Archive

Archive for the ‘હરિન્દ્ર દવે’ Category

પાનખર – હરિન્દ્ર દવે

September 7, 2014 Leave a comment

હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે…

વિલુપ્ત ગુંજનો થતાં, રહ્યા પ્રસન્ન રાગનાં,
લહર ગઈ સમેટી શ્વાસ, મ્હેકતા પરાગના…

છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે…

હવે બિડાય લોચનો, રહેલ નિર્નિમેષ જે,
રાત અંધકારથી જ, રંગમંચને સજે…

હ્રદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે…

Advertisements

નીકળી જઈશ – હરિન્દ્ર દવે

July 24, 2014 Leave a comment

હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,
કોઈ ઓળખશે નહીં. સર્વને મળી જઈશ…

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ…

છું હવા, ને એ હવાને વળી વિસ્તાર ક્યો?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ…

મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ,
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જઈશ…

કાંકરી તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ…

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી – હરિન્દ્ર દવે

April 15, 2014 Leave a comment

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી…

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી…

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી…

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી…

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી…

– હરિન્દ્ર દવે

તમે થોડું ઘણું સમજો તો સારું – હરિન્દ્ર દવે

December 24, 2013 Leave a comment

તમે થોડું ઘણું સમજો તો સારું,
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું…

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ,
એની અણધારી ચોટ ઉરે લાગી,
જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી,
એની ભ્રમણામાં રાતભર જાગી,
ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ – તમે થોડું…

આપણી તે મેડીએ રે આપણ બે એકલા,
ને ફાવે તેવી તે રીતે મળજો,
મોટા નાનામાં મારે નીચા જોણું છે,
રહો અળગા કે વાટ ના આંતરજો,
મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ – તમે થોડું…

મથુરાથી ઉડીને મોરપિચ્છ એક – હરિન્દ્ર દવે

November 24, 2013 Leave a comment

મથુરાથી ઉડીને મોરપિચ્છ એક ઓલ્યા ગોકુળ ની ગલીએ લેહેરાયું,
અંધારી રાતે જોયું વીજળી નાં ચમકારે, એને ઝીલવાને દોડી ગયો વાયુ…

લઈને હિલ્લોળા નીર જમુના નાં સરખાવે, એની નીલાશ સંગે વાન,
વૃંદાવન કુંજે કોઈ ગમતીલા તરુવર ની ડાળી માં ઉગ્યું એક ગાન,
સુતી યશોદા ની વેદના ને વીંધી એના ઊંઘરેટા નેણ માં સમાયું…

કૌતુક થી રાતે સુતો સુરજ જગાડ્યો, એના કિરણો નું ટોળું આવ્યું આંગણ,
નંદજી ને ઘેર આખું આભ ઉતર્યું ને, ડોક ઉંચી કરી જુએ ગોધણ,
રાધાએ મખમલિયા પીંછા ને ચૂમ્યું ત્યાં તો, વાંસળીમાં સગપણ છલકાયુ…

તો મૃત્યુ ન કહો – હરિન્દ્ર દવે

July 16, 2013 1 comment

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો,
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો…

રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો,
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો…

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને,
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને…

ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો…

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવાજે અગોચર છે,
એ અસ્તિત્વને હરદમ મળવા, દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા,
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે…

દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો…

– હરિન્દ્ર દવે

વરસતાં જઇએ – હરિન્દ્ર દવે

February 16, 2013 Leave a comment

ચાલ વરસાદની મૌસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હોય કે હોય દરિયાવ, તરસતાં જઇએ…

મોતના દેશથી કહે છે કે બધા ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ અમસ્તા જઇએ…

આપણે ક્યાં છે મમત એક જગ્યાએ રહીએ,
માર્ગ આપણો છે ઘણા, ચાલને, ખસતાં જઇએ…

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીયે,
બાંધીયે એક નગર, ને જરા વસતાં જઇએ…

તાલ દેનાર ને પળ એક મૂંઝવાની મજા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતા જઇએ…

– હરિન્દ્ર દવે