Archive

Archive for December, 2013

ગઝલ દમદાર હોય છે – જલન માતરી

December 28, 2013 Leave a comment

જેને ખુદાની સાથે વધુ પ્યાર હોય છે,
એ હોય છે ગરીબ ને લાચાર હોય છે…

એના ઉપર તો જીતનો આધાર હોય છે,
મરવાને માટે કેટલા તૈયાર હોય છે…

ઊડતા રહે છે ચોતરફ કોઈ રોક-ટોક વિણ,
આકાશમાં જે પંખીઓ ઊડનાર હોય છે…

વ્યક્તિને જોઈને એ ખૂલી જાય છે તરત,
દ્વારો ઘણી જગાના સમજદાર હોય છે…

હદમાં રહીને જીવવા જે માગતી નથી,
એવી જ વ્યક્તિઓ બધી હદપાર હોય છે…

કરશે ગુનાઓ માફ સૌ અલ્લાહ એટલે,
પાપોની લીલા મારી લગાતાર હોય છે…

એનાથી બચવા માટે પ્રયત્નો કરે છે સૌ,
મરવાને માટે આમ સૌ હકદાર હોય છે…

એના ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું?
સોમાંથી એંસી આજે ગઝલકાર હોય છે…

થોડી લખું છું વર્ષોથી તેથી તો ઓ ‘જલન’,
ચોટીલી મારી સૌ ગઝલ દમદાર હોય છે…

– જલન માતરી

Advertisements

તમે થોડું ઘણું સમજો તો સારું – હરિન્દ્ર દવે

December 24, 2013 Leave a comment

તમે થોડું ઘણું સમજો તો સારું,
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું…

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ,
એની અણધારી ચોટ ઉરે લાગી,
જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી,
એની ભ્રમણામાં રાતભર જાગી,
ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ – તમે થોડું…

આપણી તે મેડીએ રે આપણ બે એકલા,
ને ફાવે તેવી તે રીતે મળજો,
મોટા નાનામાં મારે નીચા જોણું છે,
રહો અળગા કે વાટ ના આંતરજો,
મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ – તમે થોડું…

આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે – હેમંત પુણેકર

December 20, 2013 Leave a comment

મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે,
એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે…

દ્રશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી,
આપણી દ્રષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે…

આંખના કાંઠે તો બસ બે ચાર બિન્દુ ઊભરે,
મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે…

સૂર્ય શો હું, આથમીને સત્ય એ સમજી શક્યો,
માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે…

નામ પાછળ જીંદગીભર દોડવું એળે જશે,
આખરે જે જાય છે એ તો ‘ન-નામી’ હોય છે…

– હેમંત પુણેકર

મળવા આવવું પડશે – ભરત ભટ્ટી

December 18, 2013 Leave a comment

ખારો છું છતાં મુજને મળવા આવવું પડશે,
મીઠા તુજ જળને ભળવા આવવું પડશે…

પીડા આ વધીને થાય હજુ બમણી એવું,
ઔષધ આ જખમ પર લગાવવું પડશે…

અળવીતરું મન હઠ લઇ બેઠું છે આપનું,
સપનામાં બે ઘડી તમારે આજ આવવું પડશે…

વધારવી હોય શાખ જો આ મયકદાની,
જાતને જામ સાથે આજ બહેકાવવી પડશે…

શાશ્વત શાંતિ કેવળ મઝાર જ આપી શકે,
રઝળીને થાકેલા જીવને એ સમજાવવું પડશે…

કેમ ન હોય ચહેરા પર રોનક અનેરી દોસ્ત?
આવી ચડે મૃત્યુ તો હસતા મોંએ વધાવવું પડશે…

– ભરત ભટ્ટી

સવાલ નથી – મનહર મોદી

December 15, 2013 Leave a comment

એ અહીં છે અને સવાલ નથી,
ને છતાં હોય તો ખયાલ નથી…

મેં મને ને તને જ સમજાવ્યો,
તું કહે એ જ તારી ચાલ નથી?

હું નથી એ તો સાવ સાચું છે,
તું નથી એમાં કોઈ માલ નથી…

આમ ઢાંકે અને ઉઘાડે છે,
રેશમી શ્વાસ છે રુમાલ નથી…

કોણ ચોરી ગયું તપાસ કરો,
એક ઘરમાં કોઈ દીવાલ નથી…

– મનહર મોદી

મૂકી ગયો છું હું – જિગર જોષી ‘પ્રેમ’

December 13, 2013 Leave a comment

ઘણા ચહેરા, ઘણી વાતો ઘણું મૂકી ગયો છું હું,
અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું…

ઘણી મશહુર છે સ્ટોરી, ટપકતી છત હતો પહેલાં,
પછી વરસ્યો ઘણો વરસાદ ને તૂટી ગયો છું હું…

વિચારું છું હજી ભીનાશ જેવું શું હશે અંદર?
નહીં તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું…

અરે હું ચાંદ છું પૂનમ તણો જાણે છે આખું જગ,
અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું…

વટાવી ગઈ હદો સઘળીય મજબૂરી અમારી કે
હતું મારૂં જ એ ઘર ‘પ્રેમ’ ને લૂટી ગયો છું હું…

– જિગર જોષી ‘પ્રેમ’

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી – અનિલ જોશી

December 9, 2013 Leave a comment

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો…

પંખી સહિત હવા ચાતરીને જાય, એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં, પણ મારામાં ઝાડ હજી જાગે…

માળામાં ગોઠવેલી સળી હું નથી, મને વીજળીની બીક ના બતાવો…

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય, કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય, પડવાને છે કેટલી વાર?

હું બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવો…

– અનિલ જોશી