Archive

Posts Tagged ‘દલપતરામ’

આપ કહો તો આંખો ખોલું – જવાહર બક્ષી

September 13, 2013 Leave a comment

રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું,
શ્રદ્ધા જેવા લયથી ડોલું…

હું ઝાકળના શહેરનો બંદી,
બોલ, ક્યો દરવાજો ખોલું…

થાય સજા પડઘા-બારીની,
ત્યાં જ તમારું નામ ન બોલું…

આવરણોને કોણ હટાવે,
રૂપ તમારું આખાબોલું…

સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે,
આપ કહો તો આંખો ખોલું…

– જવાહર બક્ષી

પડઘો થઇ ગયો – જવાહર બક્ષી

September 12, 2013 Leave a comment

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો,
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો…

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો,
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો…

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે,
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો…

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ,
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો…

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો…

– જવાહર બક્ષી

એક અણસારનો પડદો છે – જવાહર બક્ષી

September 11, 2013 Leave a comment

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે,
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે…

ભૂખરાં વાદળો સાથે કરો તારા મૈત્રી,
ક્યાં કોઇ ખાસ પ્રતિક્ષામાં ભીંજાવાનું છે…

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે,
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે…

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં,
સંગે મરમરની લહેરોમાં તણાવાનું છે…

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે,
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે…

– જવાહર બક્ષી

ફરી ન છૂટવાનું બળ – જવાહર બક્ષી

September 10, 2013 Leave a comment

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ,
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ…

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઇ…

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા,
મને ફરીથી જવાની મના કરે કોઇ…

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય,
વિચારને તો જતા-આવતા કરે કોઇ…

કોઇ નજીક નથી, એ વિષે હું કૈં ન કહું,
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ…

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા,
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ…

– જવાહર બક્ષી

આખરે હું ગઝલ લખી બેઠો – જવાહર બક્ષી

September 9, 2013 Leave a comment

આખરે હું ગઝલ લખી બેઠો,
રાહ જોઈને ક્યાં સુધી બેઠો…

દૂરતા ઓગળી રહી જ હતી,
સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો…

ઓ વિરહ, થોડું થોભવું તો હતું,
એમનું નામ ક્યાં લઈ બેઠો…

કેટલાં કારણો હતાં નહિ તો,
કોઈ કારણ વિના ફરી બેઠો…

ફક્ત તારા સુધી જ જાવું’તું,
પૂછ નહિ ક્યાંનો ક્યાં જઈ બેઠો…

આજ પણ એ મને નહીં જ મળે,
આજ પાછું સ્મરણ કરી બેઠો…

– જવાહર બક્ષી

પ્રસંગો થાક ઊતારી જશે અવસ્થાનો – જવાહર બક્ષી

September 8, 2013 Leave a comment

પ્રસંગો થાક ઊતારી જશે અવસ્થાનો,
સંબંધ ફીણના ગોટા થઈને ઊડવાનો…

લખાતું રહેશે વિરહની હવામાં તારું નામ,
અને હું અક્ષરોમાં ગૂંચવાતો રહેવાનો…

પવન ઉઠાવી જશે લાગણીના પડછાયા,
ફરીથી આંખમાં તડકો ભરાઈ રહેવાનો…

અરીસો ફોડશે તારા અભાવનો સૂરજ,
હું કાચ કાચમાં કિરણ બનીને ઊગવાનો…

સમયના ઠંડા ઝરણમાં વહીશ તું જ્યારે,
તને હું સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો…

– જવાહર બક્ષી

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે – જવાહર બક્ષી

September 7, 2013 Leave a comment

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ…

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ…

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ…

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ…

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી,
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ…

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ…

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ…

– જવાહર બક્ષી

છું ને હું નથી – જવાહર બક્ષી

September 6, 2013 Leave a comment

ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું, છું ને હું નથી…

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી…

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી…

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું, પીટો-મને કૈં થતું પણ નથી…

સાંત્વનના પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી…

– જવાહર બક્ષી

સપનાંનું શ્હેર છે – જવાહર બક્ષી

September 5, 2013 Leave a comment

પળપળ પડે ને ઊઘડે પર્દાનું શ્હેર છે,
અદૃશ્યતાના અવનવા ચહેરાનું શ્હેર છે…

સાચાં જ પાડવા હોત તો એક જ ઉપાય છે,
આંખો ઉઘાડી રાખ કે સપનાંનું શ્હેર છે…

છે રાતભર આ રેશમી વૈભવ ભીનાશનો,
ઝાકળ છું ફૂલ પર અને તડકાનું શ્હેર છે…

માણું છું ઠાઠમાઠ તણખલાના મ્હેલમાં,
ચારે તરફ પવન અને તણખાનું શ્હેર છે…

અહીં એક અવાજ થાય તો હદપારની સજા,
સાથે સ્મરણ છે બોલકાં પડઘાનું શ્હેર છે…

– જવાહર બક્ષી

સાચે સાચા દરિયા બાંધ્યા – જવાહર બક્ષી

September 4, 2013 Leave a comment

ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા,
જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા…

મળવા પહેલાં એના હોવાના થોડા અણસારા બાંધ્યા,
બાંધી કંઈ અટકળ, કંઈ અફવા બાંધી, કંઈ ભણકારા બાંધ્યા…

ખાલી હાથનો જીવ, લઈ શું જાઉં, છતાં અડખેપડખેથી,
મુઠ્ઠીભર કંઈ ઝાકળ બાંધી, મુઠ્ઠીભર કંઈ તડકા બાંધ્યા…

એમ થયું એ ઉછીનાં ઉજાશભીનાશ નહીં સ્વીકારે,
તડકો ઝાકળમાં, ઝાકળ આંખોમાં, આંખે ટશિયા બાંધ્યા…

વચ્ચે વચ્ચે કેવા કેવા નાજુક નાજુક જોખમ ખેડ્યાં,
ચહેરો યાદ નહીં તો પણ બે નજરો વચ્ચે રસ્તા બાંધ્યા…

બે નજરોના રસ્તા જાણી જોઈ અમે પણ કાચા બાંધ્યા,
આંખો મીંચી ખોલી, મીંચી ખોલી, પાછા પાછા બાંધ્યા…

ડગલે પગલે જાણ્યાં-અજાણ્યાં સ્મરણોના મઘમઘ મેળા,
મેળે મેળે અટ્ક્યા- ભૂલ્યા- ભટ્ક્યા- ના કંઈ જલસા બાંધ્યા…

એની ગલીમાં ઉછીનું અંધારું પણ છોડી દેવાયું,
છૂટ્યા સૌ પડઘા પડછાયા જે જન્મોજન્મારા બાંધ્યા…

તેજ-તિમિરની હદ-અનહદની સાવ વચોવચ અમને ઝાલ્યા,
છૂટ દીધી હોવાની અમને એના જેવા છુટ્ટા બાંધ્યા…

એનાં આગતસ્વાગત જેણે સપનામાં પણ ક્ષણભર માણ્યાં,
એણે પરપોટે પરપોટે સાચે સાચા દરિયા બાંધ્યા..

– જવાહર બક્ષી