Archive

Archive for April, 2012

મોત ના બરબાદ કર – બરકત વિરાણી ‘બેફામ’

April 30, 2012 Leave a comment

ખોટ તારે ત્યાં ખુદા શી છે, મને આબાદ કર,
છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર…

આટલી મારી મદદ તો પ્રમનો ઉન્માદ કર,
રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર…

પ્રેમમાં સંભારવા જેવું હવે શું છે બીજું?
એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર…

દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,
સામનો કર કે સબર કર કે પછી ફરીયાદ કર…

જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,
આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર…

હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,
દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એકાદ કર…

જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,
ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર…

અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
જીન્દગીની જેમ તારું મોત ના બરબાદ કર…

– બરકત વિરાણી ‘બેફામ’

જીન્દગી આખી રડાવ્યો છે મને – બરકત વિરાણી ‘બેફામ’

April 29, 2012 Leave a comment

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મુક્યો છે ને નમાવ્યો છે મને…

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જે તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને…

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને…

આ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જીન્દગી આખી રડાવ્યો છે મને…

– બરકત વિરાણી ‘બેફામ’

મળી ગઇ છે સરસ તમને – બરકત વિરાણી ‘બેફામ’

April 28, 2012 Leave a comment

મને જોવા પ્રણય દૃષ્ટી મળે એક વાર બસ તમને,
પછી જો જો મારામાં પડે છે કેવા રસ તમને…

તમે આ એના બદલામાં વિરહની રાત આપી છે,
કે મેં જે દઇ દીધા છે મારા જીવનના દિવસ તમને…

કર્યો છે મે નિખાલસ પ્રેમ તમને એમ સમજીને,
કે આ સ્વાર્થ જગતમાં લાગે ના જીવન નીરસ તમને…

મિલનમાં હોય છે પરદા જુદાઇમાં નથી હોતા,
ગયા છો ત્યારથી જોયા કરું છું હું તો બસ તમને…

વિતે લાંબુ જીવન, એ પણ વિતે મારી જુદાઇમાં,
દુઆ માંગી રહ્યો છું કે મળે મારાં વરસ તમને…

હવે પીવા નથી મળતા તમારી આંખના પ્યાલા,
હવે લાગે છે મારી જેમ લાગી છે તરસ તમને…

કબર જોઇ તમારી અમને ઈર્ષા થાય છે બેફામ,
જગા ફાની જગતમાં પણ મળી ગઇ છે સરસ તમને…

– બરકત વિરાણી ‘બેફામ’

કઝાની અસર – બરકત વિરાણી ‘બેફામ’

April 27, 2012 Leave a comment

રડી રડી ને પ્રગટ એ જ તો કરે છે સૌ,
કે વેદનાથી વધારે છે વેદનાની અસર…

તને નિહાળ્યા પછી તો બધાંય સુંદર છે,
બધાંમાં આવી ગઇ તારી રમ્યતાની અસર…

જીવન સફરમાં ભલે તું સતત રહે જાગ્રત,
ન આવી જાય પરંતુ ઉજાગરાની અસર…

ગયા બધાય મને એકલો મૂકી બેફામ,
કે આતો જીંદગી જેવી જ છે કઝાની અસર…

– બરકત વિરાણી ‘બેફામ’

ઠેશ ના વાગે – બરકત વિરાણી ‘બેફામ’

April 26, 2012 Leave a comment

લથડવાનીને પડવાની દશાને મસ્તી માની લે,
કોઇને એમ જીવનની સફરની ઠેશ ના વાગે…

ગમે તે દુઃખ મળે કિન્તુ મળે તારો સહારો પણ,
ભલે વાગે મગર તારા વગરની ઠેશ ના વાગે…

ઘણાંયે પંથ એવા છે કે જે પંગુ બનાવે છે,
કદમ ત્યાં રાખજો જ્યાં ઉમ્રભરની ઠેશ ના વાગે…

નહીં તો મારા જેવા અંધની શ્રધ્ધા ડગી જશે,
મને દોરી જનારા રાહબરની ઠેશ ના વાગે…

જે તારા માર્ગમાં પથ્થર બની જીવતા હતા બેફામ,
ખુદા રક્ષે તને એની કબરની ઠેશ ના વાગે…

– બરકત વિરાણી ‘બેફામ’

ચાલવા દેતા નથી – બરકત વિરાણી ‘બેફામ’

April 25, 2012 Leave a comment

જીન્દગી તારા વિનાની મોતથી ઊલટી જ છે,
શ્વાસ ચાલે છે અને કોઇ હવા દેતા નથી…

દિલમાં સૌને આવવા દઇએ છીએ પણ શક ન કર,
તું વસે છે જ્યાં ત્યાં કોઇને જવા દેતા નથી…

કોઇની દરિયાદિલીનો પણ ભરોસો કર નહીં,
એય પ્યાસો રાખશે જે ઝાંઝવાં દેતા નથી…

જાણ થઇ બેફામ મૈયતથી છે લોકો સાવચેત,
મોતને રસ્તે કોઇને ચાલવા દેતા નથી…

– બરકત વિરાણી ‘બેફામ’

તમને જોયા છે – બરકત વિરાણી ‘બેફામ’

April 24, 2012 Leave a comment

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે…

મને નહિ પણ હતી તમને જ એ બેચેની દર્શનની,
પડ્યાં છો એકલાં જ્યારે મેં ત્યારે તમને જોયાં છે…

ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ,
મને સહેરાએ જોયા છે, બહારે તમને જોયા છે…

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ,
નહીં તો મેં ધણી વેળા સવારે તમને જોયાં છે…

તમે હો કે ન હો, પડતો નથી કંઇ ફેર દૃષ્ટિમાં,
ઉજાશે જોયા એમ જ અંધકારે તમને જોયાં છે…

હવે મારા જીવનમાં એ કદી ચમકી નહીં શકશે,
કે આ મારા મુકદ્દરના સિતારે તમને જોયાં છે…

ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું,
હું થાક્યો છું તો એક એક ઉતારે તમને જોયાં છે…

નિવારણ છો કે કારણ, ના પડી એની ખબર કંઇએ,
ખબર છે એ જ કે મનમાં મુંઝારે તમને જોયાં છે…

સુરા પીધા પછીની છે આ મારા ભાનની કક્ષા,
મેં મારા કેફમાં મારા ખુમારે તમને જોયાં છે…

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખુલી આંખે મેં મારા ઘરના દ્રારે તમને જોયા છે…

બીજા જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો,
નથી હારે છતાં મેં મારી હારે તમને જોયાં છે…

નથી એ પણ હવે કંઇ જાણ ક્યારે તમને જોવાનો?
નથી એ પણ હવે કંઇ યાદ ક્યારે તમને જોયાં છે?

નહીંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે…

નથી મરતી મહોબ્બત એવું કંઇ કહેતો હતો બેફામ,
એ સાચું છે અમે એના મઝારે તમને જોયાં છે…

– બરકત વિરાણી ‘બેફામ’

જીંદગી આખી રડાવ્યો છે મને – બરકત વિરાણી ‘બેફામ’

April 23, 2012 Leave a comment

ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને…

સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને…

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને…

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને…

હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,
શું કરું કે ઝાંઝાવાંઓએ ડુબાવ્યો છે મને…

કાંઇ નહોતું એ છતાં સૌએ મને લૂંટી ગયા,
કાંઇ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને…

એ બધાંનાં નામ દઇ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને…

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઇ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને…

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને…

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને…

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને…

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને…

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને…

આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જીંદગી આખી રડાવ્યો છે મને…

– બરકત વિરાણી ‘બેફામ’

સપના રૂપેય આપ ન આવો નજર સુધી – બરકત વિરાણી ‘બેફામ’

April 22, 2012 Leave a comment

સપના રૂપેય આપ ન આવો નજર સુધી,
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી…

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી…

શ્રધ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી…

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી…

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી…

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી…

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી…

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી…

– બરકત વિરાણી ‘બેફામ’

સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી – બરકત વિરાણી ‘બેફામ’

April 21, 2012 Leave a comment

સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી…

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહીં તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી…

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી…

તમે મારાં થયાં નહીં તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી…

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વીતાવું હું,
કે મારી જીંદગી પણ મારા કબજામાં નથી હોતી…

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી…

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી…

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી…

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી…

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી…

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી…

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે,
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી…

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’,
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી…

– બરકત વિરાણી ‘બેફામ’