, ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીયે,
પછી આરપાર ઊઘડતાં જાય બધા દ્વાર, નહિ સાંકળ કે ક્યાંય નહિ તાળું,
અંદર તો એવું અજવાળું…

સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ, ઓતપ્રોત એવા તો લાગીએ,
ફૂલની સુવાસ સહેજ વાગતી હશે ને એમ, આપણને આપણે જ વાગીએ,
આવું જીવવાની એકાદ પળ જો મળે તો, એને જીવનભર પાછી ના વાળું,
અંદર તો એવું અજવાળું…

– માધવ રામાનુજ

એક એવું ઘર મળે – માધવ રામાનુજ

July 16, 2011 Leave a comment

એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશાય કારણ વિના પણ જઈ શકું…

એક એવું આંગણું કે જયાં મને,
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!

એક બસ એક જ મળે એવું નગર,
ગમે ત્યારે અજાણ્યો થઈ શકું…

‘કેમ છો?’ એવું ય ના કહેવું પડે,
સાથ એવો પંથમાં ભવભવ મળે…

એ એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું…

એક ટહુકામાં જ આ રુંવે રુંવે,
પાનખરનાં આગમનનો રવ મળે…

તો ય તે ના રંજ કંઈ મનમાં રહે,
અહીંથી ઊભો થાઉં ને મ્રુત્યું મળે…

– માધવ રામાનુજ