Archive

Archive for January, 2012

જુઓ જાહેરમાં તો – બરકત વિરાણી ‘બેફામ’

January 31, 2012 Leave a comment

જુઓ જાહેરમાં તો ખાય છે, એ સૌ દયા મારી,
કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી…

વહાવે છે ગગન બસ ત્યારથી વરસાદનાં આંસુ,
યુગો પહેલા મેં સંભળાવી હતી, એને વ્યથા મારી…

ગમે તેવા પ્રસંગો દઈ બગાડી નાખી દુનિયાએ,
હતી નહીંતો બહુ સારી જીવનની વાર્તા મારી…

ભલેને આજ મારી હાજરી માં ચુપ છે લોકો,
નહીં હું હોઉ એ વખતે બધા કહેશે કથા મારી…

હસીને જો જરા મારી કબર પર વ્યંગમાં ‘બેફામ’,
જગત છોડી ગયો એ પછી થઇ છે જગા મારી…

– બરકત વિરાણી ‘બેફામ’

Advertisements

માણસ છે – જયંત પાઠક

January 30, 2012 Leave a comment

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે,
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે…

પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે,
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે…

ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે,
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે…

સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે,
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે…

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે,
ટાણે ખોટ્યું પડે, પડે ભૈ, માણસ છે…

– જયંત પાઠક

હજી પણ એમને ખાના ખરાબીની ખબર ક્યાં છે – બરકત વિરાણી ‘બેફામ’

January 29, 2012 Leave a comment

હજી પણ એમને ખાના ખરાબીની ખબર ક્યાં છે,
હજી પણ એ મને પુછી રહ્યાં છે કે તારું ઘર ક્યાં છે…

મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યાં છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે…

મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફતનો,
તને મારી ફીકર ક્યાં છે, મને તારી ફીકર ક્યાં છે…

બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઈએ ‘બેફામ’,
મરણ પહેલાં જરા હું જોઇ લઉં મારી કબર ક્યાં છે…

– બરકત વિરાણી ‘બેફામ’

સંબંધોના સથવારે મળતાં રહીશું – સુનીલ શાહ

January 28, 2012 Leave a comment

સંબંધોના સથવારે મળતા રહીશું,
એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું…

ને સજાવી વસંતોની એ યાદોને,
છેવટે પાનખરમાં નીખરતાં રહીશું…

આમ તો વસીએ ભુમિ પર પણ,
નભના તારા સમ ખરતા રહીશું…

નથી આમતો હું ચાંદનીનું તેજ,
પણ અમાસમાંય મળતા રહીશું…

ખેલ નીત નવા દેખી આ જગતના,
સાપસીડીમાં સદાય લપસતાં રહીશું…

ઉગે સુર્ય આથમણે કદીક જો,
તો ગગનમંડળે સદા ચમકતા રહીશું…

– સુનીલ શાહ

અહીં જે તેજ દિવામાં રહે છે – બરકત વિરાણી ‘બેફામ’

January 27, 2012 Leave a comment

અહીં જે તેજ દિવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે…

મહાલય જેના નકશામાં રહે છે,
ઘણાં એવા ય રસ્તામાં રહે છે…

છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે…

જગા મળતી નથી જેને ચમનમાં,
તો એવા ફૂલ વગડામાં રહે છે…

ગયાં સંતાઈ મોતી એ વિચારે,
કે પરપોટાય દરિયામાં રહે છે…

હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વૃક્ષ તડકામાં રહે છે…

ઉઘડતા આંખે દેખાતાં નથી એ,
હવે સપનાંય સપનામાં રહે છે…

ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે…

ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે…

મરણનું ઝંખો છો શા માટે ‘બેફામ’,
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?

– બરકત વિરાણી ‘બેફામ’

વ્યર્થ દુનિયામાં પ્રણયને – બરકત વિરાણી ‘બેફામ’

January 26, 2012 Leave a comment

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે,
તુ નયન સામે નથી તોપણ મને દેખાય છે…

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે,
કોઈને એક વાર જોયા બાદ આવું થાય છે…

એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે,
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે…

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઈને બહુ ઝાંખી રીતે મલકાય છે…

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે…

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે…

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે…

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે…

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે…

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે…

– બરકત વિરાણી ‘બેફામ’

પ્રેમમાં કોઈ ફરક નથી – બરકત વિરાણી ‘બેફામ’

January 25, 2012 Leave a comment

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી…

કેવું મુંગુ દરદ છે આ પહેલા મિલાપનું,
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી…

માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા,
તારી છબી હું ચીતરું એવું ફલક નથી…

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી…

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી…

એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર,
મારા વદનને જો કે જરાયે ચમક નથી…

આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી…

જ્યાં હું ન હોઉં એવા ઘણાંયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી…

– બરકત વિરાણી ‘બેફામ’