Archive

Archive for June, 2014

ગઝલ – અશરફ ડબાવાલા

June 29, 2014 Leave a comment

ઉઘાડી આંખને તારું જ તું કામણ તપાસી લે,
ઋતુઓ છોડ, તારી જાતમાં ફાગણ તપાસી લે…

ભલે ત્યાં બુધ્ધ થાવાનો મરણથી જ્ઞાન પામીને,
અહીં ઘટના વિચારી લે અને કારણ તપાસી લે…

ભરી લે જીંદગીથી મન, પછી મૃત્યુ વિષે જોશું,
પહેલાં ઝેર તું પી લે પછી મારણ તપાસી લે…

તરસને બંધ બેસે એમ જળ તું શોધતો હો તો,
તને ટીંપુ નહીં મળશે, બધા શ્રાવણ તપાસી લે…

ભલે તું શોધવા એને ભમી લે જગત આખામાં,
બધેથી તું જ મળવાનો ભલે કણકણ તપાસી લે…

Advertisements

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય – અવિનાશ વ્યાસ

June 27, 2014 Leave a comment

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો…

જરૂર પડી જગદીશ્વરને પણ ગાંધી જેવા જણની,
એણે ખૂંચવી લીધી મોંઘી માટી આ ભારતની…

એના વિના ના મારગ સૂઝે આતમડો અટવાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો…

એની હિંસા જેણે ના કદી હિંસાનો વિચાર કર્યો,
એની ચિતાને ચેતવનારો અગ્નિ પણ શરમાઇ ગયો…

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો…

વરસાદમાં ધાબા ઉપર – સાંઈરામ દવે

June 24, 2014 Leave a comment

છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર,
ને સંગીત સર્જાય છે, વરસાદમાં ધાબા ઉપર…

કોઈને વરસાદ સામું જોવાની ફુરસદ નથી,
સૌ તારામાં જ ન્હાય છે, વરસાદમાં ધાબા ઉપર…

મસ્તાની યુવતીને પલાળીને આ વીજળી,
તસવીર પાડી જાય છે, વરસાદમાં ધાબા ઉપર…

જોરથી તું યાર ભીના વાળને છંટકોર નહી,
શ્વાસ રોકાઈ જાય છે, વરસાદમાં ધાબા ઉપર…

રૂપની હેલી બની વરસે છે, મૂશળધાર તું,
ચોમાસું ભૂલાય છે, વરસાદમાં ધાબા ઉપર…

વાવણી કેવી થશે, ને આ વરસ કેવું જશે,
બઘું ય ગોથા ખાય છે, વરસાદમાં ધાબા ઉપર…

આંખનું કાજળ હવે વાદળ બનીને ત્રાટકયું,
મહોબ્બત ગોરંભાય છે, વરસાદમાં ધાબા ઉપર…

જોઈ તને મલકાતી, સંયમ શીખવનારા બધા,
પાણી પાણી થાય છે, વરસાદમાં ધાબા ઉપર…

તારી સાથે જ ભીંજાય છે અલ્લડ અરમાનો,
જીંદગી ધોવાય છે, વરસાદમાં ધાબા ઉપર…

કોઈ પણ બહાને તને નીરખવા, મમળાવવા,
ગામ ગોઠવાય છે, વરસાદમાં ધાબા ઉપર…

તેં પ્રથમ વરસાદને એવી રીતે ઝીલ્યો સનમ,
મેઘ પણ શરમાય છે, વરસાદમાં ધાબા ઉપર…

– સાંઈરામ દવે

રોજ સાંજે પંખીઓના – ઉદ્દયન ઠક્કર

June 21, 2014 Leave a comment

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે,
વૃક્ષની માલિકી બાબત માંગણીઓ થાય છે…

હસ્તરેખા જોઈને સુરજને કુકડાએ કહ્યું,
આભના પ્રરબદ્ધમાં બહુ ચડઉતર દેખાય છે…

બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપીયું,
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે…

ક્યાંક જાતો હશે એ માનીને ચાલ્યો હતો,
પણ હવે રસ્તો પૂછે છે, ભાઈ તું ક્યાં જાય છે?

અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા

June 17, 2014 Leave a comment

સાંભળું તો તને ખાલી પડઘા સંભળાય,
તને શોધું સિતારના વનમાં,
ટમકીને કો’ક વાર ઈશારા,
વાત છાની રાખીશ મારા મનમાં…

આ ગુલમહોર મહેક્યાં વરસી વાદલડી,
ધુંધળી સંધ્યા રંગ લાલમડી,
અને તમે યાદ આવ્યા…

પેલાં આંખ્યુંનાં અંજન, શાંત રાતલડી,
એક અનેરી પ્રેમ વાતલડી,
અને તમે યાદ આવ્યા…

ભૂલવા ચહું હું સુની રે તલાવડી,
સરકે સરિતા અશ્રુ આંખલડી,
અને તમે યાદ આવ્યા…

આ ઝંઝાવત પલ એકલડી,
દિલના દરિયામાં નહીં આ નાનકડી,
અને તમે યાદ આવ્યા…

મને દરિયો સમજીને – મહેશ શાહ

June 14, 2014 Leave a comment

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં,
કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે…

એકલી પડેને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે,
ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે…

મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં,
કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે…

માટીની ઈચ્છા કૈક એવી, તું ચાલે તો અંકિત પગલા હો તારા એટલા,
મારા મળવાના તારા મનમાં અમાપ રાત-દિવસો સદાયે હોય એટલા…

મને આંખોના ઓરડામાં રોકાતી નહીં,
કે મારું હોવું તારાથી ભરપુર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે…

– મહેશ શાહ

હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા

June 13, 2014 Leave a comment

હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા…

હર આહ ભરનારા પૂરા આશિક નથી હોતા,
હર આગિયાની રુહમાં સિતારા નથી હોતા…

હર હોઠની મુશકાનમાં મતરા નથી હોતા,
હર વારતાના અંત સરખા નથી હોતા…

હર આસ્થા, શ્રધ્ધા મહીં કિર્તન નથી હોતા,
હર બંસરીના નાદમાં ઘનશ્યામ નથી હોતા…

હર વમળનાં વર્તુળમાં કંકળ નથી હોતા,
હર ઝેર પીનારા શંકર નથી હોતા…

હર ચમનમાં ઉડતાં બધાં બુલબુલ નથી હોતા,
હર પ્રેમ કરનારા શાયર નથી હોતા…

હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા…

Categories: કવિતા, ગઝલ