Archive

Archive for May, 2013

કરે પેરવી ગઝલ

May 31, 2013 Leave a comment

જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ…

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ…

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ…

દિવાલ સાવ કોરી તો ચાલે ના એટલે,
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ…

ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ…

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ…

Advertisements

દીવો બુઝાઈ ગયો અંધકાર કરવામાં

May 30, 2013 Leave a comment

હતું જે એય ગયું ફેરફાર કરવામાં,
દીવો બુઝાઈ ગયો અંધકાર કરવામાં…

હવે જગાડ ન સૂતો છું હું હકીકતમાં,
જરાક વાર કરી તેં સવાર કરવામાં…

નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા,
ખડક ઊભા જ રહ્યા છે વિચાર કરવામાં…

અરે ઓ પારધી ટહુકા ન ધ્યાનથી સાંભળ,
ધ્રૂજે છે હાથ હજી જો શિકાર કરવામાં…

ફરક પડે ન અરીસાને શી રીતે ‘બેદિલ’,
તૂટી ગયો છું હું ટુકડા હજાર કરવામાં…

કેટલી સરસ મુલાકાત હતી

May 29, 2013 Leave a comment

કેટલી સરસ મુલાકાત હતી,
જાણે કયામત ની રાત હતી…

અમારી આંખો ને એમનો ઇંતજાર,
ને એમનો પાછળથી કરેલો સાદ,
આટલી તો સરસ શરુઆત હતી…

ચાંદ, તારા અને પ્રાર્થનાનો સૂર,
એમનો સંગાથ, ને ઝાંઝરનો ઝંકાર,
જાણે આખી કાયનાત સાથ હતી…

અમે તો બસ કહ્યાજ કર્યુ,
એમણે તો બસ સાંભળ્યા જ,
જાણે વર્ષોની કોઇ વાત હતી…

ના કોઇ કોલ, ના કોઇ વાયદા,
ના એમણે પુછયુ, ના અમે,
આટલી તો સરસ રજુઆત હતી…

નામ વગર નો રીશ્તો બાંધ્યો,
અને એને પુરી કરવાની પ્રતિજ્ઞા,
આતો કેવી અમારી શાલીનતા હતી?

કોને જોઇએ છે જીદંગી ભરનો સાથ,
તો જીવી ગયો એક પળમા,
એમના સ્પર્શની તો કરામત હતી…

‘હા’ કે ‘ના’ નો સવાલ જ કયા છે,
જવાબ તો અમે જાણતાજ હતા,
બસ,આ મારી છેલ્લી મુલાકાત હતી…

સાદ આજે ઉધાર લઈ આવો

May 28, 2013 Leave a comment

સાદ આજે ઉધાર લઈ આવો,
આમ ડૂમાને બ્હાર લઈ આવો…

આ વિકસતા અગાધ રણ વચ્ચે,
ચોતરફ જળની ધાર લઈ આવો…

જ્યાં તમસનો મુશાયરો જામ્યો,
ત્યાં જ ચાલો, સવાર લઈ આવો…

લ્યો, ફરી વેદનાની ક્ષણ આવી,
સ્નેહભીનો વિચાર લઈ આવો…

આજ, સંવેદના ચકાસી લઉં,
લાગણી પર પ્રહાર લઈ આવો…

કેટલાં જન્મની તરસ છે, આ?
એક ઝરણું ધરાર લઈ આવો…

ચકચૂર થૈ ચાલ્યા કરીએ,

May 27, 2013 Leave a comment

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ…

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ…

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ…

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ…

મારી પડી લાશ હોય તો

May 26, 2013 Leave a comment

રસ્તામાં ક્યાંક મારી પડી લાશ હોય તો,
આપો ઉછીના ચંદ અગર શ્વાસ હોય તો…

ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો,
સુણવાની મૌન ટેવ સૌને, કાશ હોય તો…

મારા ગુના અતૂટ અફર કેદ થઈ ગયાં,
છટકી શકું દિલે જો બચી પ્યાસ હોય તો…

અંતર બે દિલની વચ્ચેનું વધશે નહીં જરી,
વચ્ચે જો મોકળાશનો અવકાશ હોય તો…

સીમા ઉવેખી બેઠા શું સૌ એ જ કારણે?
ફળ અંતે જો મર્યાદાનું વનવાસ હોય તો…

ફરિયાદ બંધનોની નથી, જોર કર હજી,
ઈચ્છા ડગી જશે યદિ ઢીલાશ હોય તો…

મીઠાશ ક્યાંથી શબ્દમાં આવે પછી, કહો,
દુનિયાએ ઠાંસી દિલમાં જો કડવાશ હોય તો…

હરિ તારાં નામ છે હજાર

May 25, 2013 Leave a comment

હરિ તારાં નામ છે હજાર, કયે નામે લખવી કંકોતરી,
રોજ રોજ બદલે મુકામ, કયે ગામે લખવી કંકોતરી…

મથુરામાં મોહન તું, ગોકુળ ગોવાળિયો,
દ્વારિકાનો રાય રણછોડ, કયે નામે લખવી કંકોતરી…

કોઈ સીતારામ કહે, કહે રાધેશ્યામ કહે,
કોઈ કહે નંદનો કિશોર, કયે નામે લખવી કંકોતરી…

ભક્તોની રાખી ટેક, રૂપ ધર્યાં તે અનેક,
અંતે તો એકનો એક, કયે નામે લખવી કંકોતરી…

ભક્તો તારા અપાર ગણતાં ન આવે પાર,
પહોંચે ન પૂરો વિચાર, કયે નામે લખવી કંકોતરી…

નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો,
મીંરાનો ગિરિધર ગોપાળ, કયે નામે લખવી કંકોતરી…