Archive

Archive for May, 2012

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે – ‘આદિલ’ મન્સૂરી

May 31, 2012 Leave a comment

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે…

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે…

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે…

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે…

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે…

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે…

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે…

– ‘આદિલ’ મન્સૂરી

Advertisements

અહિં જે તેજ દીવામાં રહે છે – બરકત વિરાણી ‘બેફામ’

May 30, 2012 Leave a comment

અહિં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે…

મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે…

છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે…

જગા મળતી નથી જેને ચમનમાં,
તો એવા ફૂલ વગડામાં રહે છે…

ગયાં સંતાઈ મોતી એ વિચારે,
કે પરપોટાય દરિયામાં રહે છે…

હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વ્રુક્ષ તડકામાં રહે છે…

ઉઘડતા આંખ દેખાતાં નથી એ,
હવે સપનાંય સપનામાં રહે છે…

ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે…

ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે…

મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?

– બરકત વિરાણી ‘બેફામ’

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી – ‘સૈફ’ પાલનપુરી

May 29, 2012 Leave a comment

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી,
રૂપાળું એક નામ, હવે બોલવું નથી…

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી…

પૂછો ના પ્રિત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી…

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી…

– ‘સૈફ’ પાલનપુરી

બિસ્માર થઇ જાશે – બરકત વિરાણી ‘બેફામ’

May 28, 2012 Leave a comment

અમે એથી તો તરવાની બહું ચિંતા નથી કરતાં,
ડૂબી જાશું તો ખુદ દરીયો જ તારણહાર થઇ જાશે…

બહું વિશ્વાસ ના કરજે કે આ દોરંગી દુનિયા છે,
જે આજે ફૂલ લાગે છે એ કાલે ખાર થઇ જાશે…

જગત સાથે લડું છું ઓ ખુદા તારી મદદ માગી,
હું જો હારીશ તો એ હાર તારી હાર થઇ જાશે…

મરણમાં પણ ઉઘાડી આંખ નહિ રાખો અગર બેફામ,
તો ઘર માફક કબર પણ એક દિવસ બિસ્માર થઇ જાશે…

– બરકત વિરાણી ‘બેફામ’

ફુલ કેરા સ્પર્શથી – ‘સૈફ’ પાલનપુરી

May 27, 2012 Leave a comment

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે…

કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ એકલા શરમાય છે…

કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે…

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે…

એક પ્રણાલીકા નિભાવું છું, લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે…

– ‘સૈફ’ પાલનપુરી

હોવી જોઇએ – બરકત વિરાણી ‘બેફામ’

May 26, 2012 Leave a comment

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ…

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ…

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ…

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારીય લાગણીમાં કસર હોવી જોઇએ…

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ…

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ…

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ…

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઇએ…

– બરકત વિરાણી ‘બેફામ’

દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે – જલન માતરી

May 25, 2012 Leave a comment

દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે…

છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે…

ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે…

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે…

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે…

હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર, નહીં આવે…

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે…

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે…

– જલન માતરી