Archive

Archive for the ‘ઉર્વિશ વસાવડા’ Category

લઈને આવ્યો છું – ઉર્વિશ વસાવડા

September 9, 2012 Leave a comment

મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું,
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું…

સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનમાં,
નદી, પર્વત ને તપતું રણ ગઝલમાં લઈને આવ્યો છું…

શિલાલેખો, ગિરિ ગિરનાર, દામોકુંડ, કેદારો,
જૂનાગઢની ધરાના કણ ગઝલમાં લઈને આવ્યો છું…

સમજપૂર્વક હકીકતને જુદી, આભાસથી પાડી,
અરીસામાં પ્રગટતો જણ ગઝલમાં લઈને આવ્યો છું…

નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની,
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું…

– ઉર્વિશ વસાવડા

ઊઠવું કેવી રીતે – ઉર્વિશ વસાવડા

September 5, 2012 Leave a comment

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે…

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે…

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે…

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે…

શિલ્પ ચહેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિમાસણ એક આંસુ લૂછવું કેવી રીતે…

કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી,
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે…

આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે…

– ઉર્વિશ વસાવડા