Archive

Archive for the ‘કૃષ્ણ દવે’ Category

પતંગિયું – કૃષ્ણ દવે

August 29, 2014 Leave a comment

પતંગિયું કહે મમ્મી, મમ્મી, ઝટ પાંખો પ્હેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં…

બીજાં કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બૅંચ નથી છે ફૂલ,
લીલી છમ્મ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ – પતંગિયું…

પહેલાં પિરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે,
ઝાકળનાં ટીપાંઓ જ્યારે દડ દડ દડ દદડે છે,
કિરણો સાથે રમીએ છીએ પકડાપકડી દાવ – પતંગિયું…

લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ,
બધાં જ દફતર ખૂલે ત્યાં તો નીકળે એક ઉમંગ,
મધમાખી મૅડમ કહે ચાલો મીઠું મીઠું ગાવ – પતંગિયું…

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે – કૃષ્ણ દવે

June 6, 2014 Leave a comment

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે…

મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું…

દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું…

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે…

અમથું કંઇ આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખેઆખું ચોમાસું લેવાનું…

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો…

આ તે કેવું – કૃષ્ણ દવે

April 28, 2014 Leave a comment

ઝરણાનું દે નામ અને ના આપે વહેવું! આ તે કેવું?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું! આ તે કેવું?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું? આ તે કેવું?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું? આ તે કેવું?

મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું?
વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું! આ તે કેવું?

ચોમાસુ બેઠું – કૃષ્ણ દવે

November 5, 2013 Leave a comment

પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું…

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીયુ વાળા કયે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું…

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈંઆપે? પણ
મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું…

કઇ રીતે ભીંજાવુ એનું લાંબુ લાંબુ ભાષણ દઇને,
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું…

બીજા તો કોરાકટ્ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું…

બે ઘડી વાતો કરી – કૃષ્ણ દવે

October 27, 2013 Leave a comment

બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં…

આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં…

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા…

પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા…

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા…

માણસ છે, બીઝનેસ કરે છે – કૃષ્ણ દવે

December 31, 2012 Leave a comment

પતંગીયાની પાંખો છાપે, માણસ છે, બીઝનેસ કરે છે,
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બીઝનેસ કરે છે…

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બીઝનેસ કરે છે…

સંબંધોની ફાઇલ રાખીને ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બીઝનેસ કરે છે…

શબ્દ, શબ્દને વાટી વાટી, અર્થોનુ કેમીકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બીઝનેસ કરે છે…

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બીઝનેસ કરે છે…

ચક્મક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતા હસતા,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બીઝનેસ કરે છે…

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા ચન્દ્ર ગણાવી,
વાદળ ફુટપટ્ટીથી માપે, માણસ છે, બીઝનેસ કરે છે…

– કૃષ્ણ દવે

પતંગિયું – કૃષ્ણ દવે

September 4, 2011 Leave a comment

પતંગિયું કહે મમ્મી, મમ્મી, ઝટ પાંખો પ્હેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં…

બીજાં કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બૅંચ નથી છે ફૂલ,
લીલી છમ્મ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ,

પહેલાં પિરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે,
ઝાકળનાં ટીપાંઓ જ્યારે દડ દડ દડ દદડે છે;
કિરણો સાથે રમીએ છીએ પકડાપકડી દાવ…

લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ,
બધાં જ દફતર ખૂલે ત્યાં તો નીકળે એક ઉમંગ;
મધમાખી મૅડમ કહે ચાલો મીઠું મીઠું ગાવ,

પતંગિયું કહે મમ્મી, મમ્મી, ઝટ પાંખો પ્હેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં…

 

– કૃષ્ણ દવે

વાંસલડી ડોટ કોમ – કૃષ્ણ દવે

June 24, 2011 Leave a comment

વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

ધારો કે મીરાંબાઈ ડોટ કોમ રાખીએ, તો રાધા રિસાય એનું શું?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક, ફ્લોપી ભિંજાય એનું શું?

પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું?
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત,
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત…

તુલસી, કબીર, સુર, નરસૈયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ,
એને શું વાયરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ?

ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

– કૃષ્ણ દવે