Archive

Archive for August, 2011

કોણ માંગે – મેઘબિંદુ

August 31, 2011 Leave a comment

કોણ માંગે છે અહીં વળતર હવે
લાગણીનું થઈ રહ્યું ગળતર હવે…

જિંદગીને સાથ તારો જોઈએ
ઓ સમજ જલદીથી તું અવતર હવે…

તું ભરોસે ક્યાં સુધી તો ચાલશે
જીવવા માટે થજે પગભર હવે…

ઝાંઝવાં દેખાય છે સંબંધમાં
ઊજવાશે કઈ રીતે અવસર હવે…

કોઈ રમવા આવશે ના સાથમાં
ચાલ રમીએ આપણે ઘરઘર હવે…

 

– મેઘબિંદુ

Advertisements

નવું વર્ષ – અંકિત ત્રિવેદી

August 30, 2011 Leave a comment

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
હું કંઈ પણ ના બોલું પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય…

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય…

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય…

 

– અંકિત ત્રિવેદી

પતંગ – દામોદર ખુશાલદાસ બોટાદકર

August 29, 2011 Leave a comment

કંઈક કરતાં તૂટે, તૂટો હવે દ્રઢ દોર આ!
હૃદય સહસા છૂટે, છૂટો કુસંગતિથી અહા!

પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે!
તન ભટકતાં સિંધુ કેરા ભલે હૃદયે ભળે…

ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે,
ગિરિકુહુરની ઊંડી ઊંડી શિલા પર છો પડે…

મૃદુલ ઉરમાં ચીરા ઊંડાં ભલે પળમાં પડે,
જીવન સઘળું ને એ રીતે સમાપ્ત ભલે બને…

પણ અધમ આ વૃતિ કેરો વિનાશ અહા થશે,
પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે…

રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે,
ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે…

 

– દામોદર ખુશાલદાસ બોટાદકર

‘લીલા’ – આસિમ રાંદેરી

August 28, 2011 Leave a comment

એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી;
જેને સમજો છો કિનારો એ તો કિનારો તો નથી…

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી;
ભાસ કેવળ છે બહારોનો બહારો તો નથી…

એ ખજાનો છે ગગન કેરો અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દર નો સિતારો તો નથી…

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વંદન?
સ્હેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી…

માત્ર મિત્રોનું નહીં, દુનિયાનું દરદ છે દિલમાં,
કોઈનો મારી મહોબ્બત પર ઇજારો તો નથી…

દિલના અંધકારમાં આ ચાંદની ક્યાંથી ખીલી!
ચંદ્રમુખ ! એ મહીં કંઈ હાથ તમારો તો નથી?

મુજને મઝધારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંજિલ, આ કિનારો તો નથી…

મુજને દુનિયાય હવે તારો દીવાનો કે’ છે,
એમાં સંમત તારી આંખોનો ઈશારો તો નથી?

હું ય માનું છું નથી, ક્યાંય એ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી?

પ્રેમના પત્ર, હરીફોના તમે વાંચો ભલે,
એમાં જોજો મારી ગઝલોનો તો ઉતારો તો નથી!

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો, ‘આસિમ’!
મારી ‘લીલા’, મારી તાપીનો કિનારો તો નથી…

 

– ‘આસિમ’ રાંદેરી

થોભવાનો થાક – સુરેશ દલાલ

August 27, 2011 Leave a comment

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય,
હવે પંથ મારો ચાલે તો ચાલુ…

પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર,
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું…

વેદનાનું નામ ક્યાંય હોય નહિં એમ જાણે
વેરી દઉં હોશભેર વાત…

જંપ નહિં જીવનએ આ એનો અજંપો,
ને ચેનથી બેચેન થાય રાત…

અટકે જો આંસુ તો ખટકે; ને લ્હાય મને,
થીજેલાં બિંદુઓ જો ખાળું!

સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાન્ત હું અવાક…

આઘે જવાના કોઇ ઓરતા નહિં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક…

આંખડીના પાણીને રોકી રોકીને, કહો-
કેમ કરી સ્મિતને સંભાળું?

 

– સુરેશ દલાલ

બતાવ્યાં છે – રમેશ પારેખ

August 26, 2011 Leave a comment

મને તેં ઝાંઝવાં, તૃષા ને રણ બતાવ્યાં છે,
તને મેં છાંયો, નદી ને હરણ બતાવ્યાં છે…

ફૂલો દઈને મારા પ્રેમને તેં સત્કાર્યો,
તો કાંટા દઈને મારા વાંક પણ બતાવ્યાં છે…

બાગમાં મારા બુઢાપાથી થૈ જઉં હું ઉદાસ,
તો સામે તેં જ હસતાં બાળપણ બતાવ્યાં છે…

દર્દ, નિષ્ઠા, સમજ ને લાગણી-પરાયણતા,
ષંઢ શબ્દોને આ વાજિકરણ બતાવ્યાં છે…

કરું છું હે ખુદા! ઇન્કાર તારી રહેમતનો,
મને તેં કેટલાં નિર્દય મરણ બતાવ્યાં છે!

પ્રેમ ઉપચાર કરશે, રાખ તું ભરોસો, રમેશ,
તેં એને ઝખ્મી થયેલાં ચરણ બતાવ્યાં છે…

 

– રમેશ પારેખ

ટેરવાં – મનોજ ખંડેરીયા

August 25, 2011 Leave a comment

ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં…

આયનો ફૂટ્યાથી શું વળ્યું,
પથ્થરો ભોંઠા પડી ગયાં…

કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં…

દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં…

શું ખબર એ શહેર ક્યાં હતું,
મીણના નકશા ગળી ગયાં…

લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં…

 

– મનોજ ખંડેરીયા