Archive

Archive for May, 2011

થાકી જશો – ‘આદિલ’ મન્સૂરી

May 31, 2011 Leave a comment

થાકી જશો શરીરની સાથે ફરી ફરી,
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો…

મિત્રો ને શત્રુઓથી બચી નીકળો પછી,
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો…

મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી,
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો…

મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું,
માથે સતત હગાર નહીં જીરવી શકો…

– ‘આદિલ’ મન્સૂરી

Advertisements

અમે ન્યાલ થઈ ગયા – ‘અદમ’ ટંકારવી

May 30, 2011 Leave a comment

લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા…

શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા…

ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા…

યુગયુગની તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા…

છેવટનાં બંધનોથીયે મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા…

છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા…

સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માંગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા…

– ‘અદમ’ ટંકારવી

હે કૃષ્ણ – અજ્ઞાત

May 29, 2011 Leave a comment

હે કૃષ્ણ, હવે દુનિયામાં એક વાર આવી તો જો…

ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી,
આ રસ્તાની ગાયો હઠાવી તો જો…

ચૌદમે વર્ષે તે મામા કંસને માર્યો,
બિન લાદેનને આંગળી અડાડી તો જો…

ચીર પુરયા તે દ્રૌપદીનાં,
મલ્લિકાને દુપટ્ટો પહેરાવી તો જો…

ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી,
કોલેજની એક છોકરી પટાવી તો જો…

સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો,
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો…

હે કૃષ્ણ, હવે દુનિયામાં એક વાર આવી તો જો…

– હું નથી જાણતો

ચાલ્યાં કરે – સલીમ શેખ ‘સાલસ’

May 28, 2011 Leave a comment

ધૂપ છે, છાંવ છે ચાલ્યા કરે,
ઝાંઝવાં છે, નાવ છે ચાલ્યા કરે…

આંખ ભીની થાય શું કારણ વગર?
બસ જરા લગાવ છે, ચાલ્યા કરે…

ગત સમયના ધૂંધળા નકશા ઉપર,
સાવ લીલા ઘાવ છે, ચાલ્યા કરે…

આ ક્ષણોનો કાફલો ચાલ્યો હવે,
આ કશીયે રાવ છે, ચાલ્યા કરે…

ને સમય થંભી ગયો એવું કહી,
આજ મારો દાવ છે, ચાલ્યા કરે…

– સલીમ શેખ ‘સાલસ’

તમે જો નીકળો રણથી – ‘આદિલ’ મન્સૂરી

May 27, 2011 Leave a comment

તમે જો નીકળો રણથી, તો ઝાકળની નદી મળશે,
બધી સદીઓ ઉલેચાશે પછી, પળની નદી મળશે…

તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે,
તમે જો હાથ લંબાવો તો, ઝળહળની નદી મળશે…

સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જશે,
નિરાશાના અતલ ઊંડાણે, વાદળની નદી મળશે…

પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે,
મરણના રૂપમાં જ્યારે, મહાછળની નદી મળશે…

તમે મુક્તિનો જેને ધોધ સમજી ઝંપલાવો છો,
સપાટી નીચે તમને ત્યાં જ, સાંકળની નદી મળશે…

તમારા લોહીની શાહી જ સૂકાઈ જશે ‘આદિલ’,
પછી તો ઘેર બેઠા તમને, કાગળની નદી મળશે…

– ‘આદિલ’ મન્સૂરી

સીધો પરિચય છે – ‘સૈફ’ પાલનપુરી

May 26, 2011 Leave a comment

અમારી જીંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે, ને હસવામાં અભિનય છે…

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાંજ તન્મય છે…

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચુપ છું પણ,
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે…

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો!
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે…

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે…

– ‘સૈફ’ પાલનપુરી

મહોબ્બતમાં હવે – બરકત વિરાણી ‘બેફામ’

May 25, 2011 Leave a comment

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે…

દીધો’તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ, વધુ જોખમ અહીં તો ઓળખાણે છે…

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે…

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે?…

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય! તારી શરાણે છે…

જીવનના ભેદભાવો છે, મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે…

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે…

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં, તો બેય તાણે છે…

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે…

– બરકત વિરાણી ‘બેફામ’