Archive

Archive for March, 2014

મુખ પર મલકાયું – ભાસ્કર વોરા

March 29, 2014 Leave a comment

મુખ પર મલકાયું ગોકુળિયું ગામ ને મનમાં મથુરાના મ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પ્રીત નાં જગાડીએ…

જમુનાનાં જળ હવે મૃગજળ-શાં લાગે ને નંદનવન રેતીનું રણ,
પૂનમને ઘેરી અમાસ હવે ડંખતી આ એક એક જીવનના કણ…

આ બાજુ કણકણમાં લીલા દેખાડો ને એ બાજુ મથુરાની સ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પંડ ના પુગાડીએ…

મુરલીના સૂર હવે કાંટા-શા વાગે ને કુંજગલી કાંટાળી વાડ,
લીલુડા લ્હેરિયાના લીરા જો ઊડતા ને ઊડતા લાખેણા લાડ…

લાડ કરી આ બાજુ અમને ડોલાવો ને એ બાજુ મથુરાની ઢેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે ઢોલ ના વગાડીએ…

Advertisements

લાલાશ આખા ઘરની – મનોજ ખંડેરીયા

March 26, 2014 Leave a comment

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ,
ગુલમ્હોર મારી લાગણીનો પથારી જઈશ…

ઉડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેંક પતંગિયાને હું ખરી જઈશ…

આખુયે વન મહેંકતું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ…

હું તો છું પીંછુ કાળના પંખીની પાંખનું,
સ્પર્શું છું આજ આભને કાલે ખરી જઈશ…

મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ…

– મનોજ ખંડેરીયા

વાંસના વનમાં થઇ વાતો પવન – ભગવતીકુમાર શર્મા

March 24, 2014 Leave a comment

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન…

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે! આ તો પવન…

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન…

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન…

ડૂબ્યાં – ભગવતીકુમાર શર્મા

March 21, 2014 Leave a comment

પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક ડૂબ્યાં,
પંક્તિ ફકરા અક્ષર શબ્દો શીર્ષક ડૂબ્યાં…

હસ્વ ઈ-દીર્ઘ ઇ અનુસ્વાર ને કાનો માતર,
વમળ-વહેણમાં તણાઇને સૌ ભરચક ડૂબ્યાં…

પંડિતના ચશ્માં, કલમો સર્જકની ડૂબી,
ધરી તર્જની લમણે શાણા ચિંતક ડૂબ્યાં…

સાંકળિયાં એ, પાદટીપ ને લાલ લિસોટા,
ભીંત ઉપરની ઘડિયાળોનાં લોલક ડૂબ્યાં…

જળજળ બંબાકાર કબૂતર અને છાજલી,
તૈલીચિત્ર પાછળનાં ચીંચીં-ચકચક ડૂબ્યાં…

આંગળીઓની છાપ અને દ્રષ્ટિના સ્પર્શો,
પુસ્તક સાથે ઘણા સંભવિત વાચક ડૂબ્યાં…

કાકમંજરી કુમુદસુન્દરી – સાર્ત્ર ગયા ક્યાં?
મન્દાક્રાન્તા, વસંતતિલકા, તોટક ડૂબ્યાં…

કાળમુખા જળદાનવ, તારું ગજું કેટલું?
કાલ જન્મશે જ્ઞાન આજ જે અઢળક ડૂબ્યાં…

મને મારો ખુદા યાદ – સૈફ પાલનપુરી

March 17, 2014 Leave a comment

ના મારા ગુના યાદ, કે ના એની સજા યાદ,
રહી ગ્યો છે અમસ્તો જ મને, મારો ખુદા યાદ…

બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું,
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ…

ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે,
આવે છે હવે ‘સૈફ’ મને મારે કઝા યાદ…

– સૈફ પાલનપુરી

તમે આકૃતિ હું પડછાયો

March 16, 2014 Leave a comment

તમે આકૃતિ હું પડછાયો,
તેજ મહીંથી છું સર્જાયો…

તમે વિહરનારા અજવાળે,
હું એથી બડભાગી,
ભમું ભલે આગળ પાછળ,
પણ રહું ચરણને રે લાગી…

શિતળ જળ કે તપ્ત રણે જઈ,
તમે ઉભા ત્યાં હું પથરાયો,
તમે આકૃતિ હું પડછાયો…

આંખ સગી ના જોઈ શકે જે,
એવી અકળિત કાયા,
આ ધરતી પર સર્જન રૂપે,
હું જ તમારી છાયા…

પ્રશ્ન મૂંજવતો આદિથી જે,
આજ મુને સાચે સમજાયો,
તમે આકૃતિ હું પડછાયો…

Categories: કવિતા, ગઝલ

તમારા વિના સાંજ – ભગવતીકુમાર શર્મા

March 15, 2014 Leave a comment

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે…

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે…

અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે…

લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે…

ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે…

ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે…

જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે…