Archive

Archive for December, 2012

માણસ છે, બીઝનેસ કરે છે – કૃષ્ણ દવે

December 31, 2012 Leave a comment

પતંગીયાની પાંખો છાપે, માણસ છે, બીઝનેસ કરે છે,
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બીઝનેસ કરે છે…

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બીઝનેસ કરે છે…

સંબંધોની ફાઇલ રાખીને ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બીઝનેસ કરે છે…

શબ્દ, શબ્દને વાટી વાટી, અર્થોનુ કેમીકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બીઝનેસ કરે છે…

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બીઝનેસ કરે છે…

ચક્મક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતા હસતા,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બીઝનેસ કરે છે…

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા ચન્દ્ર ગણાવી,
વાદળ ફુટપટ્ટીથી માપે, માણસ છે, બીઝનેસ કરે છે…

– કૃષ્ણ દવે

Advertisements

જ્યોતિ ઠરી ગઈ – ગની દહીંવાળા

December 30, 2012 Leave a comment

તે પ્રેમઆગ, રુપનો લય કરી ગઈ,
સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ…

મારાં દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,
મુજ પર કદી ઠરી કદી મુજથી ફરી ગઈ…

શ્રધ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ…

હો કોટિ ધન્યવાદ વહાલી ઓ જિંદગી,
આવી વિકટ સફરને તું પૂરી કરી ગઈ…

મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ…

જીવી ગયો તમારી મહોબ્બતનાં આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ…

છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ…

– ગની દહીંવાળા

નહીં શકે – રિષભ મહેતા

December 29, 2012 Leave a comment

તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે,
અફસોસ કે તું એને સુધારી નહીં શકે…

અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું,
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે…

જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને,
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે…

મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ,
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકે…

નાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ,
બેમાંથી એક નાવને તારી નહીં શકે…

ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ,
એને તું વારંવાર મઠારી નહીં શકે…

– રિષભ મહેતા

શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા – ચિનુ મોદી ‘ઈર્શાદ’

December 28, 2012 Leave a comment

શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા,
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા…

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં,
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા…

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા…

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા…

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે,
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

મનન છોડવું નથી – નિમિશા મિસ્ત્રી

December 27, 2012 Leave a comment

ઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી,
વિષ મળે યા અમૃત, મુખ મોડવું નથી…

જીવન છે કુરુક્ષેત્ર, આપણે જ કૌરવ-પાંડવ,
અધર્મથી લડીશું, હવે કુરુક્ષેત્ર છોડવું નથી…

એની નિયતી મુજબ એ ખુદ ખરી જશે,
હાથે કરી મારે એકે ફૂલ તોડવું નથી…

સપનામાં બીજ હોય છે હકીકતનું ઘણીવાર,
એકેય નાજુક સ્વપ્ન હવે રોળવું નથી…

મન છે દર્પણ સમ, ઠેસ લાગતાં જ તુટે,
સંજોગોના પથ્થરથી એ દર્પણ ફોડવું નથી…

પડઘાય છે શહેરમાં કઇં કેટલા અવાજો,
કર મૌનથી સંવાદ નિમિશા કંઈ બોલવું નથી…

– નિમિશા મિસ્ત્રી

મેરુ તો ડગે – ગંગાસતી

December 26, 2012 Leave a comment

મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ, મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે,
વિપદ પડે પણ વણસે નહીં રે પાનબાઇ, તોઈ હરિજનનાં પરમાણ રે…

ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે રે, કોઇ દી’ કરે નહીં આશ રે,
દાન દેવે પણ, રેવે અજાજી રે, વચનુંમાં રાખે વિશ્વાસ રે…

હરખ રે શોકની જેને નાવે રે હેડકીને આઠે રે પહોરે આનંદ રે,
નિત્ય રહે સદા સંતોના સંગમાં તોડે રે માયા કેરાં ફંદ રે…

તન મન ધન જેણે પ્રભુને અર્પે રે, ધન્ય નિજાજી નરને નાર રે,
ગંગાસતી એમ બોલ્યાં રે પાનબાઇ, પ્રભુ પધારે એને દ્વાર રે…

– ગંગાસતી

શૂન્યતામાં પાનખર – ‘આદિલ’ મન્સૂરી

December 25, 2012 Leave a comment

શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી…

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આગ નીતરતી રહી…

સૂર્ય સંકોચાયોને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી…

આ બધા લાચાર અહીં જોતાં રહ્યા,
હાથમાંથી જીંદગી સરતી રહી…

– ‘આદિલ’ મન્સૂરી