Archive

Archive for February, 2013

આ ગગન પાથરી સૂતાં – નયન દેસાઈ

February 28, 2013 Leave a comment

અમે સાવ રસ્તા પર લ્યો! આ ગગન પાથરી સૂતાં,
જરા વારમાં નીંદર આવી ધુમ્મસમાં આળોટ્યાં…

ગગનનું એવું કે ચાદરની જેમ કદી ના ફાટે,
સાવ સુંવાળા વાદળનું એ રેશમ આપે સાટે,
નહીં કમાડો, બારી, પગરવ ઊમ્બર આઘાં મૂક્યાં,
અમે સાવ રસ્તા પર લ્યો! આ ગગન પાથરી સૂતાં…

ધરા ઉપર સૂવાનું સુખ આ, પોતીકા થૈ જઈએ,
પવન-ઘાસની વાતો મીઠી કાન દઈ સાંભળીએ,
રોજ સવારે પંખીના મીઠા કલરવથી જાગ્યાં,
અમે સાવ રસ્તા પર લ્યો! આ ગગન પાથરી સૂતાં…

– નયન દેસાઈ

Advertisements

મગદલ્લા બંદરની છોકરી – નયન દેસાઈ

February 27, 2013 Leave a comment

દરિયો નિહાળે તો મોજું થઈ જાય,
ને રેતીને જુએ તો વાયુ જેમ વાય,
મગદલ્લા બંદરની છોકરી…

બોલે તો ઘૂઘવતા કાંઠાની જેમ,
ચાલે તો ધરતી પર તરતી દેખાય,
મગદલ્લા બંદરની છોકરી…

નારિયેળી ઝૂંડનો પડછાયો ઓઢી,
ગીત ગાય હઈસો ને હોફા,
નામ એનું કાંઈ નહીં,
મિલ્કતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફ…

બગલાની પાંખ જેવો પાથરી પવન,
ઝાડ નીચે સૂઈ જાય ત્યારે દરિયો થઈ જાય,
મગદલ્લા બંદરની છોકરી…

મગદલ્લા બંદરમાં ભરતી આવે ને,
વ્હાણ આવે છે કંઈ કંઈ થી મોટાં,
હારબંધ સરૂઓનાં વૃક્ષોની પાછળથી,
સૂરજ પાડ્યા કરે છે ફોટા,
ફોટામાં આપ ધારી ધારીને જુઓ તો,
પરપોટા જેવું જે હસતું દેખાય,
મગદલ્લા બંદરની છોકરી…

– નયન દેસાઈ

પ્રેમ એટલે કે – મુકુલ ચોકસી

February 26, 2013 Leave a comment

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો,
સ્વપ્નમાં પળાય એવો કાયદો,
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં,
ચોર્યાસી લાખ વહાણોનો કાફલો…

ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે એ પ્રેમ છે,
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે એ પ્રેમ છે,
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો, હા, ઘરનો જ એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે એક છોકરી ને તે ય શ્યામવરણી,
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે મને મૂકી આકાશને તું પરણી,
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય અને,
ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…

– મુકુલ ચોકસી

થઈ મરણને લીધે જાણ કે હયાતી છે – મુકુલ ચોકસી

February 25, 2013 Leave a comment

પૂછ્યું મેં કોણ છે, ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે…

બીજાને તૂટતા જોવા કરે છે આવું એ?
આ આયનાનું વલણ કેમ આત્મઘાતી છે?

ને આભ જેવા નિસાસાઓ ઢાંકવા માટે,
આ નાના-નાના પ્રપંચોની ખૂબ ખ્યાતિ છે…

સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે?

ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે…

જો સ્થિરતા જ અનિવાર્ય હોય, હે મિત્રો,
ઢળી જવાની જરૂરિયાત પણ તો તાતી છે…

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે…

– મુકુલ ચોકસી

ચિંતાઓ આખી રાત ન કર – મુકુલ ચોકસી

February 24, 2013 Leave a comment

ખુલ્લી હદથી વધારે જાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર…

તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર…

થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્વોથી મુજને જ્ઞાત ન કર…

બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર…

જીતનારાઓને જ જીતી જો,
હારનારાઓને મહાત ન કર…

મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દૃષ્ટિપાત ન કર…

કર, સવારો વિશે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર…

– મુકુલ ચોકસી

નિભાવી જાય છે – મરીઝ

February 23, 2013 Leave a comment

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે…

બહારના જીવનના છે, એ મારા જીવનના નથી,
તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે…

મારી કિસ્મત છે જુદી,તારું મુકદર છે અલગ,
કોઈ વખત એક જગા પર કેમ આવી જાય છે…

છું બહુ જુનો શરાબી જામથી ખેલું છુ હું,
હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે…

ઓ શિખામણ આપનારા, તારો આભારી છું હું,
મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે…

મારી નિષ્ફળતા ભલી, એમાં કોઈ ખામી નથી,
ઓ સફળતા, કોણ અહીં સંપૂર્ણ ફાવી જાય છે…

લાવો મારી પાસે હું અમૃતથી મારું એમને,
ઝેર જેવી ચીજ પણ જેઓ પચાવી જાય છે…

મારું આ બેહોશ જીવન પૂર્ણ તો થાએ ‘મરીઝ’,
હું નથી હોતો તો એ વિતાવી જાય છે…

– મરીઝ

નર્યું પાણી જ મારા – ‘ગની’ દહીંવાળા

February 22, 2013 Leave a comment

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે…

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે…

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે…

હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે…

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે…

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા મને તું બુધ્ધિનો વ્યાપીર લાગે છે…

‘ગની વિતેલ જીવનનાં સ્મરણ તાજાં થયા આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે…

– ‘ગની’ દહીંવાળા