Archive

Archive for the ‘સૌમ્ય જોષી’ Category

ઠોકરની સાથે – સૌમ્ય જોષી

November 15, 2011 Leave a comment

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર…

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર…

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માંય છે ઈશ્વર…

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર…

– સૌમ્ય જોષી