Archive

Archive for June, 2011

જય મારો હવે – અમૃત ‘ઘાયલ’

June 30, 2011 Leave a comment

ઉત્પતિ, સ્થિતિ, ન લય મારો હવે,
કોઈ કક્ષા હો ન ક્ષય મારો હવે…

અસ્તોદય શું? અંત શું? આરંભ શું?
હર સમયથી પર સમય મારો હવે…

માન શું? અપમાન, લાભાલાભ શું?
ક્યાં રહ્યો છે એ વિષય મારો હવે…

મેં કરી નાંખ્યો છે એને નામશેષ,
મારી મુઠ્ઠીમાં પ્રલય મારો હવે…

કાળથી પણ કાંકરી ખરશે નહીં,
થઈ ગયો છે ગઢ અજય મારો હવે…

આત્મવત્ ઉર્ફે અજન્મા થઈ ગયો,
ના પ્રભવે અથવા વિલય મારો હવે…

શબ્દ મતલબ બ્રહ્મ, મતલબ સત્ય પણ,
શબ્દનો જયઘોષ, જય મારો હવે…

– અમૃત ‘ઘાયલ’

મળી પણ શકે છે – કિરણસિંહ ચૌહાણ

June 29, 2011 Leave a comment

ન મળવાની ચીજો મળી પણ શકે છે,
ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે…

ગમે ઊર્ધ્વતા આ તમારા હ્રદયની,
અમારું હ્રદય તો ઢળી પણ શકે છે…

અહીં ઠેકઠેકાણે આવે વળાંકો,
તુ મરજી પ્રમાણે વળી પણ શકે છે…

આ માણસનાં હૈયા લડે પણ, છળે પણ,
મુસીબત પડે તો મળી પણ શકે છે…

અહીં એક તરસ્યા ઇસમની કબર છે,
અહીંથી નદી નીકળી પણ શકે છે…

– કિરણસિંહ ચૌહાણ

તમે અહીંયા રહો તો મને સારું રહે – ભાગ્યેશ જ્હા

June 28, 2011 Leave a comment

તમે અહીંયા રહો તો મને સારું રહે,
આ જળને વહેવાનું કંઇ કારણ રહે…

તમે આંખોથી આંસુ નીચોવી લીધું,
આ વાદળને રડવાનું કાનમાં કીધું…

તમે આવજો કહીને પછી આવશો નહીં,
તમે ભુલવાની ભ્રમણામાં ફાવશો નહીં…

આ શબ્દોને ઉંડું એક વળગણ રહે,
આ જળને વહેવાનું કંઇ કારણ રહે…

હવે સૂરજ આથમશે તો ગમશે નહીં,
આ સપનાનો પગરવ વર્તાશે નહીં…

રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં,
અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં…

મારા દર્દોનું એક મને મારણ રહે,
આ જળને વહેવાનું કંઇ કારણ રહે…

એક પંખી સૂરજ સામે સળગી જશે,
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે…

તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં,
આ ખારા સાગરને ખૂંદતા નહીં…

અહીં વરસાદે વરસાદે ભીનું રહે,
આ જળને વહેવાનું કંઇ કારણ રહે…

અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ,
આંખ રડશે કે તડકામાં સળગી‘તી ભૂલ…

તમે આશાની આશામાં રડશો નહીં,
તમે હસવામાં હસવાનું ભરશો નહીં…

અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે,
આ જળને વહેવાનું કંઇ કારણ રહે…

– ભાગ્યેશ જ્હા

કહું છું જવાનીને – અવિનાશ વ્યાસ

June 27, 2011 Leave a comment

કહું છું જવાનીને, પાછી વળી જા,
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે…
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ પણ,
તન તારું સગપણ ભુલાવી રહ્યું છે…

મનની સ્થિતિ હંમેશા આશક રહી છે,
કાલે જ મેં કોઇને માશુક કહી છે…
ફરી પાછા મળશું પાગલ થવાને,
હમણા તો ડહાપણ ભઈ સતાવી રહ્યું છે…

મુહોબ્બત તો મારો હક છે જનમનો,
સાકી હતો ને રહ્યો છું સનમનો…
ઘડપણને કહું છું કે માફી દઇ દે,
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

– અવિનાશ વ્યાસ

દિલમાં કોઈની યાદનાં પગલાં – ‘આદિલ’ મન્સૂરી

June 26, 2011 Leave a comment

દિલમાં કોઇની યાદ નાં પગલાં રહી ગયા,
ઝાકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા…

એને મળ્યા છતાંયે કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા…

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા…

વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા…

– ‘આદિલ’ મન્સૂરી

મારી કોઈ ડાળખીમાં – અનિલ જોષી

June 25, 2011 Leave a comment

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો!

પંખી સહિત હવા ચાતરીને જાય, એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં, પણ મારામાં ઝાડ હજી જાગે…

માળામાં ગોઠવેલી સળી હું નથી, મને વીજળીની બીક ના બતાવો!
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય, કોઈ રાતી કીડીનોય ભાર!

એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય, પડવાને છે કેટલી વાર?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવો!

– અનિલ જોષી

વાંસલડી ડોટ કોમ – કૃષ્ણ દવે

June 24, 2011 Leave a comment

વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

ધારો કે મીરાંબાઈ ડોટ કોમ રાખીએ, તો રાધા રિસાય એનું શું?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક, ફ્લોપી ભિંજાય એનું શું?

પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું?
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત,
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત…

તુલસી, કબીર, સુર, નરસૈયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ,
એને શું વાયરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ?

ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

– કૃષ્ણ દવે

સૂરજમુખી – મનોજ ખંડેરીયા

June 23, 2011 Leave a comment

સૂર્યને પીધા કરે સૂરજમુખી, ઘૂંટ કિરણોના ભરે સૂરજમુખી,
પાથરીને પાંખડીઓ મખમલી, તેજનું સ્વાગત કરે સૂરજમુખી…

ઝંખના તારા તરફ ફરતી રહે, આંસુઓમાં તરવરે સૂરજમુખી,
‘ઓ તિમિરના પર્વતો, થોડા ખસો,’ રાત આખી કરગરે સૂરજમુખી…

પાંખડીનો ધોધ સોનેરી વહે, કાળને ભીંજ્યા કરે સૂરજમુખી,
આ ઉદાસી મારી જૂઈ ફૂલ શી, આ વ્યથા જાણે અરે, સૂરજમુખી…

– મનોજ ખંડેરીયા

આંખોથી લઈશું કામ હવે – સૈફ પાલનપુરી

June 22, 2011 Leave a comment

આંખોથી લઇશું કામ હવે બોલવું નથી,
રૂપાળું એ એક નામ હવે બોલવું નથી…

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
એવું મળ્યું ઇનામ હવે બોલવું નથી…

પૂછો ના પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધા છે દામ હવે બોલવું નથી…

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઇ ગઇ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી…

– સૈફ પાલનપુરી

કંઈ ક્યારનો આમ જ – અમૃત ‘ઘાયલ’

June 21, 2011 Leave a comment

કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છું,
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઉભો છું…

આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કિલ કિંન્તુ,
તું સાંભળશે તો શું કહેશે, બસ એ જ વિચારે ઉભો છું…

સમજાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલું,
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઉભો છું…

જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતા,
એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું…

– અમૃત ‘ઘાયલ’