Archive

Archive for January, 2014

એમ થોડો લગાવ રાખે છે – હેમંત પુણેકર

January 30, 2014 Leave a comment

એમ થોડો લગાવ રાખે છે,
સ્વપ્નમાં આવજાવ રાખે છે…

ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી,
હલકો હલકો તણાવ રાખે છે…

ફુલ શી જાત રક્ષવા માટે,
કાંટા જેવો સ્વભાવ રાખે છે…

એ તો દબડાવવા સમંદરને,
ફક્ત કાગળની નાવ રાખે છે…

ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ,
યાદ એક અણબનાવ રાખે છે…

– હેમંત પુણેકર

Advertisements

હાથને ચીરો તો ગંગા નીકળે – રમેશ પારેખ

January 28, 2014 Leave a comment

હાથને ચીરો તો ગંગા નીકળે,
છેવટે એ વાત અફવા નીકળે…

બોમ્બની માફક પડે કાયમ સવાર,
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે…

કોઇ સપનું છીછરું વાગ્યું હતું,
ને જનોઇવઢ સબાકા નીકળે…

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે…

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે…

દાબડીમાં એક માણસ બંધ હોય,
ઢાંકણું ખોલો તો લાવા નીકળે…

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં,
કોઇ અશ્મિભૂત શ્રધ્ધા નીકળે…

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ,
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે…

ર નીરંતર મેશ-માં સબડે અને,
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે…

– રમેશ પારેખ

નામનો પહેરો છે દોસ્તો – નયન દેસાઈ

January 26, 2014 Leave a comment

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો,
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો…

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ,
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો…

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા,
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો…

એકાંત છેક તળિયે મળે તો મળી શકે,
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો…

– નયન દેસાઈ

તારી યાદથી આંખો થઈ જાય ભીની

January 23, 2014 Leave a comment

આસપાસ છવાઈ ગઈ છે ગમગીની,
તારી યાદથી આંખો થઈ જાય ભીની…

અસહ્ય બની રહી છે મારી એકલતા,
ન સમજાય તેવી છે આ શૂન્યતા…

ક્ષણ ક્ષણમાં અહેસાસ છે તારો,
હર એક ખૂણામાં વસવાટ છે તારો…

મનને સમજાવુ હું કેમ કરી,
મારો હર એક શ્વાસ યાદ અપાવે તારી…

Categories: કવિતા, ગઝલ

ભીંજીએ ભીંજાઈએ – તુષાર શુક્લ

January 19, 2014 Leave a comment

ભીંજીએ ભીંજાઈએ વ્હાલમાં વરસાદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં…

ભીંજીએ ભીંજાઈએ સાથમાં સંગાથમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં…

આવ પહેરાવું તને હું એક લીલુંછમ્મ ગગન,
હું ઘટા ઘેઘુર ઓઢું આજ આષાઢી ગગન…

જાણીએ ના જાણીએ કઈ આ અગન છે કે લગન,
તુંયે ઓગળ, થોડું હુંયે પીગળું ઉન્માદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં…

તેં કહ્યું’તું ભાગ્યમાં છે બસ તરસવાનું વધુ,
મેં કહ્યું’તું ભાગ્યમાં એથી વધુ વરસવાનું વધુ…

છે વરસવાનું વધુ તો છે તરસવાનું વધુ,
ના મજા મોસમની બગાડે આ વ્યર્થનાં વિખવાદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં…

ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા

January 15, 2014 Leave a comment

ગાગરમાં પાણી છલકવાનું છે,
જોબનિયું આજે ઝલકવાનું છે…

જ્યાં જ્યાં તમારાં પગલાં પડ્યાં,
ઝાંઝરને ત્યાં ત્યાં ઝામકવાનું છે…

કેસર ગુલાબી ચૂનરીની સંગ,
સજનીને સાંજે મળવાનું છે…

મઢૂલી બનાવી કાન્હાની સંગ,
મુરલીના નાદે મટકવાનું છે…

નજર્યુંથી નજરને મળવાનું છે,
ઝરમર ઝરમર વરસવાનું છે…

ફૂલોની સંગે મહેકવાનું છે,
લજામણી થઈ શરમવાનું છે…

ઊભરતી ઉંમરને તલસવાનું છે,
આશિક આ દિલને બહેકવાનું છે…

મુખડું તમારું પૂનમવાનું છે,
મધરાતે શમણામાં મળવાનું છે…

હું નથી આ પાર કે તે પારનો – અમૃત ‘ઘાયલ’

January 12, 2014 Leave a comment

હું નથી આ પાર કે તે પારનો,
મુક્ત યાત્રી છું હું પારાવારનો…

વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી,
રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો…

ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ,
દેવદુર્લભ થાળ છું કંસારનો…

આમ હું આધારને શોધ્યા કરું,
આમ હું આધાર છું આધારનો…

હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ,
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો…

– અમૃત ‘ઘાયલ’