Archive

Archive for January, 2013

હાથ તો છોડો હવે – કૈલાસ પંડિત

January 31, 2013 Leave a comment

નહિ કરું ગુસ્સો હવે,
હાથ તો છોડો હવે…

ભાર લાગે છે મને,
પાંપણો ઊંચકો હવે…

હાં ભલે મળશું નહિ,
ફૉન તો કરજો હવે…

ફૂલ જેવું ક્યાં રહ્યું છે,
ઘાસને સૂંઘો હવે…

બત્તીઓ જાગી ગઇ,
સુઇ જશે રસ્તો હવે…

દ્વાર તો અહીંયા નથી,
ભીંતથી નીકળો હવે…

– કૈલાસ પંડિત

Advertisements

વસવસો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

January 30, 2013 Leave a comment

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો,
કહી ના શક્યો કોઇને કે ખસો…

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે,
અને દરવખત આપ ફિક્કું હસો…

સમય નામની બાતમી સાંપડી,
પછી લોહી શું કામ નાહક ધસો…

પડે ડાળથી પાંદડું, એ પછી,
ઇલાજો કરું એકથી એક સો…

ઇલાજો કરું એકથી એક સો,
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

પાનખર – વિહાર મજમુદાર

January 29, 2013 Leave a comment

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ,
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ…

સ્વપ્નમાં ચીતરી રહું લીલાશને હજી,
ત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ…

છાલકો પગરવ તણી વાગે છે ક્યારની,
ધારણા રેતી બની પથરાય આસપાસ…

દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવે,
ને પછી ચેહેરા બધા તરડાય આસપાસ…

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ,
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ…

– વિહાર મજમુદાર

તમે રે સોનુ ને અમે રાખ – મીરાબાઈ

January 28, 2013 Leave a comment

તમે રે સોનુ ને અમે રાખ,
રાણાજી અમને રાખના મળ્યા છે સવા લાખ….

હેજી મારું મનડું ભૂલે છે એની જાત,
રાણાજી અમને રાખના મળ્યા છે સવા લાખ…

સોનું અમને શોભે નહિ રાણા,
અમારે તો જોઇએ તુલસીની માળા,
હેજી એવી મમતા બળીને થઇ છે ખાખ,
રાણાજી અમને રાખના મળ્યા છે સવા લાખ…

અંગે ભભૂતી ભરી તનને સજાવ્યું અમે,
રાખે રગડીને એવું મનને ઉજાળ્યું અમે,
હેજી એવી ઝીણી ઝબુકે પ્રેમ આગ,
રાણાજી અમને રાખના મળ્યા છે સવા લાખ…

બાઇ મીંરા કહે પ્રભુ ગિરિધર નાગર,
સહેજે તરી ગ્યાં આ ભવસાગર,
હેજી એવી આંખો બની છે પંડ પાથ,
રાણાજી અમને રાખના મળ્યા છે સવા લાખ…

– મીરાબાઈ

સમજની બ્હાર છે – અનિલ ચાવડા

January 27, 2013 Leave a comment

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે…

ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા,
તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે…

સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,
ફાટશે જ્વાળામુખી થઇ, એ શમનની બ્હાર છે…

ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય,
છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે…

પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે…

– અનિલ ચાવડા

તારા મારા સપનાઓની – મેઘબિંદુ

January 26, 2013 Leave a comment

તારા મારા સપનાઓની લઇ લખોટી રમીયે રે,
વીતેલી વાતોને ભૂલી, ચાલ ફરીથી રમીયે રે…

હવે ફરીથી આ જીવનબાજી રમતાં રમતાં,
અંચઇ કદી ના કરશું રે…

હવે ફરીથી કોઇ પ્રસંગે, કોઇ વાતના,
સોગંદ કદી ના લઇ શું રે…

રમત અધૂરી મુકેલી જે, એને પૂરી કરીયે રે,
ચાલ ફરીથી રમીયે રે…

હવે ફરીથી સ્મિત, સ્પર્શ ને સંકેતોની,
લેવડદેવડ કરીયે રે…

બંધાયો સંબંધ આપણો, સાથે રહીને,
પળપળ એની ઊજવીયે રે…

જુદાઇ કેરો રસ્તો છોડી, જલ્દી પાછા વળિયે રે,
ચાલ ફરીથી રમીયે રે…

– મેઘબિંદુ

વરસાદ વાંચું છું – કરસનદાસ લુહાર

January 25, 2013 Leave a comment

ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું…

હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું,
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું…

નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું,
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું…

થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી,
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું…

છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં,
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું…

હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં,
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું…

– કરસનદાસ લુહાર