Archive

Archive for the ‘રાજેન્દ્ર શુક્લ’ Category

પોત અલગ છે – રાજેન્દ્ર શુક્લ

September 12, 2014 Leave a comment

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે,
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે…

નખશિખ કવચ ધરી શું કરિયેં, આડી ઢાલ ધરી શું કરિયેં,
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે…

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે…

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે…

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ?
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે…

સખી – રાજેન્દ્ર શુક્લ

February 7, 2013 Leave a comment

દૂર સાગરમાં અવશ સરતા, સખી,
પત્રનાં તરણે અમે તરતા, સખી…

આમ તો ખાલી બધું તારા વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી…

હર સવારે ફૂલ ખીલે જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી…

જાગતી રાતે જગત ઊંઘે તદા,
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી…

પત્રને આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં પાછો તને ધરતા, સખી…

– રાજેન્દ્ર શુક્લ

ઝાંઝ પખવાજ બાજ કરતાલ આજ – રાજેન્દ્ર શુક્લ

January 5, 2013 Leave a comment

ઝાંઝ પખવાજ બાજ કરતાલ આજ,
સૂર ઘેઘૂર પૂર મત બાંધ પાજ…

બિંતબૃખભાન, ઈબ્નબ્રજરાજ, વાહ,
જુગલસરકાર આજ મહેફિલનવાજ…

તીર કાલિંદ, શાખ કાદંબ તખ્ત,
ફરફરે મોરપિચ્છ સરતાજ-તાજ…

અંગ રચ પ્રાસ, સંગ રચ રંગરાસ,
છોડ સિંગાર સાજ, તજ સર્વ કાજ…

ભાન લવલેશ, શેષ ઝળહળ મશાલ,
શ્વાસ ઉચ્છવાસ ખેલ અય ખુશમિજાજ…

– રાજેન્દ્ર શુક્લ

ન ક્ષણ એક કોરી – રાજેન્દ્ર શુક્લ

December 21, 2012 Leave a comment

અહો શ્વાસ મધ્યે વસંતો મ્હોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી…

ઊડે દૂરતાને, ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી…

ઊડે આખ્ખું હોવું, મુઠ્ઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી…

ઊડે છોળ કેસર ભરી સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતન કિશોરી…

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ચલો ગાઇએ ખેલીએ ફાગ હોરી…

– રાજેન્દ્ર શુક્લ

સુરાલયની પ્યાસમાં – રાજેન્દ્ર શુક્લ

June 16, 2012 Leave a comment

તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,
થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં…

ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા,
ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં…

મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,
ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં…

પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં…

ખાલી ક્ષણોના જામથી છલકાય શૂન્યતા,
વધઘટ કશી ન થાય સુરાલયની પ્યાસમાં…

– રાજેન્દ્ર શુક્લ

બધાંય જાણે, ગઝલ કહું છું – રાજેન્દ્ર શુકલ

February 9, 2012 Leave a comment

બધાંય જાણે, ગઝલ કહું છું,
ગજા પ્રમાણે ગઝલ કહું છું…

કથા બધાંની પછી કહીશું,
હું તો અટાણે ગઝલ કહું છું…

નથી ખબર તો મનેય એની,
અલખ ઉખાણે ગઝલ કહું છું…

ભર્યા બજારે ન કૈજ લાધ્યું,
વગર હટાણે ગઝલ કહું છું…

સમય પ્રમાણે રહું છું સાવધ,
હું ક્યાં કટાણે ગઝલ કહું છું…

મૂડીના નામે બચ્યું છે જે કૈં,
મૂકી અડાણે ગઝલ કહું છું…

ગુનો અમારો કબૂલ અમને,
લે જાવ તાણે ગઝલ કહું છું…

ભૂખ્યા દૂખ્યાના નથી ભડાકા,
ભરેલ ભાણે ગઝલ કહું છું..

ન કોઈ જાણે, ન હું ય જાણું,
કયા ગુંઠાણે ગઝલ કહું છું…

– રાજેન્દ્ર શુકલ

સામાય ધસી જઇયે – રાજેન્દ્ર શુક્લ

December 21, 2011 Leave a comment

સામાય ધસી જઇયે, આઘાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો, ક્ષણમાંય વસી જઇયે…

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે…

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે…

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે…

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે…

– રાજેન્દ્ર શુક્લ