Archive

Archive for the ‘જમિયત પંડ્યા જીગર’ Category

જીત પર હસતો રહ્યો – જમિયત પંડ્યા ‘જીગર’

June 8, 2011 Leave a comment

જીત પર હસતો રહ્યો, ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી, અંગાર પર હસતો રહ્યો…

ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો…

કોઈના ઈકરાર ને ઈનકાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર, એ આધાર પર હસતો રહ્યો…

કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં,
ના સ્વીકાર્યું સ્થાન ને, પગથાર પર હસતો રહ્યો…

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર, કદી તેને ય પણ,
પ્રેમથી પારસ ગણી, દાતાર પર હસતો રહ્યો…

જીવતો દાટી કબરમાં, એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ કરેલા, પ્યાર પર હસતો રહ્યો…

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ,
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો…

ભોમિયાને અન્યની સલાહ લેતો જોઈ,
દૂર જઈ, એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો…

– જમિયત પંડ્યા ‘જીગર’