Archive

Archive for October, 2011

થાય સરખામણી – બરકત વિરાણી ‘બેફામ’

October 31, 2011 Leave a comment

થાય સરખામણી તો ઊતરતા છીએ, તે છતાં આબરુંને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી…

ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી…

આ જગતને અમારૂં જીવન બેઉમાં, જંગ જે કંઈ હતો, જાગૃતિનો હતો,
જ્યાં જરા ઊંઘમાં આંખ મીંચાઈ ગઇ, ત્યાં તરત તેગ એણે હુલાવી દીધી…

બીક એક જ બધાને હતી કે અમે, ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી દીધી…

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઈ ને ના નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી…

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની, જીંદગીમાં અસર એક તન્હાઈની,
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો?’, એને આખી કહાણી સુણાવી દીધી…

દિલ જવા તો દીધું કોઈના હાથમાં, દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી…

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મારી ભલે મેં તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી…

– બરકત વિરાણી ‘બેફામ’

Advertisements

રજકણ – હરિન્દ્ર દવે

October 30, 2011 Leave a comment

એક રજકણ સૂરજ થવાને શમણે…

ઉગમણે જઇ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે,
જળને તપ્ત નજરથી શોશી, ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને, સાગરને મન વસવા,
વમળ મહીં ચકરાઇ રહે એ કોઇ અકળ મૂંઝવણે,
એક રજકણ સૂરજ થવાને શમણે…

જ્યોત કને જઇ જાચી દિપ્તિ, જ્વાળ કને જઇ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી, એ રૂપ ગગનથી ચ્હાય,
ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે,
એક રજકણ સૂરજ થવાને શમણે…

– હરિન્દ્ર દવે

હોઠ મલકે તો – હરિન્દ્ર દવે

October 29, 2011 Leave a comment

હોઠ મલકે તો મોટી મહેરબાની,
સાજન, થોડો મીઠો લાગે…

તારી સંગાથે પ્રેમનો અજાણ્યો,
મુલક કયાંક દીઠો લાગે…

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ,
કે એકલાનો રાહ એકધારો…

મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો,
ભલે આઘો ઠેલાય આ કિનારો…

મધમીઠો નેહ તારો માણું,
સંસાર આ અજીઠો લાગે…

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે,
એની આંખમાં ઉજાગરાની લાલી…

લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ,
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી…

તારી આંખના ઉજાગરાનો,
છલકાતો રંગ જો મજીઠો લાગે…

હોઠ મલકે તો મોટી મહેરબાની,
સાજન, થોડો મીઠો લાગે…

તારી સંગાથે પ્રેમનો અજાણ્યો,

મુલક કયાંક દીઠો લાગે…

 

– હરિન્દ્ર દવે

તમે થોડું ઘણું સમજો તો – હરિન્દ્ર દવે

October 28, 2011 Leave a comment

તમે થોડું ઘણું સમજો તો સારું,
વહેતા વાયરાને કેમ કરી વારુ…

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ,
એની અણધારી ચોટ ઉરે લાગી…

જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી,
એની ભ્રમણામાં રાતભર જાગી…

ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ,
તમે થોડું ઘણું સમજો તો સારું,
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારુ…

આપણી તે મેડીએ રે આપણ બે એકલા,
ને ફાવે તેવી તે રીતે મળજો…

મોટા નાનામાં મારે નીચા જોણું છે,
રહો અળગા કે વાટ ના આંતરજો…

મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ,
તમે થોડું ઘણું સમજો તો સારું,
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારુ…

 

– હરિન્દ્ર દવે

અનહદનો સૂર – હરિન્દ્ર દવે

October 27, 2011 Leave a comment

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર,
વાગે છે ક્યાંકનાં નૂપુર…

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર,
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે,
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે…

પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી,
લઈ લો આ આંખડીના નૂર,
મનને આકાશ સૂર સૂરજનું રૂપ,
અને સૂરજનું આભ કોઈ ઓર…

આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં,
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર,
અગની અડકે તો જરા પ્રજળું,
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર…

– હરિન્દ્ર દવે

કાલે નૈ તો પરમદિવસે – હરિન્દ્ર દવે

October 26, 2011 Leave a comment

તમે કાલે નૈં તો પરમદિવસે તો અહીં હશો,
ઘણાં દી’થી હૈયે ઘર કરતું એકાંત હરશો…

તમારું થાકેલું શિર હ્રદય ધારીશ, પ્રિય, ને,
મીંચાયેલાં નેત્રો પર કર પસારીશ હળવે…

વધેલી હૈયાની ધબક સુણી ખોલી દૈ તમે,
હસી આછું હૈયાસરસી મુજને સદ્ય ધરશો…

તમારી લાવેલી કુમળી કળીની વેણી સમ એ,
નિશાએ હૈયાનાં દલ ઊઘડશે, અંતર જશે…

તમારા હોઠેથી સુરભિ, લઇ અર્પીશ સુરખી,
સ્વયં વીંટાઇ હું જઇશ અથરી થૈ કર વિશે…

તમારા આશ્લેષે રજની ક્ષણમાંહે જ વીતશે,
પરંતુ આજે તો ક્ષણ પણ ન વીતે ક્યમ કરી…

તમારાં સ્વપ્નોમાં શયન, સ્મરણે જાગ્રત બનું,
હશો કાલે નૈં તો પરમદિન, આજે ટળવળું…

 

– હરિન્દ્ર દવે

અમોને નજરું લાગી – હરિન્દ્ર દવે

October 25, 2011 Leave a comment

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી…

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી…

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય, થાળીને વળગી બેઠો સીધો,

આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી…

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,

જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી…

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,

જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ?
અમોને નજરું લાગી…

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,

ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી…

‘લ્યો, નજરું વાળી લઉં પાંછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,

હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર,
અમોને નજરું લાગી…

– હરિન્દ્ર દવે