Archive

Archive for July, 2013

ખબર છે તને? – મુકુલ ચોકસી

July 31, 2013 Leave a comment

હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને?

હું તારી લટને કિનારે જ આવીને અટક્યો,
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને?

બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી,
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને?

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને?

સમયની શોધ થઈ તેની આગલી સાંજે,
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?

– મુકુલ ચોકસી

Advertisements

છે એમાં અભાવ દોસ્ત – મુકુલ ચોકસી

July 30, 2013 Leave a comment

એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત,
આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત…

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત…

દરિયામાં મોજાં આવે, બધે આવતા નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત…

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો,
નાની ચબરખીમાં પ્રણયને સમાવ દોસ્ત…

તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત…

– મુકુલ ચોકસી

ગઝલ લખાતી નથી – મુકુલ ચોકસી

July 29, 2013 Leave a comment

પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી,
ને મોત વહેલું થવાથી ગઝલ લખાતી નથી…

નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે,
ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી…

મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે,
ફકત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી…

ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી…

– મુકુલ ચોકસી

હઠ લઈ બેઠા – મુકુલ ચોકસી

July 28, 2013 Leave a comment

અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા,
તમે પણ કેટલો લોહીલુહાણ આધાર દઈ બેઠા…

તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઈ બેઠા,
જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દૂર જઈ બેઠા…

નિચોવાઈ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું,
ફરી ક્યાં કોઈનું ગમતું પલળતું નામ લઈ બેઠા…

અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં ને,
અમે કાંઠા કદી નહી છોડવાની હઠ લઈ બેઠા…

– મુકુલ ચોકસી

ફરી રચી આમ્રમંજરીઓમાં – મુકુલ ચોકસી

July 27, 2013 Leave a comment

એ વર્ષોમાં જો હું ટાંકું ઉદાહરણ તારાં, ચહલપહલ શી મચી ઊઠતી’તી પરીઓમાં,
એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને, તને ફરી રચી આમ્રમંજરીઓમાં…

એ વર્ષો જેમાં હતાં ટોળાબંધ સપનાંઓ, ને મોડી રાત સુધી જાગતો એક ડેલો હતો,
ને થોકબંધ સમસ્યાની આવજા વચ્ચે, સમયનો ઝાંપો ઉઘાડો રહી ગયેલો હતો…

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં, હું બૂમ પાડી બધું બોલતો, ખબર છે તને,
સમયની શોધ થઈ તેની આગલી સાંજે, મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને…

પછી પુરાણી હવેલીના એક પગથિયા ઉપર, તમારી પગલી પડી ને સમયને ગર્ભ રહ્યો,
હજારો વર્ષ સુઘી એનો મેં ઉછેર કર્યો, છતાં પ્રસવની પળે સૌ રહ્યા ને હું ન રહ્યો…

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને, તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને,
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર, ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને…

ને અંતે બાકી રહેલી બે’ક વાત કરીશ, કે હું મહાન રીતોથી જ મુજને મ્હાત કરીશ,
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા, ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ…

– મુકુલ ચોકસી

તિલક તમસનું – મુકુલ ચોકસી

July 26, 2013 Leave a comment

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું,
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું…

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું,
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું…

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ,
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું…

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું…

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ,
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું…

કેવા અસૂર્ય દિવસો, કેવી અશ્યામ રાતો,
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું …

– મુકુલ ચોકસી

ચૂમી છે તને – મુકુલ ચોકસી

July 25, 2013 Leave a comment

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને…

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને…

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને…

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને…

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને….

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને…

– મુકુલ ચોકસી