Archive

Archive for the ‘ઉશનસ્’ Category

વીતેલા લાખ ભવના સામટા કંઈ થાક લાગ્યા છે – ઉશનસ્

October 17, 2012 Leave a comment

વગર ચાલ્યે જ, શય્યામાં જ જાણે પગ ભાંગ્યા છે,
વીતેલા લાખ ભવના સામટા કંઈ થાક લાગ્યા છે…

ખરું કહું? છેક આદિથી ખડે પગે ઊંચકી પૃથ્વી,
સૂરજની લાયમાં છાયા વગરના થાક લાગ્યા છે…

ગયા જન્મેય ‘માણસ’ નામની જાતે હું જન્મ્યો હઈશ,
નહીં તો આવડા તે હોય, આ જે થાક લાગ્યા છે…

બહુ વપરાય લાગે ઢીલાઢસ તાર જંતરના,
પ્રણય જેવા પ્રણયમાંયે હ્રદયને થાક લાગ્યા છે…

ભલા, ખુદ ચાલવાથી શું ચરણને થાક લાગે કે,
અરે, ચાલ્યું ગયું કોઈ, અને અહીં થાક લાગ્યા છે…

તને મનરથ લઈ ખોડાઈ ઊભા રહી જુઓ ઉમરે,
અને જોયા કરો પથ, ને જુઓ શા થાક લાગ્યા છે…

ગયું જે કંઈ અને જે કંઈ જતું તે આ જ પગ પર થૈ,
નર્યા હોવાપણાના ચાકના આ થાક લાગ્યા છે…

નહીં તો કેટલા હળવા હવાના શ્વાસ, પણ ઉશનસ્,
બિચારે બે’ક લીધા, ના લીધા ત્યાં થાક લાગ્યા છે…

– ઉશનસ્

Categories: ઉશનસ્, ગઝલ