Archive

Archive for September, 2012

હું એકલો છું – બરકત વિરાણી ‘બેફામ’

September 30, 2012 Leave a comment

અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું,
બીજી નજરથી જુઓ તો સાથી કોઇ નથી ને હું કાફલો છું…

જીવનની મારી જે સ્થિર દશા છે એ મારી તદબીરની પ્રભા છે,
જરૂર તકદીરની નથી જ્યાં હું એ અચળ ધ્રુવતારલો છું…

મુસીબતોમાં કવન છે મારું, મુસીબતોમાં કલા છે મારી,
ઘટાનું ગર્જન સુણીને ગહેકે હું મસ્ત મનનો એ મોરલો છું…

પ્રણયનો આરંભ જેમ નિષ્ફળ પ્રણયનો અંજામ એમ નીરસ,
હતાં એ મોસમ વિનાની વર્ષા અને હું રણ પરનો મહેલો છું…

ઓ પ્રેમ, એને બધોયે હક છે ભૂંસી શકે છે નિશાન મારું,
લલાટના લેખ કંઇ નથી હું, લલાટનો હું તો ચાંદલો છું…

ભર્યાં છે બેફામ મોતી મનમાં, વીણાનો લાવું છું એ નયનમાં,
ઊડે છે જે માનસરને લઇને, સદાનો તરસ્યો એ હંસલો છું…

– બરકત વિરાણી ‘બેફામ’

એવું બને – ધૂની માંડલિયા

September 29, 2012 Leave a comment

એક વ્યક્તિ પણ અહીં ટોળું બને એવું બને,
ચીંથરું ક્યારેક ઘરચોળું બને એવું બને…

કાગડો હિંમત કરીને ચાંદનીમાં જો ઉડે,
પિચ્છ એકાદું પછી ધોળું બને એવું બને…

લાગશે માસુમ ચહેરો જળનો પણ એજ જળ,
નાવ ડૂબાડી ભલું ભોળું બને એવું બને…

– ધૂની માંડલિયા

જે મારી મંઝિલ પણ નથી – બરકત વિરાણી ‘બેફામ’

September 28, 2012 Leave a comment

પ્યાર છે કેવળ હવે, દર્દો નથી, દિલ પણ નથી,
છે ફક્ત નૌકા નથી દરિયો કે સાહિલ પણ નથી…

જાન હું દેતો – અદા એની એ ગઇ કાલે હતી,
આજ તો હું મોત માગું એવા કાતિલ પણ નથી…

આ પ્રણયનો અંત છે કે તારી સોબતની અસર,
દર્દ પણ તારું નથી, તારા ઉપર દિલ પણ નથી…

મારી બેઠક ક્યાં હતી એ પણ બતાવી દેત હું,
શું કરું ઓ દોસ્ત, કે આજે એ મહેફિલ પણ નથી…

એ દિવસ મારા હ્રદયની પણ ગરીબીનો હતો,
જે દિવસ લાગ્યું હતું- હું એનો કાબિલ પણ નથી…

થઇ જવા દીધાં છે મેં જો તમને મારાથી અલગ,
તો સમજજો નહિ તમે મારમાં શામિલ પણ નથી…

હું વિતાવું તો બને છે જીન્દગી બોજા સમી,
ખુદ વીતે છે એમ જાણે કાંઇ મુશ્કિલ પણ નથી…

હા હવે બેફામ સાચેસાચ હું ગુમરાહ છું,
શોધું છું એને હવે જે મારી મંઝિલ પણ નથી…

– બરકત વિરાણી ‘બેફામ’

એ એકલા હશે – બરકત વિરાણી ‘બેફામ’

September 27, 2012 Leave a comment

સારા વિચાર સાથ અનુભવ બુરા હશે,
સૌને જે એક માનશે, એ એકલા હશે…

મારો ખુદા તો એ જે કરે છે સુખી મને,
જે દે છે દુઃખ મને, એ બીજાનો ખુદા હશે…

ગમ-દર્દ મારે કાજ ભલે સત્ય થઇ ગયાં,
સંતોષ છે કે કોઇની એ કલ્પના હશે…

જીવન એ જગનાં ઝેર પીવાનું જ્યાં ભાન હો,
એ તો મરણ હશે જ્યાં મદદમાં સુરા હશે…

નહિ તો કોઇ જીવન ના બગાડત શરાબથી,
શી જાણ, જેવું દર્દ છે એવી દવા હશે…

જીવન અગર હો સ્વપ્ન, અગર હો મૃત્યુ નીંદ હો,
જાગ્યા વિના જ સૌએ અહીં સૂઇ ગયા હશે…

દુઃખ એ નથી કે એણે પ્રણય પર હસી દીધું,
દુઃખ એ જ છે કે ત્યાર પછી એ રડ્યાં હશે…

બેફામ ખાલી હાથ નહીં હોય કોઇના,
જો કંઇ નહીં હશે તો દુઆથી ભર્યા હશે…

– બરકત વિરાણી ‘બેફામ’

નિવાસ તો આપો – બરકત વિરાણી ‘બેફામ’

September 26, 2012 Leave a comment

ભલે હો પંથમાં કાંટા, પ્રવાસ તો આપો,
મુસિબતોમાં જીવનનો વિકાસ તો આપો…

અદ્રશ્ય સાથ મને આસપાસ તો આપો,
હવાના રૂપમાં જીવનના શ્વાસ તો આપો…

નસીબ મારું ભલે હો તમારા કબ્જામાં,
મને ન આપો સિતારો, ઉજાસ તો આપો…

હું ખાલી હાથ રહીને ભલાઇ માગું છું,
મને જો ફૂલ નહીં તો સુવાસ તો આપો…

જગત છે ઝાંઝવાં, પણ મનને લાગવા તો દો,
મને ન પાણી ભલે આપો, પ્યાસ તો આપો…

તમારો સાથ નહીં તો તમારી છાયા દો,
પૂનમની રાત નહીં તો અમાસ તો આપો…

મને કબૂલ છે મિત્રો, તમે નિખાલસ છો,
તમારી લાગણી છે એવો ભાસ તો આપો…

જગતની બહાર છું એવી રીતે રહીશ, લોકો,
મને તમારા જગતમાં સમાસ તો આપો…

જુઓ છો જેમ બધાને, મને ન એમ જુઓ,
કદીક મારા ઉપર ધ્યાન ખાસ તો આપો…

દિવાનગીની જરા આબરુ તો રહી જાયે,
મને તમારા તરફથી લિબાસ તો આપો…

મર્યા પછી તો કબર આપશે બધા બેફામ,
મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો…

– બરકત વિરાણી ‘બેફામ’

બળતો રહું છું હું – બરકત વિરાણી ‘બેફામ’

September 25, 2012 Leave a comment

પડે છે દુઃખ તો અશ્રુ જેમ ઓગળતો રહું છું હું,
કે ઝાંખો થાઉં છું ત્યારે જ ઝળહળતો રહું છું હું…

તમારા રૂપનો આ તાપ જીરવાતો નથી મુજથી,
કે જ્યારે જ્યારે તમને જોઉં છું, બળતો રહું છું હું…

વિરહમાં જળ વિનાના મીન જેવી છે દશા મારી,
નથી તું ઝાંઝવા ને તોય ટળવળતો રહું છું હું…

જીવનમાં સ્થિર થવાનાં સ્વપ્ન પૂરાં થાય કઇ રીતે?
દશા એ છે કે નિદ્રામાંય સળવળતો રહું છું હું…

લૂછીને અશ્રુ કોઇ મારા જીવનને ભરી જાઓ,
કે ખાલી જામ છું ને તે છતાં ગળતો રહું છું હું…

મળે એકાદ બે સુખના પ્રસંગો, એટલા માટે,
કથામાં તમને મારી સાથ સાંકળતો રહું છું હું…

પછી એ આપનાથી ભિન્ન રસ્તો હોય તો પણ શું?
મને તો આપ વાળો છો અને વળતો રહું છું હું…

સૂરજ તો હુંય છું પણ દિન નથી સારા મળ્યા એથી,
ઉષા જ્યારે ઉગે છે ત્યારથી ઢળતો રહું છું હું…

નથી જો આપ મળવા આવતાં તો થાય છે શંકા,
કે મારાથી અજાણ્યો આપને મળતો રહું છું હું…

હવે તો રોકનારા પણ મને રસ્તો કરી દે છે,
હવે કોઇ જનાજા જેમ નીકળતો રહું છું હું…

નિછાવર સૌ સભા આ મારી એકલતા ઉપર બેફામ,
ગઝલ ગાતો રહું છું હું ને સાંભળતો રહું છું હું…

– બરકત વિરાણી ‘બેફામ’

થઇ નથી શકતી – બરકત વિરાણી ‘બેફામ’

September 24, 2012 Leave a comment

તમારી આંખ જેવી કોઇ પ્યાલી થઇ નથી શકતી,
અધૂરી થઇ શકે છે કિંતુ ખાલી થઇ નથી શકતી…

સમજશે કોણ એને? એજ તો સાચી ગરીબી છે,
સવાલો હોય છે ને જે સવાલી થઇ નથી શકતી…

રહે નહિ હાથમાં દુનિયા તો એને પગમાં રહેવા દે,
ફકીરી રાખ, જો જાહોજલાલી થઇ નથી શકતી…

અનુભવથી જીવન ના ઘડ,અનુભવમાં તો લાંછન છે,
તમાચાની નિશાની કાંઇ લાલી થઇ નથી શકતી…

કબૂલે નહિ ભલે મારી દુઆ, પણ એ તો શ્રધ્ધા છે,
ખુદા છે એ, ખુદાથી હાથ તાલી થઇ નથી શકતી…

હતી એના ઉપર તારી જ સોબતની અસર એ તો,
હવે આ જીન્દગી અમને વહાલી થઇ નથી શકતી…

જનમ પર સૌ રડ્યા કરે છે, સૌને મારી વાત સમજાશે,
ખુશાલી હોય છે એ પણ ખુશાલી થઇ નથી શકતી…

કબર પર ફૂલ મૂકે છે બધા બેફામ એ માટે,
હવે આથી વધારે પાયમાલી થઇ નથી શકતી…

– બરકત વિરાણી ‘બેફામ’

સાચેસાચ સારો છું – બરકત વિરાણી ‘બેફામ’

September 23, 2012 Leave a comment

હું પોતે બેસહારા છું અને પોતે સહારો છું,
જગતમાં કોઇ પણ મારું નથી, તો હું જ મારો છું…

હવે આથી વધુ સાબિત નથી કરતો કે સારો છું,
નઠારા માણસો માની રહ્યાં છે, હું નઠારો છું…

મિલન હો કે જુદાઇ હો, સદા હું તો તમારો છું,
જો આવો તો સમંદર છું , ન આવો તો કિનારો છું…

હવે જોશું કે પોતાની જગા પર કોઇ મક્કમ છે?
તમે કહેવાઓ છો જો ચાંદ તો હું પણ સિતારો છું…

કરૂણતા તો જુઓ, તલસું છું તો પણ પ્યારને માટે,
મજા આ પણ જુઓ કે કંઇક લોકોને હું પ્યારો છું…

મને મૂકીને હું મારા સુધી પહોંચી નથી શકતો,
નહીં તો હું જ મંઝિલ થઇ શકું એવો ઉતારો છું…

ખુદા, એ સૌને ખાતર પણ મને ડગવા નહીં દે જે,
જગતમાં હું ઘણાં લોકોની આશાનો મિનારો છું…

સુરા શું? સર્વને મારે વિશે પણ ગેરસમજણ છે,
હું તરસ્યો છું અને લોકો કહે છે કે પીનારો છું…

પકડવાને તમે મારા તરફના હાથ લંબાવો,
મને આમ જ પડ્યો રહેવા દો, હું બેચેન પારો છું…

કરી દો વ્યક્ત કે અસ્તિત્ત્વ મારું ના રહે બાકી,
મૂંગા છો ત્યાં સુધી હું આપના મનના મૂંઝારો છું…

છતાં બેફામ સૌ મારા મરણટાણે જ કહેવાના,
નહીં તો હું તો જીવનમાંય સાચેસાચ સારો છું…

– બરકત વિરાણી ‘બેફામ’

હોય તોય શું – રમેશ પારેખ

September 22, 2012 Leave a comment

ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું?
કાગળમાં ચીતરેલું કમળ હોય તોય શું?

બારીની આ તરફનો હું એક હિસ્સો છું ‘રમેશ’,
પેલી તરફ જવાની તલપ હોય તોય શું?

જંગલ વચ્ચે રહેવા મળ્યું પાનખર રૂપે,
ગુલમ્હોર શ્વાસ જેવા નિકટ હોય તોય શું?

શોધે છે શબ્દકોશમાં જે અર્થ વૃક્ષનો,
તેઓ વસંત જેવા સભર હોય તોય શું?

રંગો કદીયે ભોળાં નથી હોતા એટલે,
લીલુંચટ્ટાક આખું નગર હોય તોય શું?

નખ જેવડું અતીતનું ખાબોચિયું ‘રમેશ’,
તરતાં ન આવડે તો સમજ હોય તોય શું?

– રમેશ પારેખ

કોકવાર આવતા ને જાતા મળો છો – મહેશ શાહ

September 21, 2012 Leave a comment

કોકવાર આવતા ને જાતા મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું…

હોઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની,
વાતો કરો તો ઘણું સારું…

પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં,
કે ઉછળે છે સાગરના નીર,
મારુંયે ઉર હવે ઉછાળવા ચાહે,
એવું બન્યું છે આજ તો અધીર…

સાગરને તીર તમે આવો ને,
ચાંદ શા ખીલી રહો તો ઘણું સારું…

મ્હોરી છે કુંજ કુંજ વાસંતી વાયરે,
કોયલ કરે છે ટહુકારો,
આવો તમે તો મન ટહુકે અનંતમાં,
ખીલે ઉઠે આ બાગ મારો…

શાને સતાવો મારી ઉરની સિતારના,
તારો છેડો તો ઘણું સારું…

– મહેશ શાહ