દૃશ્યો ન મોકલાવ – રમેશ પારેખ

October 26, 2014 Leave a comment

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ…

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ…

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ…

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ…

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ…

Advertisements

આટલું તે વ્હાલ નહીં – સુરેશ દલાલ

October 22, 2014 Leave a comment

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ…

બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ,
આઘે રહીને એને હેરીએ…

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે,
મોરલીના સૂર મૂંગા થાય…

એને પણ સાન જરી આવે કે રાધાથી,
અળગા તે કેમ રહેવાય?

પાસે આવે તો જરા નાચાકોડી મુખ ક્યાંક,
સરી જવું સપનાની શેરીએ…

બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ,
આઘે રહીને એને હેરીએ…

ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે,
કહેવું કે પીડ નથી કાંઈ…

વિરહની વેદના તે કહેવાની હોય? ભલે,
કાળજું આ જાય કંતાઈ…

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે,
વ્હેતી હવાની સૂની લ્હેરીએ…

બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ,
આઘે રહીને એને હેરીએ…

તું ગઝલ તારી રીતે લખ – મનોજ ખંડેરિયા

October 20, 2014 Leave a comment

એ વિરહને ખણે તો ખણવા દે,
રાતે તારા ગણે તો ગણવા દે…

પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે…

તારી ‘ના’ છો દબાઈ જાતી, એ,
હા મહીં હા, ભણે તો ભણવા દે…

ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણ તો લણવા દે…

એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે…

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે…

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે…

દર્દને ગાયા વિના રોયા કરો – કૈલાસ પંડિત

October 18, 2014 Leave a comment

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો…

બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો…

કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો…

લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

રાત દિવસનો રસ્તો – સુરેશ દલાલ

October 16, 2014 Leave a comment

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ…

તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ…

તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,
અમે કરીશું પ્રેમ…

તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત,
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત..

કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ…

સાંજ પડે દિલ ઉદાસ છે – મનોજ મુની

October 12, 2014 Leave a comment

આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે,
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે…

ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે…

હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે…

આ શું જુદા પડી અને મળશું ફરી કદી?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે…

પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે…

હવે પાંપણોમાં અદાલત ભરાશે – રમેશ પારેખ

October 10, 2014 Leave a comment

આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે…

હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે…

મને આ નગરમાં નિરાધાર છોડી,
રસ્તા બધા કોની પાછળ ગયા છે…

છે આકાશમાં છે, અને આંખોમાં પણ છે,
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણા છે…

પહાડો ઉભા રહીને થાક્યા છે એવા,
કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે…

મને ખીણ જેવી પ્રતિતિ થઇ છે,
હું છું ને ચારે તરફ ડુંગરા છે…

ગઝલ હું લખું છું અને આજુ-બાજુ,
બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે…