Archive

Archive for August, 2014

કાચમાં રહે છે પારદર્શકતા – રમેશ પારેખ

August 31, 2014 Leave a comment

કાચમાં રહે છે પારદર્શકતા,
એમ તમે મારામાં આરપાર રહેતાં…

ફૂટી ગયેલા આરપારતાને વળગીને,
તાકતી સપાટીઓ તો અંધ,
દાળમાંથી પાન જેમ ઉગી નીકળે છે,
એમ આપણને ઉગ્યો સબંધ…

પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં,
જોજનનાં પૂર હવે વેહતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

આખાયે પૂરને હું બે કાંઠે ઘુઘવતી,
ઘૂમરીની જેમ રે વલોવું,
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ,
મને લાગતું ન ક્યાંક મારું હોવું…

હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
જળનો આકાર તમે લેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

Advertisements

પતંગિયું – કૃષ્ણ દવે

August 29, 2014 Leave a comment

પતંગિયું કહે મમ્મી, મમ્મી, ઝટ પાંખો પ્હેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં…

બીજાં કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બૅંચ નથી છે ફૂલ,
લીલી છમ્મ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ – પતંગિયું…

પહેલાં પિરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે,
ઝાકળનાં ટીપાંઓ જ્યારે દડ દડ દડ દદડે છે,
કિરણો સાથે રમીએ છીએ પકડાપકડી દાવ – પતંગિયું…

લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ,
બધાં જ દફતર ખૂલે ત્યાં તો નીકળે એક ઉમંગ,
મધમાખી મૅડમ કહે ચાલો મીઠું મીઠું ગાવ – પતંગિયું…

ઢળતા સૂરજની સંધ્યા કોને ન ગમે

August 28, 2014 Leave a comment

ઢળતા સૂરજની સંધ્યા કોને ન ગમે,
રેલાતા એ રંગોની મોહકતા કોને ન ગમે…

પણ મળી જાય જો તેમાં સાનિધ્ય તારુ,
તો એ રંગોની સુંદરતા મને વધુ ગમે…

વરસાદી હવાની માદકતા કોને ન ગમે,
તેના સ્પર્શની એ નજાકતતા કોને ન ગમે…

પણ જો હોય હાથ મારો તારા હાથમાં,
તો એ ક્ષણની સ્થગિતતા મને વધુ ગમે…

તન-મનને ભીંજવતો આ વરસાદ મને ગમે,
પ્રબળતાથી આકર્ષતો દરિયો મને ગમે…

દરિયાનું વશીકરણ મૌન બનાવી દે મને,
પણ મારા એ મૌનને સાંભળનાર તું મને વધુ ગમે…

Categories: કવિતા, ગઝલ

રેતીના મિનારા નીકળ્યા – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

August 26, 2014 Leave a comment

જે પળે આયુષ્યના ખાલી પટારા નીકળ્યા,
સૌ ઉપરછલ્લા ઘડીભરના ઠઠારા નીકળ્યા…

સ્હેજ જ્યાં ભીતર ગયા સંબંધ શું છે જાણવા,
આ સગાંવ્હાલાંય ઝાકળના ઝગારા નીકળ્યા…

કોણ બીજું જાય વરસી? એ જ અંધાર્યા હતા,
ભરદુકાળે વાદળાં જેવા મૂંઝારા નીકળ્યા…

કેટલાં વરસો થયાં’તાં આમ તો એ વાતને,
કોઈ ફૂંકીને ગયું તાજા તિખારા નીકળ્યા…

કોઈની પાસે કરી બે વાત મન ખોલી અહીં,
ગઈ વગાડી બોલનારા સૌ નગારાં નીકળ્યાં…

હરવખત લાગ્યું અચાનક ધાડ પાડીને ગયા,
દોસ્ત! પોતાનાંય આ આંસુ લુંટારા નીકળ્યાં…

મ્હેલ સોનાના ગગનચુંબી જે દેખાતા હતા,
આંચકો આવ્યો તો રેતીના મિનારા નીકળ્યા…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

પક્ડીને બેઠા છો – અશરફ ડબાવાલા

August 25, 2014 Leave a comment

નથી ઝગતી કદી એવી ચલમ પક્ડીને બેઠા છો,
એને દીવાસળી આખો વખત પક્ડીને બેઠા છો…

સરસ ગીતો, અછાંદસ જેવા માણસ ઝંખે છે તમને,
તમે તમને જ ગમતી એક ગઝલ પક્ડીને બેઠા છો…

હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે,
હકીકતમાં વિવશ થઈને સ્મરણ પક્ડીને બેઠા છો…

યશસ્વી હો કે યાચક હો તમારી પીડ ઈચ્છા છે,
તમે હર રૂપમાં એક જ રટણ પક્ડીને બેઠા છો…

જનમને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને,
તમાર નામની સાથે અટક પક્ડીને બેઠા છો…

તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે પણ,
નથી એ જાણ કે ખોટી સડક પક્ડીને બેઠા છો…

ઊછળતું કૂદતું ગમતું હતું એ એટલે અશરફ,
પલાંઠી આંગણે વાળી હરણ પક્ડીને બેઠા છો…

કીડી સમી ક્ષણોની – રાજેન્દ્ર શુકલ

August 21, 2014 Leave a comment

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લાગણી, લગાવ, લહેરો, આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વત ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કરી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવું એ નથી તો જળહળ પડાવ શું છે?

આપણી જૂદાઈ – ભરત ત્રિવેદી

August 20, 2014 Leave a comment

આપણી જૂદાઈનું છે ક્યાં કોઈ કારણ નવું,
આમ મારું આવવું ને તે પછી તારું જવું…

દર્પણો ચૂપચાપ છે આ ભાવસૂના ઓરડે,
ફર્ક કોને તે પછી છે હું રહું કે ના રહું…

શક્ય છે કે બંદગીનો પણ હશે કોઈ જવાબ,
કશ્મકશમાં છું હવે કે હુ નમું કે ના નમું?

આમ તો ખામોશ છે પણ શું તને થાતું ખરું,
રસ્મ જૂનીને નિભાવી હું ગઝલ આજે કહું?

– ભરત ત્રિવેદી