Archive

Archive for May, 2014

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ – મુકેશ જોષી

May 29, 2014 Leave a comment

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ,
બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ…

શ્રીહરી ને છોકરીમાં સામ્યતા,
બેઉ જણ માટે પૂજારી જોઇએ…

આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
એમના ઘરમાં ય બારી જોઇએ…

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં,
દિકરા જેવો મદારી જોઇએ…

એ અગાસીમાં સૂતેલા હોય તો,
ચાંદ પર મારે પથારી જોઇએ…

Advertisements

અજંપાનું ફૂલ – ગની દહીંવાળા

May 26, 2014 Leave a comment

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય,
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય…

હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય,
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય…

અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય…

ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય…

પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય…

આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય…

સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય…

ભૂલી જા – મનોજ ખંડેરિયા

May 22, 2014 Leave a comment

દૂખ ભૂલી જા દિવાલ ભૂલી જા,
થઈ જશે તૂં યે ન્યાલ ભૂલી જા…

જીવ કરમાં ધમાલ ભૂલી જા,
એનો ક્યાંછે નિકાલ ભૂલી જા…

જો સુખી થવું જવું હોય તારે,
તો જે થતાં સવાલ ભૂલી જા…

મૌન રહી મિત્રતાનુ ગૌરવ કર,
કોણે ચાલી હતી ચાલ ભૂલી જા…

રાખમાં યાદ ઘા કર્યો કોણે,
ને તું બન્યો કોની ઢાલ ભૂલી જા…

એ નથી પંહોચવાની એને ત્યાં,
તેં લખી તી ટપાલ ભૂલી જા…

ઘેર જઈ ધોઈ નાખ પહેરણ તું,
કોણે છાંટ્યો ગુલાલ ભૂલી જા…

રાસ તારે નિરખવો હોય ખરો,
હાથ સળગ્યો કે મશાલ ભૂલી જા…

બે લખી ગઝલ મોથ શું મારી,
એ તારી ક્યાં કમાલ ભૂલી જા…

ચાર લીટીનો કાગળ – ધ્રુવ ભટ્ટ

May 21, 2014 Leave a comment

ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા,
હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા…

આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે,
જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે…

નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા,
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા…

લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને? પૂછવા જેવું,
નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું…

ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા,
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા…

રસ્તામાં સહજ એ મળે પણ ખરી – અઝીઝ ટંકારવી

May 19, 2014 Leave a comment

રસ્તામાં સહજ એ મળે પણ ખરી,
પછી એ નજર લ્યો ઢળે પણ ખરી…

ગમે તે વળાંકે વળે પણ ખરી,
નદી તો નદી ખળભળે પણ ખરી…

તમે ખાસ દિલથી કરો યત્ન પણ,
મહેનત તમારી ફળે પણ ખરી…

અમસ્તા તમે જીવ બાળો ભલા,
અહમ્ પોટલી પીગળે પણ ખરી…

વને જાવ કે કોઇ રણમાં અઝીઝ,
ઇરછા છે ઇરછા સળવળે પણ ખરી…

– અઝીઝ ટંકારવી

ચહેરા રહી ગયા – જવાહર બક્ષી

May 15, 2014 Leave a comment

એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા,
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા…

નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઇ,
ચહેરાના ભાવ પર્ણની રેખા બની ગયા…

જે શબ્દ રહી ગયા’તા ગયામાં બરફ થઇ,
વાતાવરણમાં ઓગળી પડઘા થઇ ગયા…

સંતાઇ ગઇ છે ઓરડામાં ક્ષણ વિદાયની,
ઘરમાં સમયની વાંસના ફોડાં ઉગી ગયા…

કોઇ ગયું છે એ છતાં કોઇ નથી ગયું,
ખાલીપણાના ભારમાં પગ ઉપડી ગયા…

આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

May 11, 2014 Leave a comment

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે,
ગીગુભાઇ નાગજી નામે…

લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ!
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દા’ડા?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે,
પાણી જેમ પૈસા વેરે…

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ!
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી…

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું…

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં…

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો…