Archive

Archive for August, 2013

ખબર પડશે તને – ખલીલ ધનતેજવી

August 31, 2013 Leave a comment

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને…

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને…

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને…

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને…

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને…

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને…

– ખલીલ ધનતેજવી

Advertisements

મારા વિના ક્યારે હતી – ખલીલ ધનતેજવી

August 30, 2013 Leave a comment

મોજ મસ્તી તાજગી મારા વિના ક્યારે હતી,
આવી ઝાકમઝોળ આ તારી સભા ક્યારે હતી…

પોત પોતાના જ માટે સૌ કરે છે પ્રાર્થના,
કોઈના માટે કદી કોઈ દુવા ક્યારે હતી…

હું ય ક્યાં ફૂલોની માફક કોઈ દિ’ ખીલી શક્યો,
તું ય જો ખૂશબૂની માફક બેવફા ક્યારે હતી…

એણે શ્વાસમાં જ વાવાઝોડું સંતાડ્યું હશે,
હા, નહિતર આવી ભારેખમ હવા ક્યારે હતી…

સંત અથવા માફિયા માટેના છે જલસા બધા,
આપણા માટે તો આવી સરભરા ક્યારે હતી…

આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું,
કોઈ પણ કાનૂનમાં આવી સજા ક્યારે હતી…

રમતાં રમતાં મેં ગુજારી છે ખલીલ આ જીન્દગી,
મારી કોરી આંખમાં ભીની વ્યથા કયારે હતી..

– ખલીલ ધનતેજવી

તો ફલક ઊઘડે – ખલીલ ધનતેજવી

August 29, 2013 Leave a comment

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે…

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે…

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે…

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે…

છો ખલીલ, આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે…

– ખલીલ ધનતેજવી

હવા પાછી પડી – ખલીલ ધનતેજવી

August 28, 2013 Leave a comment

ઝાડ સામે દોટ મેલીને હવા પાછી પડી,
એને ઝંઝાવાત બનવાની ઉમર કાચી પડી…

ઝાંઝવા ધારીને તરવૈયા ઘણા ડૂબી ગયા,
રણ વિષેની ધારણા હમેશ ક્યાં સાચી પડી…

જીન્દગી, સીધા ચઢાણ તારી સાથે હું રહ્યો,
મારે સાથે તું ઊતરતા ઢાળમાં થાકી પડી…

સાવ ઓચિંતુ સભા છોડી કોઈ ચાલ્યું ગયું,
કોઈ ના પૂરી શકે, એવી જગા ખાલી પડી…

છેવટે એક ચપટી અજવાળુંય ના પામી શક્યો,
ક્યાંકથી આવીને દીવાને હવા બાઝી પડી…

– ખલીલ ધનતેજવી

અહીં હોવા ના હોવાથી – ખલીલ ધનતેજવી

August 27, 2013 Leave a comment

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી…

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી…

રદીફને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી…

કદી તેં હાંક મારી’તી ઘણા વર્ષો થયા તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી…

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી…

– ખલીલ ધનતેજવી

ઊંટ કહે – દલપતરામ

August 26, 2013 Leave a comment

ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળાં ભુંડાં,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે…

બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,
કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે…

વારણની સુંઢ વાંકી વાધના છે નખ વાકાં,
ભેંશને તો શીર વાંકાં શીંગડાંનો ભાર છે…

સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામઃ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે…

– દલપતરામ

ઢળી જાય છે સમય – કુતુબ આઝાદ

August 25, 2013 Leave a comment

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો’કને જ ફળી જાય છે સમય…

રહેશો ના કોઇ પણ આ, સમયના ગુમાનમા,
સરતો હવાની જેમ સરી જાય છે સમય…

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો’કને જ ફળી જાય છે સમય…

ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી,
રાજા અને નવાબનો બદલાય છે સમય…

‘આઝાદ’ વણઉકેલ સમસ્યા છે આ સમય,
સમજી શકે છે એમને સમજાય છે સમય…

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો’કને જ ફળી જાય છે સમય…

– કુતુબ આઝાદ