Archive

Archive for July, 2011

વ્યથાએ લાજ રાખી છે – કૈલાસ પંડિત

July 31, 2011 Leave a comment

ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે,
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે…

તરસનું માન સચવાયું ફક્ત, તારા વચન ઉપર,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે…

ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે…

પડી ‘કૈલાસ’ના શબ પર, ઉડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાળીને મારી, ખુદાએ લાજ રાખી છે…

– કૈલાસ પંડિત

Advertisements

દિવસો જુદાઈનાં જાય છે – ગની દહીંવાળા

July 30, 2011 Leave a comment

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી…

ન ધરા સુધી, ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી,
ફકત આપણે તો જવુ હતું, બસ એકમેકના મન સુધી…

હજી પાથરી ન શકયું સુમન પરિમલ, જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી…

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી…

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે આંસુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી, તો હદયથી જાઓ નયન સુધી…

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!
તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી…

જો હ્રદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી…

– ગની દહીંવાળા

અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા

July 29, 2011 Leave a comment

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે…

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો, સાત અક્ષરની ચીજ…

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રુંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છલબલ આપણાં ફળિયાં,
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં…

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે…

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વેહ…

અડઘાં અક્ષરનો તાળો જો મળે, તો સઘળું ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે…

– ભગવતીકુમાર શર્મા

તારી ને મારી વાત – રમેશ પારેખ

July 28, 2011 Leave a comment

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત…

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત…

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી,
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત…

આવી અતિતની આંગળી પકડીને આંખમાં,
આંસુ મહીં ભિંજાય છે તારી ને મારી વાત…

રણ ખાલી ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત…

એની અવર જવર છતાં ઉંબર નહીં ઘસાય,
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત…

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ,
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત…

– રમેશ પારેખ

ખોબો ભરીને અમે એટલું હસ્યા – જગદીશ જોષી

July 27, 2011 Leave a comment

ખોબો ભરીને અમે એટલું હસ્યાં,
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં…

ખટમીઠાં સપના ભૂરાં ભૂરાં,
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં…

અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં,
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં…

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં,
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં…

– જગદીશ જોષી

તમે વાતો કરો તો થોડું સારું લાગે – સુરેશ દલાલ

July 26, 2011 Leave a comment

તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે…

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે,
ત્યારે ખીલે છે લીલેરો રંગ…

ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે,
ફૂલોની સૂતી સુગંધ…

તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે,
રોમાંચે રોમાંચે દીવા બળે,
અને આયુખું તો તુલસીનો ક્યારો…

તારી તે વાણીમાં વ્હેતી મુકું છું હું,
કાંઠે બાંધેલો જનમારો,

એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે…

– સુરેશ દલાલ

કહી ન શકાય એટલો તને પ્રેમ – જગદીશ જોષી

July 25, 2011 Leave a comment

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું,
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું…

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે,
ધરતી હવે જાણે કે પરમાણું લાગે…

મન આ મારું ક્યારેક તો ઊખાણું લાગે,
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું…

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં,
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેવા…

પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં,
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું…

ખડક થાઉં તોયે હવે તો તારા વિના,
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું…

– જગદીશ જોષી