Archive

Archive for July, 2014

ક્યાંક તું છે ક્યાંક હું છું – ચિનુ મોદી ‘ઈર્શાદ’

July 29, 2014 Leave a comment

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે…

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે…

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે…

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે…

આ કલમ બસ તરવરી છે ત્યારથી – અંકિત ત્રિવેદી

July 28, 2014 Leave a comment

વાત મારી વિસ્તરી છે ત્યારથી,
શ્વાસમાં એને ભરી છે ત્યારથી…

આપણે છૂટાં પડયાંને જ્યારથી!
સાંજ મારી નીતરી છે ત્યારથી…

તું મને ભગવાનમાં દેખાય છે,
પ્રાથના તારી કરી છે ત્યારથી…

ગાજતું આકાશ ના વરસ્યું કદી,
હા, તમારી ખાતરી છે ત્યારથી…

ને ટહુકો ઝાડ પર બેસી ગયો,
યાદ તારી સાંભરી છે ત્યારથી…

સ્મિતની સાથે મને પણ લઈ ગયાં,
આંખ તારા પર ઠરી છે ત્યારથી…

એક ચ્હેરો જે મને ભૂલી ગયો,
આ કલમ બસ તરવરી છે ત્યારથી…

દૂધ ને માટે રોતા બાળક – શૂન્ય પાલનપુરી

July 25, 2014 Leave a comment

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો,
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે,
ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત,
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત…

સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત,
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત,
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં,
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં…

હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે,
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે,
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે,
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે…

વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર,
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર…

તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે,
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે,
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા,
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા…

ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં,
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં,
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની,
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની…

આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને…

– શૂન્ય પાલનપુરી

નીકળી જઈશ – હરિન્દ્ર દવે

July 24, 2014 Leave a comment

હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,
કોઈ ઓળખશે નહીં. સર્વને મળી જઈશ…

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ…

છું હવા, ને એ હવાને વળી વિસ્તાર ક્યો?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ…

મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ,
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જઈશ…

કાંકરી તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ…

બાગમાં ટહુકો છળે – મેઘબિંદુ

July 22, 2014 Leave a comment

બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?

આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?

સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?

પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું?

અમારી પાસે – મરીઝ

July 19, 2014 Leave a comment

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે…

દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો,
એ હજી સાવ સલામત છે અમારી પાસે…

આપ ચિંતા ન કરો, આપ ન બદનામ થશો,
કે બધા ભેદ અનામત છે અમારી પાસે…

કોઈ સમજી ન શકે એમ બધું કહી દઈએ,
કંઈક એવીય કરામત છે અમારી પાસે…

પ્રેમ વહેવાર નથી એમાં દલીલો ન કરો,
કે દલીલિ તો અકારત છે અમારી પાસે…

રાહ ક્યાં જોઈએ આગામી કયામતની ‘મરીઝ’?
એક અમારીય કયામત છે અમારી પાસે…

કેટલા હતા – અશરફ ડબાવાલા

July 15, 2014 Leave a comment

ભીંતો ને બારી જેવા છરા કેટલા હતા!
ઘરમાં વિવિધ રૂપે દગા કેટલા હતા!

હું સાચવીયે ના શક્યો ર્દશ્યો કે ર્દષ્ટિને,
ચશ્મા ઘણા હતા ને ઘરાં કેટલા હતા!

જો ફોડવા હતા તો કદી ક્યાં કમી હતી!
મનમાં જ ઘડયા તા એ ઘડા કેટલા હતા!

એ ‘આવજો’ કહીને પછી બસ કરી ગઈ,
નહિતર તો આંગળીના બરા કેટલા હતા!

અંદર તો હું જ મારો, બીજું કોઈ ક્યાં હતું?
ને બહાર જોઈ લીધું સગાં કેટલા હતા!

સ્વર્ગસ્થ સૌ કવિને તું ઉત્તમ ભલે ને ગણ,
પણ એ કહેને એમાં ર.પા. કેટલા હતા?

અશરફ ખતવણી માંડ છે સપનાંની પાપણે,
ઉધાર કેટલાં ને જમા કેટલા હતા!

બધે જ દોડી લઈ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

July 13, 2014 Leave a comment

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ,
બધા જ હાથમાં ઊભા હતા હથોડી લઈ…

ઘણાંય લાગણી ઉઘરાવતા ફરે કાયમ,
સદાય આંસુ-ઉદાસીની કાંખઘોડી લઈ…

કદીક કોઈને પૂછ્યું હતું અટકવું’તું,
બધું બગાડી મૂક્યું છે સ્વયમનું ફોડી લઈ…

ગયું’તું ડૂબી બધું કાલ મરજીવાનું પણ,
સવાર પડતાં ગયો દરિયે ફરી હોડી લઈ…

ઉદાસ ડાળ પછી સાંજ લગી રહી રડતી,
ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ…

રહ્યો ન ભાર કશો, હળવા ફરાયું ‘મિસ્કીન’,
મુસાફરીમાં નીકળ્યો’તો બે જ જોડી લઈ…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મારે જવું નથી – જયંત પાઠક

July 9, 2014 Leave a comment

એ ના સળંગ હોય તો મારે જવું નથી,
રસ્તાને અંત હોય તો મારે જવું નથી…

બોલાવતું બધુંય ગામ તોય એમની,
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી…

પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં,
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી…

ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારો જ અંત હોય તો મારે જવું નથી…

હું ચાલું તો ચાલે ને અટકું તો ઊભો રહે,
એવો જ પંથ હોય તો મારે જવું નથી…

કામ સોપ્યું – અનિલ ચાવડા

July 5, 2014 Leave a comment

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું…

છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું…

જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?

વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં,
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું…

દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું…