Home > કવિતા, ગઝલ, હેમંત પૂણેકર > ઊપડતી જીભ અટકે છે – હેમંત પૂણેકર

ઊપડતી જીભ અટકે છે – હેમંત પૂણેકર

November 8, 2013

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે…

ઘણાં વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું,
અહીં જેને મળું છું, સાવ ઠંડોગાર લાગે છે…

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે,
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે…

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઊઘડવું પણ,
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે…

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે,
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે…

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉ છું,
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે…