Home > કવિતા, ગઝલ, ગની દહીંવાળા > ફૂલદાની – ગની દહીંવાળા

ફૂલદાની – ગની દહીંવાળા

October 5, 2014

વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને…

તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને…

તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને…

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને…

સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને…

મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો!
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને…

બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને…

ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને…