Archive

Archive for March, 2013

શબ્દની આરપાર જીવ્યો છું – ‘અમૃત’ ઘાયલ

March 31, 2013 Leave a comment

શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું…

સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું…

ખૂબ અંદર બહાર જીવ્યો છું,
ધૂંટે ધૂંટે ચિક્કાર જીવ્યો છું…

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું…

મંદ ક્યારેય થઈ ન મારી ગતિ,
આમ બસ મારંમાર જીવ્યો છું…

આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું…

બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પૂર બહાર જીવ્યો છું…

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું…

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું…

– ‘અમૃત’ ઘાયલ

Advertisements

લાજના ભાવથી નમી તે ગઝલ – ‘અમૃત’ ઘાયલ

March 30, 2013 Leave a comment

અણગમાને અતિક્રમી તે ગઝલ,
ને પ્રણયમાં પરિણમી તે ગઝલ…

લાજના ભાવથી નમી તે ગઝલ,
જે પ્રથમ દ્રષ્ટિએ ગમી તે ગઝલ…

આંખમાં આંજી સ્નેહનો સુરમો,
રાતભર સોગઠે રમી તે ગઝલ…

શેરીએ શેરીમાં અજંપાની,
આંધળી ભીંત થઈ ભમી તે ગઝલ…

ચોતરફ મૌન મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ…

તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેઘલી મીટથી ઝમી તે ગઝલ…

નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ…

દ્રષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ…

જીન્દગીની કે જાંફિશાનીની,
હોય જે વાટ ઝોખમી તે ગઝલ…

એ તો છે ચીજ સર્વ મોસમની,
નિત્ય લાગે જે મોસમી તે ગઝલ…

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી તે ગઝલ…

માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ…

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’,
હલબલી જાય આદમી તે ગઝલ…

– ‘અમૃત’ ઘાયલ

વર્ષો જવાને જોઈએ – ‘અમૃત’ ઘાયલ

March 29, 2013 Leave a comment

વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,
આશ્ચર્ય વચ્ચે એમના આંગણામાં જઈ ચડ્યો…

પૂછો નહીં કે આજ તો ક્યાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા કામણમાં જઈ ચડ્યો…

અંધારમુક્ત થઈ ન શક્યો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઈ ચડ્યો…

મનફાવે તેમ આભમાં ફંગોળતી રહી,
હું ક્યાંય નહિ ને ગેબની ગોફણમાં જઈ ચડ્યો…

કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું,
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો…

નહોતી ખબર જવાય નહીં એમ સ્વર્ગમાં,
પહેર્યું હતું હું એ જ પહેરણમાં જ ચડ્યો…

‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું,
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં, જઈ ચડ્યો…

– ‘અમૃત’ ઘાયલ

દટાયો છું – ‘અમૃત’ ઘાયલ

March 28, 2013 Leave a comment

કેમ ભૂલી ગયા, દટાયો છું,
આ ઈમારતનો હું ય પાયો છું…

હું હજી, પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધો પડધો જ ઓળખાયો છું…

વિસ્તર્યા વિણ બધેય છાયો છું,
હું અજબ રીતથી ઘવાયો છું…

આમ તો એક બિંદુ છે કિન્તું,
સપ્ત સિંધુથી સંકળાયો છું…

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું…

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું…

એ જ છે પ્રશ્ન, કોણ કોનું છે,
હું ય મારો નથી, પરાયો છું…

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું…

ઊંચકે કોણ પંથ ભૂલ્યાને,
આપમેળે જ ઉંચકાયો છું…

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું…

– ‘અમૃત’ ઘાયલ

રસ્તો કરી જવાના – ‘અમૃત’ ઘાયલ

March 27, 2013 Leave a comment

રસ્તો નહીં જડે તો, રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ, મનમાં મરી જવાના!

નિજ મસ્ત થઈ જીવન આ, પુરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને, સિન્ધુ તરી જવાના!

કોણે કહ્યું કે, ખાલી હાથે મરી જવાના,
દુનિયાથી દિલના ચારે, છેડા ભરી જવાના!

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!

મનમાં વિચાર શું છે, અવિરામ કંઈ દીપક છે,
હર ઝખ્મને નજરથી, ટાંકા ભરી જવાના!

સ્વંય વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,
દીપક નથી અમે કે, ઠાર્યા ઠરી જવાના!

અય કાળ, કંઈ નથી ભય તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના!

યાંત્રિક છે આ જમાનો, ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી, પગલાં ભરી જવાના!

દુનિયા શું કામ ખાલી, અમને મિટાવી રહી છે,
આ ખોળિયું અમે ખુદ, ખાલી કરી જવાના!

– ‘અમૃત’ ઘાયલ

રાત ચાલી ગઈ – ‘અમીન’ આઝાદ

March 26, 2013 Leave a comment

જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ?

તમે જ્યાં આંખ મીંચી કે, બધે અંધકાર ફેલાયો,
તમે જોયું અને એક જ ઈશારે, રાત ચાલી ગઈ…

હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
હજી સાંજે તો આવી’તી, સવારે રાત ચાલી ગઈ…

જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઈ, સવારે રાત ચાલી ગઈ…

તમારા સમ ‘અમીન’ ઊંધી શક્યો, ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે, રાત ચાલી ગઈ…

– ‘અમીન’ આઝાદ

માગ્યા વગર મળે – ‘અમીન’ આઝાદ

March 25, 2013 Leave a comment

લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે,
હર દર્દની છે માગણી, મારું જીગર મળે…

આંખોની જીદ કે અશ્રુ નિરાધાર થઈ જશે,
અશ્રુની જીદ કે, તેમના પાલવમાં ઘર મળે…

મારી નજરને જોઈને દુનિયા ફરી ગઈ,
દુનિયા ફરી વળે જો, તમારી નજર મળે…

ભટકી રહ્યો છું તેથી મોહબ્બના રાહ પર,
પગથીઓ આવનારને આ પંથ પર મળે…

ઓછી નથી જીવનને કટુતા મળી છતાં,
હર ઝેર પચતુ જાય છે, જે પ્રેમ પર મળે…

અલ્લાહના કસમ કે એ રહેમત ગુનાહ છે,
રહેમત કદી ન લઉં જો, ગુનાહો વગર મળે…

મંઝીલ મળી જશે તો ન રહેશે કશું પછી,
મુજને સતત પ્રવાસ એ, ઠોકર વગર મળે…

ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી,
કોણે કહ્યું ‘અમીન’, ન માગ્યા વગર મળે…

– ‘અમીન’ આઝાદ