Archive

Archive for November, 2011

સાચવી રાખો – મનોજ ખંડેરીયા

November 30, 2011 Leave a comment

મૌગ્ધ્ય ચોપાસ સાચવી રાખો,
કાવ્યનો શ્વાસ સાચવી રાખો…

બીજી ઝળહળની ક્યાં જરૂરત છે?
સાંધ્ય અજવાશ સાચવી રાખો…

ઊકલી જાશે બધા જ પ્રશ્નો પણ,
થોડો વિશ્વાસ સાચવી રાખો…

તૂટવા દે ન તું અરીસાને,
આછો આભાસ સાચવી રાખો…

ખૂબ ભરચક કદી થવા માટે,
ખાલીપો ખાસ સાચવી રાખો…

આવશે કામ જીંદગીમાં નિત,
આંસુ નિશ્વાસ સાચવી રાખો…

લાગશે કામ બીજી ગઝલોમાં,
જે બચ્યા પ્રાસ સાચવી રાખો…

– મનોજ ખંડેરીયા

Advertisements

પ્રિયતમાનું વર્ણન – સૈફ પાલનપુરી

November 29, 2011 Leave a comment

એક દી’ એમણે પોતે જાતે કહ્યું, ‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો,
મારા વિશે જરા થોડા રૂપક કહો, થોડી ઉપમાઓનું આજ સર્જન કરો…

કેવી હાલત ભલા થઇ હશે એ સમયે, એ તો દિલવાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રિશ્તો કદી, એ જ સમજી શકે, એ જ જાણી શકે…

કોક બીજાની હોતે જો આ માંગણી, હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત,
આ સભા દાદ દઇ દઇને થાકી જતે, એવા સાહિત્યનું આજ સર્જન કરત…

પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા, એ જ રૂપક જો ચાહે તો હું શું કરું?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે, એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું?

તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું, છો રૂપાળા તમે, ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે, ચાલ બહુ ખૂબ છે, અંગે અંગે છો નખશીખ પ્યારા તમે…

કેવી સીધીને સાદી હતી વાત આ, કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા,
બોલ્યા કેવા મજાના છો શાયર તમે, કેવુ સારું ને મનગમતું બોલી ગયા…

– સૈફ પાલનપુરી

બદનામ નથી – ‘શુન્ય’ પાલનપુરી

November 28, 2011 Leave a comment

એ પ્રેમની ઈજ્જત કોડી છે, જે પ્રેમ જગે બદનામ નથી,
ઊઠ ચાલ દિવાના! બુદ્ધિ હો ત્યાં આપણું કોઈ કામ નથી…

અફસોસ! પરિવર્તન! તારી આ છેડ મદિરા – ભક્તોથી?
મસ્તીની દશામાં જોયાં’તાં એ રંગ નથી એ જામ નથી…

દુનિયાનો ભરોસો કરનારા! છે ધન્ય આ તારી દ્રષ્ટિને!
મૃગજળથી તમન્ના પાણીની કૈં જેવું તેવું કામ નથી…

રહેવા દો વિચારોમાં એને આપો નહિ તસ્દી નજરોને,
એ સૂક્ષ્મ જગતના વાસીનું, આ સ્થૂળ જગતમાં કામ નથી…

એક આશ હજુયે રાખું છું, મતલબ કે ખરેખર શૂન્ય જ છું,
એ નામ અભાગી છે મારું જે નામનો શુભ અંજામ નથી…

– ‘શુન્ય’ પાલનપુરી

ખુદા તારી કસોટીની પ્રથા – બરકત વિરાણી ‘બેફામ’

November 27, 2011 Leave a comment

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
સારા હોય છે એની દશા સારી નથી હોતી…

ખૂબી તો એ કે ડૂબી જાઉં તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી…

જગતમાં સર્વને કહેતા ફરો નહી કે દુઆ કરજો,
ઘણાં એવાય છે કે જેની દુઆ સારી નથી હોતી…

કબરમાં જઈને રહેશો તો ફરીશ્તાઓ ઉભા કરશે,
અહીં ‘બેફામ’ કોઈ પણ જગા સારી નથી હોતી…

– બરકત વિરાણી ‘બેફામ’

સમય થંભી ગયો – ‘આદિલ’ મન્સૂરી

November 26, 2011 Leave a comment

મૃત્યુનાં મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,
સેંકડો જન્મોની છાયા જીંદગીના રણ સુધી…

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી…

બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને,
સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી…

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,
મારો ચ્હેરો સાથ ન આપે મને દર્પણ સુધી…

કાંકરી પૃથ્વીની ખૂંચે છે પગે પગ ક્યારની,
આભની સીમાઓ પૂરી થાય છે ગોફણ સુધી…

કાળનું કરવું કે ત્યાં આદિલ સમય થંભી ગયો,
જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી…

– ‘આદિલ’ મન્સૂરી

જીવન-મરણ છે એક – ‘મરીઝ’

November 25, 2011 Leave a comment

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું, હું તેથી જીવંત છું…

ખુશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું…

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું…

બંને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું,
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું…

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું…

રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’,
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું…

– મરીઝ

Categories: ગઝલ, મરીઝ

જે સપનું ચાંદનીનું – શેખાદમ આબુવાલા

November 24, 2011 Leave a comment

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે,
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે…

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર,
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે?

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના,
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે…

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું,
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે…

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતાં,
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે…

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને,
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે…

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં,
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે…

– શેખાદમ આબુવાલા