Archive

Archive for September, 2011

દર્પણનું બિંબ – અંકિત ત્રિવેદી

September 30, 2011 Leave a comment

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં…

પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં…

તું પણ બનીને દોસ્ત છોને આવતો ખુદા,
તું પણ જરૂર હશેને ત્યારે આવશે નહીં…

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં…

આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં…

 

– અંકિત ત્રિવેદી

Advertisements

એક ઘા – કલાપી

September 29, 2011 Leave a comment

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં…

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના,
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો,
ક્યાંથી ઊઠે? હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરીને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને…

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને,
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે…

 

– કલાપી

ધરાના વિલયને – હર્ષ બ્રહ્મભટ્ટ

September 28, 2011 Leave a comment

ધરાના વિલયને હું જોતો રહ્યો છું,
શબદને બચાવીને ઊભો રહ્યો છું…

કહો સાંધશે કોણ ઓઝોનને આ?
ગગન બાથમાં લઈને ઊભો રહ્યો છું…

ગયા પીગળી સૌ પહાડો બરફના,
અગનઝાળ ઝીલી હું ઊભો રહ્યો છું…

નથી ક્યાંય જંગલ, ન તો ઘાસ લીલું,
હરણને બચાવી હું ઊભો રહ્યો છું…

નદી તો સુકાઈ ગઈ છે યુગોથી,
હલેસાંને ઝાલી હું ઊભો રહ્યો છું…

 

– હર્ષ બ્રહ્મભટ્ટ

આ કોની મનોરમ દ્રષ્ટિથી – ગની દહીંવાળા

September 27, 2011 Leave a comment

આ કોની મનોરમ દ્રષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું?
ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ…

આ ઈંન્દ્રધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે એમાં ય રમી લીધી હોળી…

છંટાઈ ગયા ખુદ વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું…

કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા?

શી હર્ષાની હેલી કે ધરતીનું કલેવર ભીંજાણું?
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું…

આ રસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે,
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે?

આનંદના ઉઘડ્યા દરવાજા ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું…

 

– ગની દહીંવાળા

ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમા! – ગની દહીંવાળા

September 26, 2011 Leave a comment

મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમા,
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમા!

હસી રહી’તી મંજિલો, તજી ગયો’તો કાફલો, થઇ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો,
ઊઠી ઊઠીને આંધીઓ તિમિ૨ હતી પ્રસારતી, રહી રહીને જિંદગી કોઇને હાક મારતી…

મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમા?
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમા!

ખરી જતાં ગુલાબને હવે ઝીલીશું ખોબલે, ઊડી જતી સુવાસને સમાવી લેશું અંતરે,
ખડા થઇ જશું, વહી જતાં સમયની વાટમાં, ભરીશું હર્ષનો ગુલાલ, શોકના લલાટમાં…

મને થતું કે ફેર કંઇ પડે હ્ર્દયની પ્યાસમા
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમા!

વિકીર્ણ સોણલાંઓને વિવિધ રીતે સજાવશું, ઠરી ગયેલ ઊર્મિને હ્રદય-ઝૂલે ઝુલાવશું,
હવે કદી પવિત્ર જળ ધરા ઉપર નહિ ઢળે, નયન-સમુદ્રથી જગતને મોતીઓ નહિ મળે…

મને થતું : વસાવું આ સુવર્ણને સુવાસમા
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમા!

તમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા? તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા?
ખરું પૂછો તો આદિથી હતી તમારી ઝંખના, અદીઠને અનેકવાર મેં કરી છે વંદના…

મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમા
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમા!

 

– ગની દહીંવાળા

નવા પ્રકાશ વિશે હાક મારીએ આવો – ગની દહીંવાળા

September 25, 2011 Leave a comment

નવા પ્રકાશ વિશે હાક મારીએ આવો!
સૂરજના કાનમાં શબ્દો ઉતારીએ આવો!

મદીલી રાતના સ્વપ્નાઓ છોને નંદવાતા,
સવાર કેવી હશે એ વિચારીએ આવો!

પરંપરાના શયનમાં હે ઉંઘનારાઓ,
સમયને પારખો, અવસરની બારીએ આવો!

ખીલીને પૂષ્પ બને સંકુચિત નજરની કળી,
હ્રદયનાં બાગની સીમા વધારીએ આવો!

હે ખારા નીર! ખમૈયા કરો ખુદા ખાતર,
અમીઝરણ! હવે પાંપણની ઝારીએ આવો!

દિમાગને અને દિલને લગાવીએ કામે,
સમયના સ્કંધથી બોજો ઉતારીએ આવો!

ગની હજીય છે ઓસાણ ઘરના મારગનું,
પુન: પધારીએ, ખુદ આવકારીએ આવો!

 

– ગની દહીંવાળા

મારું ખોવાણું રે સપનું – ગની દહીંવાળા

September 24, 2011 Leave a comment

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું…

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પુછુ તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું…

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી,
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું…

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી,
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનું-છપનું,
મારું ખોવાણું રે સપનું…

 

– ગની દહીંવાળા