Archive

Archive for June, 2012

હું હજી પણ ત્યાં જ ઉભો છું – શોભિત દેસાઈ

June 30, 2012 Leave a comment

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું,
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું…

હતો જે આપણો સબંધ એના ભગ્ન અવશેષો,
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું…

તને આગળ ને આગળ હું સતત જોયા કરું અથવા,
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું…

ચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના કિસ્સા,
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું…

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં,
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું…

– શોભિત દેસાઈ

Advertisements

કોઇ મહેમાન થઇ જાયે – બરકત વિરાણી ‘બેફામ’

June 29, 2012 Leave a comment

ખુદા, ઘરની દશા ના આટલી વેરાન થઇ જાયે,
હું ઇચ્છી પણ શકું નહીં કે કોઇ મહેમાન થઇ જાયે…

પ્રણય તારો બીજા માટે ભલે ઉધાન થઇ જાયે,
મગર મારા નશેમનનુંય એમાં સ્થાન થઇ જાયે…

છે નિસ્તબ યાદ સાથે, યાદ આવો કોઇ પણ રીતે,
રહે નહિ જો તમારો પ્યાર તો અહેસાન થઇ જાયે…

મને આ દુર્દશામાં દોસ્ત, સૌ કંજૂસ રહેવા દો,
નથી હું ચાહતો, મારા દુઃખોનું દાન થઇ જાયે…

વગર મોતે મરું છું એની પાછળ એ જ હેતુ છે,
કબર જેવું જીવનનું કાયમી એક સ્થાન થઇ જાયે…

પીવાની શી જરુરત છે ઓ સાકી, એમને જેઓ,
તરસને કારણે પીધા વિના બેભાન થઇ જાયે…

જગતમાં કોણ એને જીવવા દે આબરુ સાથે,
કે જન્નતમાંય જે ઇન્સાનનું અપમાન થઇ જાયે…

બુલંદીમાં બને છે માનવી એવો અભિમાની,
ફરિશ્તાની જગા પામે તો એ શયતાન થઇ જાયે…

નકામાં લોક સૌ ઘેરી વળ્યાં દીવાનગી જોઇ,
પ્રયોજન તો હતું કેવળ તમારું ધ્યાન થઇ જાયે…

મહોબ્બતમાં મરું હું કઇ રીતે બેફામ એના પર,
મને જે જીવતો રાખે, જે મારો જાન થઇ જાયે…

– બરકત વિરાણી ‘બેફામ’

જાણે મારો એકલાનો છે – ‘મરીઝ’

June 28, 2012 Leave a comment

મને શ્રધ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે,
દુઆ એવી કરું છું જાણે મારો એકલાનો છે…

હવે કોઈ સૂચન આપો કે ક્યાં નીકળી જવું મારે,
કે એ પોતે જ છે દુઃખમાં જે મારા મહેરબાનો છે…

સમયની લાજ રાખી ને ઘડીભર તો તમે આવો,
કે પળભરના ભરોસા પર અહીં આખો જમાનો છે…

કોઈ આ ભેદ ના કહેજો ખુદા ખાતર સમંદરને,
ખુદા કરતાં વધુ વિશ્વાસ મુજને નાખુદાનો છે…

હવે એવી દુઆ છે કે કોઈ જોવા નહીં આવે,
હવે જોવા સમો નકશો અમારી દુર્દશાનો છે…

મરણ સુધરી ગયું મારું ‘મરીઝ’ એના શબ્દોથી,
કે એના બંધ આ હોઠોમાં, ‘મારી દાસ્તાનો’ છે…

– ‘મરીઝ’

Categories: ગઝલ, મરીઝ

મરણની બાદ શું મળશે? – બરકત વિરાણી ‘બેફામ’

June 27, 2012 Leave a comment

અશ્રધ્ધાળુ હ્રદયની મૂંઝવણની બાદ શું મળશેં?
શરણ મળશે ખુદાનું, પણ શરણની બાદ શું મળશેં?

ચમનમાં તો હજીયે જાણ ભાવિની હતી અમને,
ખરી ચિંતા તો આજે છે કે રણની બાદ શું મળશેં?

મળ્યાં તાં સ્વપ્ન જે નિંદ્રા પછી, એ ખોઇ બેઠો છું,
વિચારું છું હવે કે જાગરણની બાદ શું મળશે?

હવે તો તું જ ઉત્તર આપવાને આવે તો સારું,
પૂછે છે દિલ મને તારા સ્મરણની બાદ શું મળશે?

મને અંધકારમાં રાખી ન શકશે આખરી દૃષ્ટી,
હું જાણું છું કે આ છેલ્લા કિરણની બાદ શું મળશે?

તને તો રાહબર, રસ્તા પછી મળશે કોઇ મંઝીલ,
મને કિન્તુ આ થાકેલા ચરણની બાદ શું મળશે?

અસંતોષી નથી હોતા જે સાચા હોય છે પ્યાસા,
મળે પાણી તો નહિ પૂછે ઝરણની બાદ શું મળશે?

વિતાવ્યાં કિન્તુ વરસોનાં વરસ એક જ વિમાસણમાં,
કુતૂહલ તો હતું આ એક ક્ષણની બાદ શું મળશે?

કબરની ઊંધમાં બેફામ જો નહિ સ્વર્ગનાં સપના,
જીવનમાં જે મળ્યું નહિ એ મરણની બાદ શું મળશે?

– બરકત વિરાણી ‘બેફામ’

ભલે ને પ્રેમનું બંધન સદા છે – ‘મરીઝ’

June 26, 2012 Leave a comment

ભલે ને પ્રેમનું બંધન સદા છે,
નીકળવું હોય તો રસ્તા ઘણા છે…

ખુશી જેના મિલનમાં ખાસ નહોતી,
ગયા તો મારા દિલમાં વેદના છે…

નહિંતર સાંભળી હસવા ન લાગું,
કદાચિત મારી આ જૂની કથા છે…

હજી કાચી હશે સમજણ અમારી,
હજી અમને અનુભવ થઈ રહ્યા છે…

હતી પ્રેમાળ તારી બેવફાઈ,
તને ખટકી રહી મારી વફા છે…

‘મરીઝ’ આ હાલ, કે લે બોધ દુનિયા,
હવે કહેજો, અમારો પણ ખુદા છે…

– ‘મરીઝ’

Categories: ગઝલ, મરીઝ

હું પડતો જાઉં છું – બરકત વિરાણી ‘બેફામ’

June 25, 2012 Leave a comment

કેમ ઓ સાકી, હું મસ્તીમાં લથડતો જાઉં છું,
કેફ ચડતો જાય છે કે હું જ ચડતો જાઉં છું…

મેળવું મંઝિલ હું એવી ચાલ આવડતી નથી,
છું સીધા રસ્તા ઉપર તો પણ રખડતો જાઉં છું…

માર્ગ એવો કે નથી પગ મૂકવાની પણ જગા,
ને સફર એવી કે હું નભનેય અડતો જાઉં છું…

એ અધૂરા પણ સુભાગી છે કે જે છલકાય છે,
હું તો ખાલી રહી ગયો છું ને ખખડતો જાઉં છું…

એ જ હંમેશા સતાવે છે મને એવું નથી,
તક મળે ત્યાં એમને હું પણ કનડતો જાઉં છું…

મારી અંગત વાત છે, એમાં બીજાની શી જરૂર,
એકલો ને એકલો હું બબડતો જાઉં છું…

કોઇનો મક્કમ સહારો લઇને સ્થિર થાવું નથી,
એટલે હું આપનો પાલવ પકડતો જાઉં છું…

શત્રુઓ માટે મને કંઇ રસ નથી, ફુરસત નથી,
લાગણીશીલ છું મિત્રો સાથ લડતો જાઉં છું…

માથું ઊંચકવા નથી દેતો બુરાઇને કદી,
માર્ગના કાંટાને પગ નીચે કચડતો જાઉં છું…

ઘાવ કરનારા, તમારા હાથ ના હેઠા પડે,
મારા જીવનને હજી તો હું જ ઘડતો જાઉં છું…

ડર નથી એનો કે રુંધે છે સદા દુનિયા મને,
ડર તો એનો છે, મને ખુદ હું જ નડતો જાઉં છું…

એ જ ખાડો ખોદશે બેફામ મારી કબ્રનો,
આજ જે નિંદા કરે છે કે હું પડતો જાઉં છું…

– બરકત વિરાણી ‘બેફામ’

મને પૂરી દવા ન દે – ‘મરીઝ’

June 24, 2012 Leave a comment

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે…

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે…

મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે…

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે…

એના ઈશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે…

એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગોને જે મારું મુકદર થવા ન દે…

એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે…

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખ્યાલો થવા ન દે…

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માંગવા ન દે…

– ‘મરીઝ’

Categories: ગઝલ, મરીઝ