Archive

Archive for October, 2012

હતા જે પ્રણયની મજાના પ્રસંગો – બરકત વિરાણી ‘બેફામ’

October 31, 2012 Leave a comment

હતા જે પ્રણયની મજાના પ્રસંગો,
હવે થઇ ગયા છે પીડાના પ્રસંગો…

ખરા એ જ તો છે કથાના પ્રસંગો,
બધાથી જે રાખ્યા છે છાના પ્રસંગો…

અમે તો ફક્ત મસ્ત થઇ ભાગ લીધો,
હતા એ બધા તો સુરાના પ્રસંગો…

રડીને અમે સાથ દીધો છે એને,
અમે સાચવ્યા છે ઘટાના પ્રસંગો…

બહુ મોટી તક હોય છે ગુપ્ત એમાં,
ગણો છો તમે જેને નાના પ્રસંગો…

નથી હોતો રસ જેને નિજના જીવનમાં,
જુએ છે સદા એ બીજાના પ્રસંગો…

બધાનાં ખુશી-ગમ હશે એક સરખાં,
ભલેને અલગ હોય બધાના પ્રસંગો…

બન્યા એ જ તારી પ્રતિક્ષાના દિવસો,
હતા જે તને ભૂલવાના પ્રસંગો…

સદા એ રીતે હાથ ખાલી રહ્યો છે,
સદા હોય જાણે દુઆના પ્રસંગો…

જમાનાએ એની જ ઇર્ષ્યા કરી છે,
મળ્યા એક બે જીવવાના પ્રસંગો…

મરીને મેં એક સામટા ઊજવ્યા બેફામ,
જીવનમાં હતા જે કઝાના પ્રસંગો…

– બરકત વિરાણી ‘બેફામ’

Advertisements

બધાં દુઃખના તુફાનોમાં સહારા થઇ ગયાં આંસુ – બરકત વિરાણી ‘બેફામ’

October 30, 2012 Leave a comment

બધાં દુઃખના તુફાનોમાં સહારા થઇ ગયાં આંસુ,
હતાં પાણી છતાં સૌના કિનારા થઇ ગયાં આંસુ…

પડ્યા ધરતી ઉપર જખ્મો તો એના થઇ ગયાં ફૂલો,
રડ્યું આકાશ તો એના સિતારા થઇ ગયાં આંસુ…

જગત સિન્ધુંમાં કેવળ એ જ બિન્દુ થઇ શક્યાં મોતી,
પડ્યાં જળમાં છતાં જળથી જે ન્યારાં થઇ ગયાં આંસુ…

વધારી છે સદા શોભા બધા વેરાન જીવનની,
બધા ઉજ્જડ બગીચાના ફુવારા થઇ ગયાં આંસુ…

લગાડી આગ સળગાવી દીધી હસ્તી સિતમગરની,
બતાવ્યું એનું પાણી ત્યાં તિખારા થઇ ગયાં આંસુ…

નમક છાંટ્યું હશે શાયદ કોઇએ દિલના જખ્મો પર,
કદાચિત એટલા માટે જ ખારાં થઇ ગયાં આંસુ…

મને દુઃખ એ જ છે કે એ હવે વહેતાં નથી બેફામ,
મીંચી મેં આંખ તો કેવાં બિચારાં થઇ ગયાં આંસુ…

– બરકત વિરાણી ‘બેફામ’

રૂઝાઇ નથી શકતાં – બરકત વિરાણી ‘બેફામ’

October 29, 2012 Leave a comment

ફક્ત એથી જ દિલનાં દર્દ સહેવાઇ નથી શકતાં,
કે તારા ઘાવ તારાથીય રૂઝાઇ નથી શકતાં…

હવે ઓ પ્રેમ, પરદો હો ન હો બન્ને બરાબર છે,
એ એવાં દૂર છે મુજથી કે દેખાઇ નથી શકતાં…

ખરો તો આ ભરમ છે, બંધ મુઠ્ઠી રાખનારાઓ,
કે ખુલ્લા હાથ છે ને તોય લંબાઇ નથી શકતાં…

ઘણાંયે તળિયે ચોંટી જાયે છે કાદવ બની જઇને,
બધાંયે પાપ કંઇ ગંગાથી ધોવાઇ નથી શકતાં…

ગમે તેવી કરો તદબીર, પણ તકદીર રહેવાની,
પસીનાથી વિધિના લેખ ભૂંસાઇ નથી શકતાં…

અમારી આ તરસ ને ભૂખનું બસ એ જ કારણ છે,
કે આંસુ પી નથી શકતા કે ગમ ખાઇ નથી શકતાં…

દીપકની રોશની જેવી નડે છે અમને મર્યાદા,
અમે અંધકાર માફક દૂર ફેલાઇ નથી શકતાં…

જીવન જેવી જરૂરત મોતમાં હોતી નથી બેફામ,
કે ખુલ્લા હાથ છે ને તોય લંબાઇ નથી શકતાં…

– બરકત વિરાણી ‘બેફામ’

આવું તો કે જે – અશરફ ડબાવાલા

October 28, 2012 Leave a comment

ધરાનું બીજ છું પણ ફસલમાં આવું તો કે’જે,
નીકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કે’જે…

સમયથી પર થઇને હું ક્ષિતિજની પાર બેઠો છું,
દિવસ કે રાતના કોઇ પ્રહરમાં આવું તો કે’જે…

બદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની,
હું કોઇની કે ખુદ મારી અસરમાં આવું તો કે’જે…

જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને,
વિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કે’જે…

મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે,
હું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કે’જે…

પરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી,
નદીની વાત કે જળની રમતમાં આવું તો કે’જે…

તુ જોજે ફાંસની જેમ જ ખટકવાનો છું છેવટ લગી,
કદી હું ક્યાંય લોહીની ટશરમાં આવું તો કે’જે…

– અશરફ ડબાવાલા

મારા જખમનો ડાઘ એ તારું કલંક છે – બરકત વિરાણી ‘બેફામ’

October 27, 2012 Leave a comment

આખા ગગનની શોભા સમો જે મયંક છે,
એમાંય લોક માની રહ્યાં છે કલંક છે…

એને કમળનું શિલ્પ બનાવે ભલે કોઇ,
કિંતુ જે પંક છે એ બધી રીતે પંક છે…

વિહરું હવે ગમે ત્યાં, ગમે ત્યાં વિરામ લઉં,
પાલવ છે આભનો અને ધરતીનો અંક છે…

દોષિત છું હું કે ખુદ મને શ્રધ્ધા નથી રહી,
તું તો બધે જ છે એને એ પણ નિઃશંક છે…

સૌની નજરથી એને છુપાવું છું એટલે,
મારા જખમનો ડાઘ એ તારું કલંક છે…

દુનિયાની શું કે દિલની યે દોલત મળી નહીં,
બેફામ તો બિચારો બધી રીતે રંક છે…

– બરકત વિરાણી ‘બેફામ’

જેણે દીધી છે ભેટ મને અશ્રુધારની – બરકત વિરાણી ‘બેફામ’

October 26, 2012 Leave a comment

મેં જોઇ લીધી બાગમાં દુનિયા બહારની,
વસ્તી છે ફૂલ કરતાં વધારે તુષારની…

આ જીંદગી તો એના વિના કઇ રીતે વીતે,
ઘડીઓ વીતી રહી છે ફક્ત ઇન્તેજારની…

આ દિલનો મામલો છે, કોઇ ખેલ તો નથી,
બાજી નહીં હું માની શકું એને પ્યારની…

આધારની તલાશ છે મુખ ફેરવો નહીં,
ઓ દોસ્તો, આ શોધ નથી કંઇ શિકારની…

અહિંયા ઉજાગરાની નયનમાં રતાશ છે,
ને આભમાં છવાય છે લાલી સવારની…

એથી વિશેષ તેજ સિતારામાં હોય શું,
શોભા બની રહ્યાં છે ફક્ત અંધકારની…

મનમાં હસી રહ્યો છું હું એની દયા ઉપર,
જેણે દીધી છે ભેટ મને અશ્રુધારની…

થોડી અસર જુદાઇની એનેય જો હોતે,
થઇ ગઇ હોતે અમારી મુલાકાત ક્યારની…

જાણે મરી જવું એ અહીં એક ગુનાહ છે,
બેફામ એમ કેદ મળી છે મઝારની…

– બરકત વિરાણી ‘બેફામ’

એ મહોબ્બતની નિશાની છે, તમારું દર્દ છે – બરકત વિરાણી ‘બેફામ’

October 25, 2012 Leave a comment

એ મહોબ્બતની નિશાની છે, તમારું દર્દ છે,
એટલા માટે તો મારા દિલને પ્યારું દર્દ છે…

એ જ કેવળ એ જ મારા દિલમાં તારું દર્દ છે,
સર્વ દર્દોમાં સતત જે એકધારું દર્દ છે…

જ્યારે સૌનું દર્દ લાગે કે તમારું દર્દ છે,
માનજો કે આ જગતમાં એ જ સારું દર્દ છે…

એમ સમજીને મેં એને દિલમાં આપી છે જગા,
કોઇ અપનાવે નહી એવું બિચારું દર્દ છે…

છે હજી તો પ્રેમનો આરંભ, માણી લો મજા,
કે પછી તો એની પાછળ આવનારું દર્દ છે…

વીતતી પ્રત્યેક પળ પીડા વધારે છે અહીં,
આ પ્રતિક્ષા છે કોઇની કે નઠારું દર્દ છે…

કોઇને પણ કાંઇ પણ જેની દવામાં રસ નથી,
આખી આ દુનિયામાં એવું માત્ર મારું દર્દ છે…

યાદ મારી આવશે બેફામ ત્યાં રડશે બધાં,
મોતનીયે બાદ મારું જીવનારું દર્દ છે…

– બરકત વિરાણી ‘બેફામ’