Archive

Archive for August, 2012

આ મોહબ્બત છે, કે છે એની દયા – ‘મરીઝ’

August 31, 2012 Leave a comment

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી,
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી…

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ,
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી…

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી…

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી…

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’,
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી…

– ‘મરીઝ’

Categories: ગઝલ, મરીઝ

જીન્દગીના અશ્રુઓ – બરકત વિરાણી ‘બેફામ’

August 30, 2012 Leave a comment

એમ મળવા જોઇતા તા દિલ્લગીનાં અશ્રુઓ,
જેમ નીકળે છે બહુ હસવા પછીનાં અશ્રુઓ…

તારા પાલવમાં જરીના વેલબુટ્ટા થઇ જશે,
તું જરા તો ઝીલ મારી લાગણીનાં અશ્રુઓ…

મયકદામાં જઇને પી આવ્યો, છે આ એનો નશો,
મેં વહાવ્યાં નહિ જે મારી ગમગીનીનાં અશ્રુઓ…

કોઇ પણ ઉપચારની મારે નથી કંઇયે જરુર,
છે દવા જેવાં જ મારી માંદગીનાં અશ્રુઓ…

મુખ બતાવી આપ છૂપાઇ ગયા છો જ્યારથી,
શોધવા નીકળી પડ્યાં છે આંખડીનાં અશ્રુઓ…

ઓ ખુદા, એ મારા રુદનને તું કાયમ રાખજે,
મારી આંખોથી વહે જ્યારે ખુશીનાં અશ્રુઓ…

એટલા માટે જ તો એ કિંમતી કહેવાય છે,
હોય છે કોઇને કોઇ મુફલિસીનાં અશ્રુઓ…

કલ્પના સમજે એ સાગરમાં જેને જોઇ લે,
મોતી છે સાચે જ કોઇ વાદળીના અશ્રુઓ…

લોક પોતાના રૂમાલો પર લૂછે છે હોંશથી,
રંગ અત્તર થઇને લાવે છે કળીનાં અશ્રુઓ…

અંધકારે એને જોશો તો એ દેખાશે નહીં,
ઝાંઝવાનાં જળ રૂપે છે રોશનીનાં અશ્રુઓ…

કામ એ આવત મને બેફામ મારા મોત પર,
મેં બચાવ્યાં હોત મારી જીન્દગીના અશ્રુઓ…

– બરકત વિરાણી ‘બેફામ’

પર્વતોમાં પાતળું પોલાણ પણ હશે – ધૂની માંડલિયા

August 29, 2012 Leave a comment

પર્વતોમાં પાતળું પોલાણ પણ હશે,
બેવફા કોરી નદીની તાણ પણ હશે…

માછલી તું મોજથી હરફર કરી શકે,
એટલું તો ઝાંઝવે ઊંડાણ પણ હશે…

મૂઠ દાણા જોઈ પંખી એ ભૂલી ગયું,
આટલામાં પીંજરું ને બાણ પણ હશે…

આંખથી તો ક્યારના એ નીકળી ગયા,
આંસુઓનું માર્ગમાં રોકાણ પણ હશે…

કેટલીયે વાર સામે હું રડી ગયો,
દર્પણોને પૂછો એને જાણ પણ હશે…

– ધૂની માંડલિયા

ખૂંચી રહ્યું છે છે કાળજે કોઇ કટાર જેમ – બરકત વિરાણી ‘બેફામ’

August 28, 2012 Leave a comment

ખૂંચી રહ્યું છે છે કાળજે કોઇ કટાર જેમ,
લાગે છે એણે સ્મિત કર્યું હતું પ્રહાર જેમ…

મારી જ પાસ આવ્યાં હતાં એ સવાર જેમ,
ખુદ હું જ દૂર ચાલ્યો ગયો અંધકાર જેમ…

એને જ હાથે દિલનું દરદ વધતું જાય છે,
ફળતી ન હોય એવી કોઇ સારવાર જેમ…

મનમાં ઘણીય વાત છે, કોને કહું મગર,
વાગી રહ્યો છું જાણે કે તૂટેલ તાર જેમ…

વેરાન કરવું હોય જીવનને જતાં જતાં,
તો આવશો ન આપ ફરીથી બહાર જેમ…

બોલીશ તો હું પહોંચી જવાનો ખુદા સુધી,
ખામોશ છું પરંતુ હ્રદયની પુકાર જેમ…

દુઃખની દશા છે મારી છતાં સુખમાં સ્થાન છે,
બેસી ગયો છું ફૂલ ઉપર હું તુષાર જેમ…

આ કોણ મારે પંથે બિછાવે છે કંટકો,
ખૂંચી રહ્યો છું કોની નજરમાં હું ખાર જેમ…

મારી દશામાં કોઇ હવે ફેરફાર ક્યાં,
સ્થિર થઇ ગયો છું એના હવે ઇંતેઝાર જેમ…

કાજળ બનીને કોણ કલંકિત જીવન જીવે,
નીકળી ગયો છું આંખથી હું અશ્રુધાર જેમ…

માનો તો સર્વ કાંઇ છું, સમજો તો કંઇ નથી,
જીવી રહ્યો છું હું તો હવે એના પ્યાર જેમ..

દિલમાં નહીં તો દિલની ઉપર દે જગા મને,
હૈયાનો હાર નહીં તો ગળા પરના હાર જેમ…

મારી દુઆ ફળી ન શકી એનું દુઃખ હશે,
નભને વરસતું જોઉં છું હું અશ્રુધાર જેમ…

બેફામ સાચા અર્થમાં માટીનો ઢેર છું,
ધરતી ઉપર પડ્યો છું હવે હું મઝાર જેમ…

– બરકત વિરાણી ‘બેફામ’

હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે – વિનય ઘાસવાલા

August 27, 2012 Leave a comment

હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે,
હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે…

પિતાની આંગળી છોડી હું શીખ્યો ચાલતાં જ્યારે,
ખોવાયું શહેરમાં મારું એ બચપણ યાદ આવે છે…

એ પાદર ગામનું ને ડાળ વડલાની હજીયે છે,
ને ઘરને ટોડલે બાંધેલ તોરણ યાદ આવે છે…

લઈને ગોદમાં સાંજે મને મા બેસતી જ્યાં,
એ રસ્તા ધૂળીયા ને ઘરનું આંગણ યાદ આવે છે…

કદી ભાઈની સાથે નાની અમથી વાત પર લડવું,
ગળે વળગી પછી રડવાની સમજણ યાદ આવે છે…

ઘણી વાતો છે એવી જેમનાં કારણ નથી હોતાં,
મેં છોડ્યું ગામ શા માટે એ કારણ યાદ આવે છે…

– વિનય ઘાસવાલા

નિષ્ફળ પ્રણયનાં બે જ કેવળ નામ છે – બરકત વિરાણી ‘બેફામ’

August 26, 2012 Leave a comment

ઓ હ્રદય, નિષ્ફળ પ્રણયનાં બે જ કેવળ નામ છે,
ચૂપ રહે તો આબરૂ છે, બોલે તો ઇલ્ઝામ છે…

હું તો જીવ્યે જાઉં છું જીવન કોઇ તૃષ્ણા વિના,
કોને પરવા છે ભરેલો છે કે ખાલી જામ છે…

દર્દ ઉપચારક સુધી મેં પહોંચવા દીધું નથી,
સૌને હું કહેતો રહ્યો છું કે મને આરામ છે…

જોઉં છું જો કોરા કાગળને તો લાગે છે મને,
જે નથી તેં પાઠવ્યો એવો કોઇ પયગામ છે…

થાય છે સંકોચ એનો એ જ, જ્યાં મળીએ છીએ,
પ્રેમના આરંભ જેવો પ્રેમનો અંજામ છે…

આંખથી જે અશ્રુ સરકે છે એ છે એની છબી,
હોઠ પર જે સ્મિત ફરકે છે એ એનું નામ છે…

કેટલો આસાન છે આ એના ઘરનો માર્ગ પણ,
જાઉં છું હું એમ જાણે એને મારું કામ છે…

શાંતિપૂર્વક જીવવા દે કોણ એવા વિશ્વમાં,
જ્યાં બધાંની માન્યતા હો કે જીવન સંગ્રામ છે…

દુર્દશામાં દોસ્ત, શોધું છું મને ખુદને જ હું,
સૌના દિલમાં જાઉં છું, કે ક્યાંય પણ બેફામ છે…

– બરકત વિરાણી ‘બેફામ’

લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે – ‘અમીન’

August 25, 2012 Leave a comment

લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે,
હર દર્દની છે માગણી, મારું જીગર મળે…

આંખોની જીદ કે અશ્રુ નિરાધાર થઈ જશે,
અશ્રુની જીદ કે તેમના પાલવમાં ઘર મળે…

મારી નજરને જોઈને દુનિયા ફરી ગઈ,
દુનિયા ફરી વળે જો તમારી નજર મળે…

ભટકી રહ્યો છું તેથી મોહબ્બતના રાહ પર,
પગથીઓ આવનારને આ પંથ પર મળે…

ઓછી નથી જીવનને કટુતા મળી છતાં,
હર ઝેર પચતું જાય છે જે પ્રેમ પર મળે…

અલ્લાહના કસમ કે એ રહેમત ગુનાહ છે,
રહેમત કદી ન લઉં જો ગુનાહો વગર મળે…

મંજિલ મળી જશે તો ન રહેશે કશું પછી,
મુજને સતત પ્રવાસ એ ઠોકર વગર મળે…

ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી,
કોણે કહ્યું ‘અમીન’ ન માગ્યા વગર મળે…

– ‘અમીન’

ખુદમાં જ સંકેલાઇ જાઉં છું – બરકત વિરાણી ‘બેફામ’

August 24, 2012 Leave a comment

હું પડછાયા સમો છું, તેજમાં પથરાઇ જાઉં છું,
મળે અંધકાર તો ખુદમાં જ સંકેલાઇ જાઉં છું…

મળ્યો છે માર્ગ નિર્જન તોય એવી ભીડ લાગે છે,
કે મારી જાત સાથે હું જ ખુદ અથડાઇ જાઉં છું…

બધાને કહી શકું, સાચે જ મેં પથ્થર પચાવ્યા છે,
ઘણી વેળા હું એવી ઠોકરો પણ ખાઇ જાઉં છું…

વિસામા લઇ શકું એવા ઉતારા તો મળે ક્યાંથી?
કે થાકું છું તો રસ્તામાં જ હું રોકાઇ જાઉં છું…

હું એની શોધમાં રખડ્યા કરું છું, પણ દશા એ છે,
મળે છે એ મને તો હું જ ખુદ ખોવાઇ જાઉં છું…

તમે આ મારાં આંસુ જોઇને ટીકા નહીં કરજો,
અધૂરો રહી ગયો છું એટલે છલકાઇ જાઉં છું…

હું વાદળ જેમ વરસી જાઉં છું ભાગ્યે જ આંસુમાં,
મહદ અંશે તો મારા શ્વાસમાં વિખરાઇ જાઉં છું…

હું મારું રૂપ જોઉં છું તો ભાંગી જાય છે હૈયું,
રહે છે આઇનો અકબંધ હું તરડાઇ જાઉં છું…

થયું છે ભાન કે સાચો નશો તો મારા ખુદમાં છે,
હવે પીતો નથી પણ હું જ ખુદ પીવાઇ જાઉં છું…

ચમનમાં યાદ આવે છે મને ભૂતકાળના દિવસો,
કળીને ખીલતી જોઇને હું કરમાઇ જાઉં છું…

જુઓ બેફામ આ મારું મરણ કેવું નિખાલસ છે?
બધાંની આંખની સામે જ હું સંતાઇ જાઉં છું…

– બરકત વિરાણી ‘બેફામ’

નામ તારું કોઈ વારંવાર લે – ચિનુ મોદી ‘ઈર્શાદ’

August 23, 2012 Leave a comment

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે…

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું?
તું કહે તો થાઉં ખુશ્બોદાર લે…

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં?
તું મરણ છે, હાથમાં તલવાર લે…

હાથ જોડી શિર નમાવ્યું, ના ગમ્યું?
તું કહે તો આ ઊભા ટટ્ટાર લે…

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર?
તું કરે છે ઠીક શિષ્ટાચાર લે…

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર લે…

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’,
ને હતો હું કેવો બેદરકાર લે…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે – બરકત વિરાણી ‘બેફામ’

August 22, 2012 Leave a comment

દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…

બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…

ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…

કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…

દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…

ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…

બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…

રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…

કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…

– બરકત વિરાણી ‘બેફામ’