Archive

Archive for February, 2012

ભુલી જવાનો હું જ – કૈલાસ પંડિત

February 29, 2012 Leave a comment

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભુલી ગયા મને…

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને…

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને…

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને…

– કૈલાસ પંડિત

Advertisements

તો શું થયું? – ગુંજન ગાંધી

February 28, 2012 Leave a comment

એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?

જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘયાનો કર્યો,
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?

લાગણી મારી ટકોરા બારણે પાછી વળી,
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?

જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી,
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?

– ગુંજન ગાંધી

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો – ‘આદિલ’ મન્સૂરી

February 27, 2012 Leave a comment

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો,
જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો…

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા,
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો…

વર્ષો પછી મળ્યાં તો નયન ભીના થઈ ગયા,
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો…

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો…

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું,
ગઈકાલનો આ છોકરો શાયર બની ગયો…

– ‘આદિલ’ મન્સૂરી

હાથ આવ્યું હતું હરણ છૂટ્યું – ‘શયદા’

February 26, 2012 Leave a comment

હાથ આવ્યું હતુ હરણ છૂટ્યું,
હાય! મારું એ બાળપણ થૂટ્યું…

એમનું પણ હવે શરણ છૂટ્યું,
જીંદગી છૂટી કે મરણ છૂટ્યું…

પગથી છૂટી જવાની પગદંડી,
એમનું જો કદી રટણ છૂટ્યું…

મદભરી આંખ એમની જોતાં,
છૂટી ન વાણી ન વ્યાકરણ છૂટ્યું…

કોઈની આશને ઘરણ લાગ્યું,
કોઈની આશનું ઘરણ છુટ્યું…

પણ હતું એમનાથી નહીં બોલું,
મોતની બાદ પણ ન પણ છૂટ્યું…

સ્વપ્નમાં એમનાથી રસમસ્તી,
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું…

એમનાં પગ પખાળવા કાજે,
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું…

તું અને પાર પામશે એનો?
બુધ્ધિ, તારું ન ગાંડપણ ન છૂટ્યું…

કોણ મને દિલાસો દે ‘શયદા’,
ચાલ, તારું જીવન-મારણ છૂટ્યું…

– ‘શયદા’

Categories: ગઝલ, શયદા

ભીનો છું નહીં સળગું – મનોજ ખંડેરીયા

February 25, 2012 Leave a comment

ખૂબ અંદર ભીનો છું, નહીં સળગું,
કાષ્ટ સૂકાં ને સૂકાં જ ગોઠવજો…

ના ગમે તો ઊઠીને ચાલ્યા જજો,
શરમે મારી ગઝલ ન સાંભળજો…

એનું માઠું મને નહીં લાગે,
મારું માઠું વરસ છે તે સમજજો…

– મનોજ ખંડેરીયા

જાગ રે માલણ જાગ – હું નથી જાણતો

February 24, 2012 Leave a comment

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ…

ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો,
ચાર જુગોનાં જેવડો થાશે, એક રે દિવસ મારો…

છોડ રે માલણ છોડ, સેજ સુંવાળી છોડ,
દલને તારી યાદ સતાવે, સેજ સુંવાળી છોડ…

જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું,
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ…

આવ રે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ,
આંખ્યું મારી નીર વહાવે, આવ રે માલણ આવ…

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ…

– હું નથી જાણતો

વિશ્વંભરી સ્તુતિ

February 23, 2012 Leave a comment

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમા વસજો વિધાતા,
દુર્બૃધ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

મા! કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જીંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર દૂર કરી સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

તારા સિવાય જગમાં નથી કોઈ મારું,
સાચા સખા ભગવતી તુજને સંભારું,
ભલું કદાચ ભવ પાશ તણા પ્રસંગે,
માંગુ ક્ષમા મ ત્રિપુરેશ્વરી આ પ્રસંગે…

જેની કૃપાથી ગિરિરાજ ચઢે અપંગો,
જેની કૃપાથી ભવસિંધુ તરે સુસંગે,
જેની કૃપાથી વિષ થાય સુધા સમાન,
એવા દયાળુ ભગવતી તુજને પ્રણામ…

અંબા ભવાની જગંદબા કરો સહાય,
આરાસુરી ભજે સદા તવ ભક્તિ પાય,
હસ્તે ત્રિશૂળ ધરીને અસુરો સંહાર્યા,
સંકટમાંથી નિજ સેવકને ઉગાર્યા…

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમા વસજો વિધાતા,
દુર્બૃધ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

Categories: સ્તુતિ