Archive

Archive for September, 2014

હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ

September 29, 2014 Leave a comment

પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે,
મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?

નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું,
કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે,
અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે,
ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષા વળી શું? ટકોરા વળી શું?

Advertisements

લખી બેઠો – જવાહર બક્ષી

September 25, 2014 Leave a comment

આખરે હું ગઝલ લખી બેઠો,
રાહ જોઈને ક્યાં સુધી બેઠો…

દૂરતા ઓગળી રહી જ હતી,
સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો…

ઓ વિરહ! થોડું થોભવું તો હતું,
એમનું નામ ક્યાં લઈ બેઠો…

કેટલાં કારણો હતાં નહિ તો,
કોઈ કારણ વિના ફરી બેઠો…

ફક્ત તારા સુધી જ જાવું’તું,
પૂછ નહિ ક્યાંનો ક્યાં જઈ બેઠો…

આજ પણ એ મને નહીં જ મળે,
આજ પાછું સ્મરણ કરી બેઠો…

શંકર નહીં આવે – જલન માતરી

September 24, 2014 Leave a comment

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે…

છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે…

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે…

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે…

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે…

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે…

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે…

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે…

મારી ગઝલમાં – મકરંદ દવે

September 20, 2014 Leave a comment

અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં…

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં…

ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં…

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં…

તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં…

ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં…

શબ્દો જન્મ્યા પરવાળામાં – મનોજ ખંડેરિયા

September 16, 2014 Leave a comment

કોઈ સમયના વચગાળામાં,
શબ્દો જન્મ્યા પરવાળામાં…

બરફ ક્ષણોનો પીગળ્યો ક્યારે,
પાણી છલક્યાં ગરનાળામાં…

ઉત્તર રૂપે આવ્યો છું હું,
તેજ-તિમિરના સરવાળામાં…

ક્ષિતિજ વિશે હું ઘરમાં શું કહું?
આવો બા’રા અજવાળામાં…

અંતે સોનલ સપનાં ટહુક્યાં,
ફૂલો બેઠાં ગરમાળામાં…

પોત અલગ છે – રાજેન્દ્ર શુક્લ

September 12, 2014 Leave a comment

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે,
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે…

નખશિખ કવચ ધરી શું કરિયેં, આડી ઢાલ ધરી શું કરિયેં,
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે…

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે…

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે…

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ?
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે…

લાગશે કેવું તને? – ચિનુ મોદી ‘ઇર્શાદ’

September 9, 2014 Leave a comment

પાંદડાં ખરશે, ખખડશે, લાગશે કેવું તને?
શ્વાસના રસ્તા અટકશે, લાગશે કેવું તને?

આવશે, મોજાં ઉછળતા આવશે, ભીંજાવશે,
ચામડી બળશે, ચચરશે, લાગશે કેવું તને?

પોપડાં બાઝી જશે, ને રંગ પણ ઉપટી જશે,
લોહીનો ઉન્માદ ઘટશે, લાગશે કેવું તને?

આવશે પાછોતરા વરસાદની મૌસમ હવે,
બુંદ તું એક એક ગણશે, લાગશે કેવું તને?

નિત્યના અંધારનો ઇર્શાદ તું હિસ્સો થશે,
દ્રશ્યથી બાકાત બનશે, લાગશે કેવું તને?