Archive

Archive for March, 2012

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે – બરકત વિરાણી ‘બેફામ’

March 31, 2012 Leave a comment

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે,
તું નયન સામે નથી તો પણ મને દેખાય છે…

જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે,
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે…

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાયે છે,
શોધમાં નીકળું છું હું ત્યારે જ એ સંતાય છે…

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે…

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે…

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારા ભર્યો,
લાગે છે કે આપની છાયા બધેજ પથરાય છે…

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે…

પ્યાર કરવો એ ગુન્હો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે…

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે…

છે અહીં બેફામ કેવળ પ્રાણની ખુશ્બુ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે…

– બરકત વિરાણી ‘બેફામ’

Advertisements

અજાણી થઇ ગઇ આંખો – બરકત વિરાણી ‘બેફામ’

March 30, 2012 Leave a comment

મને જોયા કરે છે સૌ, એ કોઇને નથી જોતી,
કે હું જો થઇ ગયો પાગલ તો શાણી થઇ ગઇ આંખો…

એ મારી ભૂલ કે એને તમે ઠેબે ચડાવી છે,
બિછાવી માર્ગમાં તો ધૂળધાણી થઇ ગઇ આંખો…

મજા એની હવે તો પહેલાં કરતાં પણ વધારે છે,
ભલે જૂની સૂરા જેવી પુરાણી થઇ ગઇ આંખો…

જુએ છે કોઇને જો પ્રેમ કરતાં તો નથી ગમતું,
અનુભવ મેળવી ને જુનવાણી થઇ ગઇ આંખો…

રહે છે દ્રશ્ય કુદરતનાં બધાં એની જ સેવામાં,
સુભાગી છે સકળ દુનિયાની રાણી થઇ ગઇ આંખો…

બધા એવે સમયે બેફામ મોં જોવાને આવ્યા છે,
કે જ્યારે આખી દુનિયાથી અજાણી થઇ ગઇ આંખો…

– બરકત વિરાણી ‘બેફામ’

નથી ગમતું – ખલીલ ધનતેજવી

March 29, 2012 Leave a comment

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને…

એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે,
ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને…

આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને…

આમ તો કૂદી પડું છું હું પરાઇ આગમાં,
મારું પોતાનું જ દુ:ખ સહેવું નથી ગમતું મને…

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઇ પણ કહેવું નથી ગમતું મને…

– ખલીલ ધનતેજવી

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું – ખલીલ ધનતેજવી

March 28, 2012 Leave a comment

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું…

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું…

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું…

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું…

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું…

ખલીલ આવીશ તો કહે જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું…

– ખલીલ ધનતેજવી

ગાંડપણ માંગ્યું – ભીખુભાઈ ચાવડા ‘નાદાન’

March 27, 2012 Leave a comment

વિધાતાથી ઘણી રકઝક કરી એક જ રટણ માગ્યું,
તમારો પ્રેમ માગ્યો, રાત માગી, જાગરણ માગ્યું…

યુવાનીની ખરી કિંમત સમજવા બાળપણ માગ્યું,
યુવાનીની જ છાયામાં જીવન માગ્યું, મરણ માગ્યું…

બધાં છલબલ થકી નિર્લેપ રહેવા ભોળપણ માગ્યું,
વિના સંકોચ જે દેખાય તે અંત:કરણ માગ્યું…

પ્રણયની વાતમાં બુદ્ધિ ઉપર દિલનું ચલણ માગ્યું,
અને દિલબરનું મુજ પ્રત્યે ગમે તેવું વલણ માગ્યું…

જગત આ હો, અગર જન્નત, અગર દોઝખ, ગમે તે હો,
ખુદા પાસે અમે મહેફિલ તણું વાતાવરણ માગ્યું…

પછી સોહમ તણા ગેબી મને પડઘાઓ સંભળાયા,
પરમઆત્મા થકી આત્માનું જ્યાં એકીકરણ માગ્યું…

અમે ‘નાદાન’ રહીને વાત કહેવા માણસાઈની,
ગણો તો શાણપણ માગ્યું, ગણો તો ગાંડપણ માગ્યું…

– ભીખુભાઈ ચાવડા ‘નાદાન’

માણસ વચ્ચે માણસ – નાઝીર દેખૈયા

March 26, 2012 Leave a comment

માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું,
વહેંચણ વચ્ચે વહેંચણ થઈ વહેચાઈ ગયેલો માણસ છું…

એ જ અમારું યૌવન છે ભીનાશ તમારા આંગણની,
વાદળની ઝરમર થઈ પથરાઈ ગયેલો માણસ છું…

દર્દોને રાહત છે તો ઉપચાર જરુરી કોઈ નથી,
દુનિયાનાં ઝખમો જીરવી રુઝાઈ ગયેલો માણસ છું…

યત્ન કરો જો મનાવવાના તરત જ માની જઉં,
અમથો અમથો આદતવશ રીસાઈ ગયેલો માણસ છું…

‘નાઝીર’ એવો માણસ છું જે કેમે કરી વિસરાય નહીં,
જાતને થોડી ખર્ચીને ખર્ચાઈ ગયેલો માણસ છું…

– નાઝીર દેખૈયા

એમ ના સમજો કે એ મારાથી જીરવાયું નહીં – નાઝીર દેખૈયા

March 25, 2012 Leave a comment

એમ ના સમજો કે એ મારાથી જીરવાયું નહીં,
પણ તમારું હેત મારી આંખોમાં સમાયું નહીં…

એમને જોયા પછીની મારી આ દશા કાયમ રહી,
કોઇ પણ વાતાવરણમાં મન પરોવાયું નહીં…

તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું,
બહારનાં ઘોંઘાટમાં મને કશું સંભળાયું નહીં…

ઝાંઝવા પાછળ ભટકનારાની શી હાલત થઇ?
બે કદમ પાણી હતું પણ તરસ્યાથી દોડાયું નહીં…

મેં જ મારી આંખોથી જોઇ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં…

કોણ જાણે શું કરી બેઠા મુજ દિલ મહીં?
ખુદ મસીહાથી મારું દર્દ પરખાયું નહીં…

– નાઝીર દેખૈયા